ગુજરાતી બાળવાર્તા સંપદા/ચોથો વાંદરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચોથો વાંદરો

હુંદરાજ બલવાણી

એક વાર શહેરથી દૂર વૃક્ષોની નીચે વાંદરાઓની ખાસ સભા ભરાઈ. એ સભામાં મહાત્મા ગાંધીજીના પેલા ત્રણ વહાલા વાંદરાઓ પણ હાજર રહ્યા હતા. તેમની સામે ફરિયાદ હતી કે તેઓ બાપુજીની શિખામણોને તદ્દન ભૂલી ગયા છે. એ રીતે તેઓએ વાનરજાતિને બદનામ કરી છે. ત્રણે વાંદરાઓ આવતાંની સાથે જ પોતપોતાના પોઝમાં બેસી ગયા. એક વાંદરાએ પોતાના બંને હાથ કાન ઉપર મૂક્યા. બીજા વાંદરાએ પોતાના બંને હાથ મોઢા ઉપર મૂક્યા, ત્રીજા વાંદરાએ બંને હાથથી આંખો બંધ કરી દીધી. વાંદરાઓના નેતાએ ત્રણ વાંદરાઓને હસતાં-હસતાં કહ્યું, “ભાઈઓ, તમે તમારી પ્રતિજ્ઞા ખરેખર પાળો છો કે દુનિયા આગળ ખાલી દેખાવ જ કરો છો?” ત્યાં બેઠેલા વાંદરાઓમાંથી કોઈ વચમાં જ બોલી ઊઠ્યું, “વર્ષોથી આમ કાન, મોઢા અને આંખોને બંધ કરતાં-કરતાં બિચારાઓ કદાચ પ્રતિજ્ઞાનો અર્થ જ ભૂલી ગયા હશે!” એ વાત પર બધા વાંદરાઓ હસવા લાગ્યા. બધાને પોતાના ઉપર હસતા જોઈ ત્રણે વાંદરાઓનાં મોઢાં પડી ગયાં. પહેલા વાંદરાએ કહ્યું, “સાહેબ! તમે એવું શા માટે માનો છો કે અમે બાપુજીની શિખામણ ભૂલી ગયા છીએ? મને તો હજુ પણ કોઈનું ખરાબ સાંભળવાનું ગમતું નથી.” બીજા વાંદરાએ કહ્યું, “હું પણ કોઈનું ખરાબ બોલવાનું પસંદ કરતો નથી." ત્રીજા વાંદરાએ કહ્યું, “હું કદી કોઈનું ખરાબ જોતો નથી.” નેતાની બાજુમાં બેઠેલા, એક મોટા વાંદરાએ પેલા ત્રણ વાંદરાઓની વાત સાંભળી ઊભાં થઈને કહ્યું, “સાહેબ, આ ત્રણ વાંદરાઓ આમ તો સારા છે, પણ જમાનાનો રંગ એમને પણ લાગ્યો છે. માટે તેઓએ પોતાની ફરજ બજાવવામાં હોશિયારી વાપરવાનું શરૂ કરી દીધું છે.” વચમાં કોઈ વાંદરાએ બૂમ પાડી, “તું શું કહેવા માગે છે? સ્પષ્ટ શબ્દોમાં કહે.” નેતાએ તેને ટેકો આપતાં કહ્યું, “ભાઈ, તું સાફસાફ કહી દે કે તેમણે કઈ હોશિયારી વાપરી છે?” પેલા વાંદરાએ જવાબ આપ્યો, “સાહેબ, આ ત્રણ વાંદરાઓ દ્વારા મહાત્મા ગાંધીજી, એ શિખામણ આપવા માગતા હતા કે કોઈનું બૂરું સાંભળો નહિ, બોલો નહિ અને જુઓ નહિ.” નેતાએ પૂછ્યું, “શું આ પ્રકારની શિખામણ લોકો સુધી પહોંચાડવામાં તેઓ નિષ્ફળ ગયા છે?” વાંદરાએ કહ્યું, “આ ત્રણ વાંદરામાંથી પહેલો કોઈનું બૂરું સાંભળતો નથી એ ખરું, પણ બૂરું જોવાનું અને કહેવાનું કામ કરતો રહે છે, કેમકે એ જાણે છે કે તેની ફરજ ફક્ત બૂરું નહિ સાંભળવાની જ છે. બીજો વાંદરો બૂરું બોલવાના કામથી દૂર રહે છે, પણ બૂરું સાંભળવાનું અને જોવાનું કામ કરતો રહે છે. ત્રીજો વાંદરો એ જ રીતે આંખો ઉપર હાથ મૂકી બૂરું જોતો નથી, પણ સાંભળવાનું અને કહેવાનું ચાલુ રાખે છે. આ રીતે ત્રણ વાંદરાઓ હોશિયારીનો ઉપયોગ કરી બૂરું જોવાનું, બોલવાનું, સાંભળવાનું કામ કોઈને ગણકાર્યા વિના કરતા રહ્યા છે. બાળકો તો આજે પણ બાપુજીના વહાલા ત્રણ વાંદરાઓના રમકડાંને જોઈને રાજીરાજી થાય છે અને તેમાંથી કાંઈક શીખે છે. જો બાળકોને ખબર પડે કે આજના યુગમાં બાપુજીના વહાલા વાંદરાઓ પણ પોતાની ફરજ ભૂલી ગયા છે તો તેમને કેટલું દુઃખ થાય! માટે હું આપને વિનંતી કરું છું કે આ ત્રણ વાંદરાઓને સજા કરવામાં આવે.” એ વાંદરાની વાત સાંભળીને સૌ ત્રણે વાંદરા પર ગુસ્સે થયા. બધાએ મોટા અવાજે કહ્યું, “આ ત્રણે વાંદરાઓને સીધા માર્ગ પર લાવવા માટે એમને સજા કરવી જરૂરી છે.” એક વાંદરાએ કહ્યું, “માણસો ભલે પોતાનાં સારાં કાર્યો ભૂલી જાય. આપણે આપણો માર્ગ ક્યારેય છોડવો ન જોઈએ.” ત્રણે વાંદરાઓની સ્થિતિ જોવા જેવી થઈ. તેઓ ગુનેગારોની જેમ માથું ઝુકાવીને ઊભા હતા. નેતાએ હાથના ઇશારાથી બધાને શાંત રહેવા કહ્યું. બધા શાંત થઈ ગયા. પછી નેતાએ એ ત્રણ જવાબદાર વાંદરાઓ તરફ જોઈને, હાજર રહેલા વાંદરાઓને કહ્યું, “ભાઈઓ, આ ત્રણ વાંદરાઓએ ગુનો કર્યો છે એ તો ચોક્કસ! એમનાં ઊતરેલાં મોઢાંઓ એ વાતની ખાતરી કરાવે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો એમને સજા રૂપે એમની ફરજ છીનવી લેવામાં આવે તો પછી બાપુજીની શિખામણનો પ્રચાર કેવી રીતે થશે? માણસો તો મૂળ આપણા જ વારસદાર છે. તેઓને દરેક રીતે મદદ કરવાની આપણી ફરજ છે.” એક ઠીંગણા વાંદરાએ કહ્યું, “સાહેબ, આ ત્રણ વાંદરાઓની ફરજ બીજા ત્રણ વાંદરાઓને સોંપીએ તો?” નેતાએ તેને જવાબ આપ્યો, “એ બીજા ત્રણ વાંદરા પણ આમની જેમ પોતાની ફરજ બજાવવામાં હોશિયારી વાપરવા માંડશે તો?” નેતાની વાત બધાને બરાબર લાગી. બધા બીજો કોઈ ઉપાય શોધવા વિચારોમાં ખોવાઈ ગયા. અચાનક નેતાને વિચાર આવ્યો. એણે બધા વાંદરાઓ તરફ જોઈને કહ્યું, “ભાઈઓ, મારો અભિપ્રાય છે કે ત્રણ વાંદરાઓને બદલે હવે ફક્ત એક જ વાંદરો શોધીએ કે જે ત્રણે ફરજો એકસાથે બજાવે. એટલે કે બૂરું બોલે નહિ, બૂરું જુએ નહિ અને બૂરું સાંભળે નહિ. લોકોને આ શિખામણ આપવા માટે એવી રીતે બેસે કે તરત જ બધા સમજી જાય કે તે શું કહેવા માગે છે.” બધાને આ વાત ગમી ગઈ. એક વાંદરાએ ઊભા થઈને કહ્યું, “પણ સાહેબ, અમને બતાવો તો ખરા કે એ ચોથા વાંદરાને કેવી રીતે બેસવું પડશે?” નેતાએ કહ્યું, “તે વાંદરો સૂટ-બૂટ અને કોટ પહેરી, આંખો ઉપર કાળાં ચશ્માં પહેરી, બંને હાથની આંગળીઓ વડે કાન બંધ કરી ઊભો રહેશે. એના મોઢામાં લોલીપોપ હશે. આંખ પર કાળાં ચશ્માંનો અર્થ એ કે કોઈનું બૂરું જોઈશ નહિ, મોઢામાં લોલીપોપ હશે એનો અર્થ એ કે બૂરું બોલીશ નહિ, આંગળીઓ દ્વારા કાન બંધ કરવાનો અર્થ એ કે બૂરું સાંભળીશ નહિ. હું માનું છું કે આપણા આ ચોથા વાંદરાની મૂર્તિને ઘરઘરમાં વસાવવામાં આવશે અને તેની શિખામણનો અમલ કરવામાં આવશે. દરેક વ્યક્તિ બૂરાઈ જોવા, બોલવા અને સાંભળવાથી બચી જશે.” નેતાનો ઠરાવ સર્વસંમતિએ મંજૂર કરવામાં આવ્યો.