ગુજરાતી બાળવાર્તા સંપદા/ખરો ખજાનો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખરો ખજાનો

યશવન્ત મહેતા

ઘણાં વરસ પહેલાંની વાત છે. વારાણસી નગરીમાં એક કાવિડયો રહેતો હતો. એક મજબૂત લાકડીને બે છેડે બે પલ્લાં લટકતાં હોય. એમાં બોજ મુકાય. પાણી મુકાય. દહીં-દૂધ મુકાય. ક્યારેક માનવીને પણ પલ્લાંમાં બેસાડાય. પુરાણોમાં સેવાવ્રતી શ્રવણની વાત આવે છે. એણે કાવડમાં પોતાનાં અંધ મા-બાપને બેસાડીને જાતરા કરાવી હતી. વારાણસીનો આ કાવિડયો પાણી સા૨તો. કાવડને બેય પલ્લે ઘડા બાંધીને એ ગંગાકાંઠે જતો. ત્યાંથી પાણી ભરીને ગામના શેઠિયા લોકોને ઘેર પહોંચાડતો. એનું નામ રામપાલ હતું. રામપાલ કાવિડયો સવારથી માંડીને સાંજ સુધી પોતાની કાવડ વાટે પાણી સાર્યા કરતો, પણ શેઠિયા લોકો એને ખૂબ ઓછું નાણું આપતા. રામપાલ માંડમાંડ પોતાનું ગુજરાન ચલાવી શકતો. એક વાર એક શેઠિયાને ઘે૨ લગ્ન લેવાયાં. રામપાલને ઘણું પાણી સારવું પડ્યું. બદલામાં શેઠે એને જમાડી-જુઠાડીને એક તાંબિયો ઈનામમાં આપ્યો ! આ એની બચત થઈ, કા૨ણ કે એ દિવસે જમવાનું તો શેઠિયાને માંડવે પતી ગયેલું. રામપાલ એ સાંજે ખાલી કાવડ લઈને અને એક તાંબિયો લઈને ઘર ભણી ચાલ્યો. આટલી જિંદગીમાં પહેલી જ વાર એક તાંબિયો એણે બચાવ્યો હતો. એ તો એને મહામૂલા ખજાના સમો લાગતો હતો. એના આનંદનો પાર નહોતો. રસ્તામાં રામપાલ વિચાર કરવા લાગ્યો કે મારા તૂટ્યા-ફૂટ્યા ઝૂંપડામાં તો આ ખજાનો રાખવો નથી. ગમે ત્યારે ચોરાઈ જાય. ખજાનો ક્યાંક એવી જગાએ છુપાવું કે કોઈને એની જાણ ન થાય. ચાલતો-ચાલતો એ વારાણસીના ઓતરદા દરવાજા પાસે આવી પહોંચ્યો. ત્યાં એણે જોયું કે નગરના કોટમાં એક જગ્યાએ એક ઈંટ જરાક ઢીલી પડી ગઈ હતી. રામપાલે એ ઈંટ પકડીને જરાક હલાવી તો ઈંટ બહાર નીકળી આવી ! રામપાલને લાગ્યું કે મારો તાંબિયો છુપાવવાની આ ઠીક જગા છે. એણે તો એ ગાળામાં તાંબિયો મૂકી દીધો અને ઈંટ પાછી ગોઠવી દીધી. એણે એ ઈંટની આજુબાજુની ઈંટો ગણી. ધરતીથી એ પંદરમી ઈંટ હતી અને દરવાજાના થાંભલાથી અગિયારમી હતી. ઈંટની જગ્યા આમ યાદ રાખી લઈને રામપાલ ઘેર ગયો. એ પછીને વરસે એના જીવનમાં એક ઓર આનંદનો પ્રસંગ આવ્યો. એનાં લગ્ન થયાં ! પાડોશના એક કાવિડયાની અનાથ છોકરી ચંદા સાથે એ પરણ્યો. ચંદા પણ કાવડ ફેરવીને જ ગુજારો કરતી હતી. બેય જણે મળીને ઘરસંસાર શરૂ કર્યો. દિવસ આખો કાવડ સારે અને સાંજે મળીને રાંધે. વાતોચીતો કરે. આનંદ કરે. ઘરમાં ઘરવખરી નહોતી, ધન નહોતું, પણ આનંદ અને હેત ખૂબ હતાં. એમ કરતાં તહેવારના દિવસો આવ્યા. મેળાના દિવસો આવ્યા. એમાંયે એક મેળો તો ખૂબ મોટો ગણાતો. ચંદા બોર્લી : ‘અરેરે, મારી પાસે ધન હોત તો આ મેળે મહાલવા જાત, પણ હું શું કરું ? આપણી પાસે તો ફૂટી કોડીય નથી !’ ધનની વાત આવી એટલે રામપાલને પેલો તાંબિયો યાદ આવી ગયો. એ બોલ્યો : ‘અલી ચંદા, હું તને કહેવાનું ભૂલી ગયો છું, પણ એક ઠેકાણે મેં એક તાંબિયો સંઘરી રાખ્યો છે. બોલ, એ તાંબિયો તને લાવી આપું ?’ ચંદા કહે : ‘હોવે ! એક તાંબિયાની તો કેટલીય કોડીઓ આવે. અરે, આખો દિ’ મેળામાં ખર્ચ કરો તોય ખૂટે નહીં.’ રામપાલ કહે : ‘એમ કર, તું બે રોટલા ઘડી કાઢ. એટલામાં હું મારો એ ખજાનો લઈને આવું છું.’ આમ કહીને રામપાલ તો દોડ્યો. એનું ઘર દખણાદે દરવાજે હતું અને તાંબિયો એણે ઓતરાદે દરવાજે છુપાવ્યો હતો. આખું નગર વીંધીને જવાનું હતું. જલદી જઈને ખજાનો લઈને જલદીજલદી ચંદાના હાથમાં મૂકવાનો હતો. ચંદાને ખુશ કરવાની હતી. એટલે રામપાલ તો ગાંડા હાથીની જેમ દોડ્યો. હવે બન્યું એવું કે ઓતરાદા અને દખણાદા દરવાજાની વચ્ચે વારાણસીના રાજાનો મહેલ હતો. રાજા આ વેળા મહેલના ઝરૂખામાં ઊભો હતો. એણે રામપાલને પવનના સુસવાટાની જેમ દોડતો દીઠો. એને નવાઈ લાગી : આ જુવાન આમ કાં દોડે ? કદાચ કાંઈ ચોરી-લૂંટ કરીને નાસતો હોય ! રાજાએ તો તાળી પાડી. સૈનિક હાજર થયો. રાજાએ એને દોડતો રામપાલ બતાવ્યો. કહ્યું કે જલદી ઘોડા દોડાવો. આ માણસને પકડીને મારી પાસે હાજર કરો. સૈનિકોએ ઘોડા દપટાવ્યા. રામપાલની આડા ફર્યા. એને આંતરીને ઊભો રાખ્યો. કહ્યું કે જુવાન ! નગરના રાજા તને હમણાં ને હમણાં બોલાવે છે. ચાલ ! રામપાલ કહે : ‘રાજાજીને કહેજો કે એમની હજૂરમાં હું પછી હાજર થઈશ. અત્યારે તો મને જવા દો.’ સૈનિકો નવાઈ પામી ગયા. એમના ઉપરીએ ડોળા તતડાવ્યા અને કહ્યું : ‘શું બોલ્યો ? માળા, મૂરખ ! તું રાજાજીની આજ્ઞા ઓળંગવા માગે છે ? ફાંસીએ ચડવું છે કે શું ? ભાઈઓ, આ માણસ જરૂ૨ ગુનેગાર હોવો જોઈએ, બાંધી લો એને અને લઈ ચાલો રાજાજીની હજૂરમાં !’ એટલે રામપાલને વારાણસીના રાજા પાસે રજૂ કરવામાં આવ્યો. રાજાએ પૂછ્યું : ‘તું કોણ છે ?’ રામપાલ કહે : ‘હું કાવિડયો છું, મહારાજ. મારું નામ રામપાલ છે.’ રાજાએ પૂછ્યું : ‘સવારના પહોરમાં કાવડ સારવાને બદલે તું આમ વંટોળિયાની જેમ કેમ દોડતો હતો ?’ રામપાલે કહ્યું : ‘મહારાજ ! હું મારો છૂપો ખજાનો કાઢવા જતો હતો. મારી ઘરવાળીને મારે એ ખજાનો આપવો છે. પણ મારું ઘર દખણાદે દરવાજે છે અને ખજાનો મેં ઓતરાદે દરવાજે છુપાવ્યો છે. એટલે ઉતાવળે દોડતો હતો.’ રાજા બોલી ઊઠ્યો : ‘વાહ ! જે ખજાના માટે તું આટલી ઉતાવળે દોડતો હતો એ ખજાનોય જબરો હશે. શું લાખેક સોનામહોરોનો ખજાનો છે ?’ રામપાલ કહે : ‘ના મહારાજ, ખજાનો એવડો મોટો તો નથી.’ રાજાએ પૂછ્યું : ‘ત્યારે શું પચાસ હજાર સોનામહોરો છે ?’ ‘ના, એટલો નથી.’ ‘ત્યારે દસ હજાર ?’ ‘ના, મહારાજ.’ ‘તો સો સોનામહોર હશે.’ ‘ના જી.’ ‘તો શું દસેક મહોર ખરી ? ગરીબ માણસને એય ઘણી લાગે.’ રામપાલ કહે : ‘ના, મહારાજ, મારો ખજાનો એવડો નથી.’ ‘તો કેવડો છે ?’ રાજાએ આખરે પૂછ્યું. રામપાલ કહે : ‘એક તાંબિયો.’ રાજાની રાડ ફાટી ગઈ. ‘શું બોલ્યો ? ખાલી એક તાંબિયો ? એને તું ખજાનો કહે છે ? એક તાંબિયાનું તે શું આવે ?’ રામપાલ કહે : ‘નામદાર મહારાજ સાહેબ, હું આખી જિંદગીમાં આટલી જ બચત કરવા પામ્યો છું. પણ એ મારી પરસેવાની કમાણી છે, માટે મને વહાલી છે. મારે મન એ ખરો ખજાનો છે. મારી વહુને મેળે જવું છે. હું એને તાંબિયો આપીશ. તાંબિયાની ઘણી કોડીઓ આવશે. કોડીઓ વડે અમે મેળો મહાલીશું.’ રાજા હસી પડ્યો. એ બોલ્યો : ‘ભલા આદમી ! એક તાંબિયાના ખજાના ખાતર આમ દોડાય ? ક્યાંક કોઈની સાથે ભટકાઈ પડે તો તારાં ને એનાં બેયનાં હાડકાં ભાંગે. માટે હવે ઘેર પાછો જા – એક તાંબિયો તો હું તને આપું છું.’ રામપાલે હાથ જોડીને કહ્યું : ‘તમે એક તાંબિયો આપો તો તમારી મોટી મહેરબાની, મહારાજ ! પણ હું મારો તાંબિયો લેવા તો જવાનો જ. એટલે બે તાંબિયા થાય.’ રાજા કહે : ‘તારે બે તાંબિયા જ જોઈતા હોય તો હું બે આપું.’ રામપાલ કહે : ‘તમે બે તાંબિયા આપવાની મહેરબાની કરવા માગતા હો તો બે આપો, પણ મારો તાંબિયો કાઢવા તો હું જઈશ જ !’ રાજા કહે : ‘ભલા આદમી ! સીધો ઘેર જા. હું દસ તાંબિયા દઉં.’ રામપાલ કહે : ‘હું કાંઈ કહેતો નથી ! તમારે દેવા હોય તો દો ! તમે દસ તાંબિયા દેશો તો મારે અગિયાર થશે.’ રાજાને નવાઈ લાગી : અરે, આ મૂરખ એના એક તાંબિયાને આમ ભૂતની જેમ કાં વળગે ? એણે તો એને સો સોનામહોર, હજાર સોનામહોર, કરોડ સોનામહોર આપવાનું વચન દીધું ! પણ રામપાલ તો એક જ વાતને વળગી રહ્યો : તમારી ખુશાલીથી તમારે જે દેવું હોય તે દો, હું તો મારો તાંબિયો કાઢવા જઈશ જ ! આખરે ચડસાચડસીમાં રાજાએ કહ્યું : ‘અલ્યા કાવિડયા ! જા, તને અડધું વારાણસીનું રાજ આપી દઉં!’ રામપાલ કહે : ‘મહેરબાની, મહારાજ સાહેબ ! પણ મને ઓતરાદી બાજુનું અડધું વારાણસી આપજો!’ રાજાએ પૂછ્યું : ‘કેમ ? ઓતરાદી બાજુનું જ કેમ ?’ રામપાલ બોલ્યો : ‘મહારાજ ! મેં તમને કીધું ને કે મારી મહેનતની કમાણીનો તાંબિયો ઓતરાદા દરવાજાની પાસે છુપાવેલો છે. મને દાનમાં મળેલા અડધા રાજ્યથી એટલો આનંદ નહીં મળે, જેટલો એ મહેનતની કમાણીના તાંબિયાથી મળશે.’