ગુજરાતી બાળવાર્તા સંપદા/જો કરી જાંબુએ !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જો કરી જાંબુએ !

જયંતી ધોકાઈ

‘જાંબુ લ્યો જાંબુ !... મીઠાંમધ જેવાં જાંબુ.... ! સાવ સસ્તાં જાં...બુ !’ અમથાલાલ બજારમાંથી પસાર થતા હતા ને તેણે જાંબુવાળીની આ અહાલેક સાંભળી. અમથાલાલનું મોં પલળી ગયું. જીભ આમતેમ કરતી બહાર ડોકિયુંય કાઢવા માંડી ! થયું, લાવ થોડાં જાંબુ ખાઈએ... ભાવ પૂછ્યો. જાંબુવાળી કહે : ‘સાવ સસ્તાં છે, સાહેબ ! રૂપિયે કિલો...’ અમથાલાલથી રાડ પડાઈ ગઈ : ‘રૂપિયે કિલો ?!... બહુ મોંઘા ભઈ ! કાંક ભાવ ઉતાર તો સામટા બેચાર કિલોનું વિચારું...’ ‘ના સાહેબ !... એક જ ભાવ. એક કિલો લ્યો કે સત્તર કિલો લ્યો. બે ભાવ નહીં.’ ‘ઠીક હમણાં તો બસો ગ્રામ જ દે ને !’ અમથાલાલનો ઑર્ડર છૂટ્યો ! પણ જાંબુડાં એવા મીઠાં લાગ્યા કે અમથાલાલ ઊભા ઊભા જ બસો ગ્રામ ઝાપટી ગયા ! તેમને થયું, જાંબુ છે તો ખાવા જેવાં એમાં ના નહીં. આવાં સરસ ખટમીઠાં જાંબુડાં કદાચ પછી ના પણ દેખાય... અમથાલાલનો એક ભાણિયો દૂર દૂર રહે. આમ તો શહેરમાં જ, પણ તેનું ઘર બહુ દૂર. ભાણિયાનું નામ ટપુ. અમથાલાલને આ ટપુડા પર ભારે પ્રેમ. ને ટપુને અમથાલાલ પર હેત. વારતહેવારે અમથામામા ટપુભાણિયા માટે કાંક ને કાંક મોકલે. જાંબુ ખાઈને અમથાલાલને ટપુ યાદ આવ્યો. લીધાં એક કિલો જાંબુ ટપુ માટે. મનમાં કહે : ‘ટપુડો કેવો રાજીના રેડ થાશે... હોંશે હોંશે ખાશે.’ હવે, અમથાલાલ એટલે એક નંબરના આળસુ ! થેલીમાં જાંબુ તો નાખ્યાં પણ અર્ધો માઈલ છેટે રહેતા ભાણિયાને આપવા જવાનું એના પગે આળસ કર્યું. જાંબુ ટપુને કેમ પહોંચાડવાં એનો વિચાર કરતા હતા ત્યાં સામે જ તેનો ખાસ ભાઈબંધ મગન મળી ગયો. અમથાલાલ કહે : ‘મગન, તું ગામને આથમણે છેડે જાય છે ને !’ ‘હા, હા, બોલો કાંઈ કામકાજ ?’ ‘આ જાંબુની થેલી ટપુડાને પહોંચાડવી છે. આટલું કામ કરીશ ?’ ‘હોવ્વે ! એમાં શું ? લાવો ને, હમણાં જ પહોંચાડી આવું...’ જાંબુનું નામ સાંભળીને મગનની લૂલી જરા લબક લબક થવા લાગી. અમથાલાલે થેલી આપી. મગન થેલી લઈને માંડ્યો ચાલવા. થોડે દૂર જઈને પાછળ જોયું. અમથાલાલ હવે દેખાતો નહોતો. મગને થેલીમાંથી બે જાંબુ કાઢી લીધાં. મોઢામાં નાંખતાં જ એવાં તો મીઠાં લાગ્યાં કે... બીજાં બે ક્યારે થેલીમાંથી નીકળીને ઓગળી ગયાં એનુંય ભાન ના રહ્યું ! મગનને થયું, ભારે થઈ ! અમથાલાલે એક કિલો જાંબુ લીધાં છે, ને હવે... વજનમાં ઓછાં થશે તો ? ખરાબ કહેવાય. વજન સરખું કરવા પેલા ખાધેલા ચાર ઠળિયા આસ્તેકથી તેણે થેલીમાં નાખી દીધા ! આટલાં એક કિલો જેટલાં જાંબુમાં ચાર ઠળિયા શું દેખાવાના ? એ તો માંડ્યો ચાલવા આગળ આગળ... ત્યાં રસ્તામાં એનો જ ખાસ મિત્ર મળી ગયો. ‘ઓહો ! રા...મ...જી ! ઘણે દિવસે મળ્યો હોં દોસ્ત !’ ‘યાર, હું તો અહીં જ છું, તું કાંઈ હમણાં તો દેખાતો જ નથી...’ એમ વાતો ચાલી. પછી મગને રામજીને કહ્યું : ‘તું પેલી પા આથમણે દરવાજે રહે છે ને ?’ ‘હા, કાંઈ કામકાજ ?’ ‘આ નાનકડી થેલીમાં જાંબુ છે. અમથાલાલના ભાણિયા ટપુને તું આપી આવીશ ?’ ‘હોવ્વે ! એમાં શું, લાવ ને !’ રામજીની જીભ પણ જાંબુંનું નામ સાંભળી બોલી ઊઠી. મગને રામજીને થેલી પધરાવી દીધી ! આપણે વળી ક્યાં છેક સુધી આંટો ખાવો...? તેને થયું. રામજીએ માંડ્યું ચાલવા. હાથમાં થેલી. થેલીમાં જાંબુ. મીઠાં-મધ જેવાં જાંબુડાં શું મઘમઘે ?! રામજીની જીભ માંયલીકોર આંટા મારવા લાગી ! થયું, લાવ ને બે’ક ચાખું. આવડાં એક કિલો જાંબુમાં બે’ક ઓછાં થાશે તોય શું ! એણેય જાંબુ મોંમાં મેલ્યાં ને... દાઢમાં એવાં તો ચોંટી ગયાં કે બીજાં બેચાર ખાધા વગર તેને ચેન ના પડ્યું !.... ને વજન સરખું કરવા તેણેય ઠળિયા નાખ્યા થેલીમાં ! આગળ ચાલતાં તેને નાથિયો મળી ગયો. નાથિયો એટલે રામજીનો સગા કાકાનો દીકરો. ભાઈનો તો વિશ્વાસ કરાય ને ! નાથિયાને થેલી સુપરત કરીને કીધું : ‘અમથાલાલના ભાણિયા ટપુડાને આ થેલી પહોંચાડ. માંયલીકોર એક કિલો જાંબુ છે. કે ‘જે કે તારા મામાએ મોકલાવ્યાં છે...’ નાથિયો માંડ્યો ચાલવા. રસ્તામાં બીચારા નાથિયાનું નાક પણ ઊંચુંનીચું થવા લાગ્યું. થેલીમાંના મીઠાંમધ જાંબુડાંની મઘમઘતી સુવાસ તેના નાકમાં એવી ઘૂસી ગઈ કે... પટ કરતાંક બે જાંબુ કાઢવાં પડ્યાં ! ભારે મજા આવી ગઈ !... ને થેલીમાં જાંબુડાં ભેળા થોડાક ઠળિયાય ભાળીને ચાલાક નાથિયો બધુંય સમજી ગયો. તેણેય ખાધાં એટલા ઠળિયા થેલીમાં નાખી દીધા. બીજાય બેપાંચ આમતેમથી શોધીને નાખ્યા થેલીમાં. વજનમાં ફેર પડે તો ટપુડો કાંઈ કહે ને ? હજુ તો સામેની ગલી વટાવે છે ત્યાં જ તેને સામે મોંઘીમા ભટકાયાં. મોંઘીમા ટપુડાને ઘેર જ જતાં હતાં. નાથિયાએ વિચાર કર્યો કે... ટપુડાને રૂબરૂ થેલી આપવી ને ઠળિયાની વાત નીકળી તો વળી આલાબાલા (અષ્ટંપષ્ટં) સમજાવવું ને... એવી બધી કડાકૂટ આપણે શા માટે કરવી ? લાવ ને પધરાવી દઉં થેલી આ ‘ડોહલી’ને. તે.... મોંઘીમાને સમજાવીને થેલી સોંપી દીધી. મોંઘીમા ચાલ્યાં ટપુડાના ઘર ભણી. હવે ટપુડાનું ઘર બહુ દૂર નહોતું. દસેક ઘર વટાવે ત્યાં સામે જ હતું. મોંઘીમા ધીમે ધીમે ચાલવા લાગ્યાં. થોડી થોડી વારે હાથમાંની થેલી પર હાથ ફેરવે ને હાથ નાકે અથડાતાં જાય !.... મીઠાંમધ જાંબુડાં કાંઈ અછતાં રહે ?... થેલીમાંથી એક મોટું પોચું જાંબુ કાઢ્યું... ને બોખા મોંમાંય એ એક જાંબુ એવું તો ઓગળી ગયું કે... વાત ના પૂછો ! તેણે તો બીજાં બે’ક ખાવા માટે થેલીમાં હાથ નાખ્યો તો... જાંબુને બદલે હાથમાં આવ્યા ઠળિયા ! હત્તારીની ! ડોશીને થયું, ‘મને છેતરવા માટે થેલી આપી કે પછી બચારા ટપુડાને છેતરવો છે ?.... એ તો ઠીક, પણ હવે હું થેલી આપવા જાઉં તો જાંબુ ખાઈ ગયાની શંકા મારી ઉપર જ આવે ને ?... નખ્ખોદિયો નાથિયો !...’ ડોશીથી બોલી જવાયું. તેણે પાડોશની નાનકી છોરી પશીને થેલી આપી દીધી ને કીધું : ‘જા, ટપુડાને આપી આવ. કે ‘જે કે તારા મામાએ મોકલી છે.’ પશીએ થેલી લીધી હાથમાં. ‘એવું બધું તે મામાએ શું મોકલાવ્યું છે ? લાવ, જોઉં તો ખરી’ એમ વિચારી પશીએ થેલી ખોલી તો... અંદર રહેલું માત્ર એક જ જાંબુ ! બાકીના બધા ઠળિયા ! !’ ‘હવે આ એક જાંબુ પણ મારા માટે જ રહ્યું લાગે છે. લાવ ને હુંય ચાખું...’ એમ કહી છેલ્લું જાંબુ પશીના પેટમાં પહોંચી ગયું ! ને... પશીએ પહોંચાડેલી એ જાંબુની થેલી જ્યારે અમથાલાલના ભાણિયા ટપુડાને મળી હશે ને જાંબુ ખાવા અંદર હાથ નાખ્યો હશે ત્યારે... તેની બીચારાની શી દશા થઈ હશે ?!