ગુજરાતી બાળવાર્તા સંપદા/ટાઢા ટબુકલાની વાર્તા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ટાઢા ટબૂકલાની વાર્તા

ગિજુભાઈ બધેકા

એક ડોશી હતી. તે એક કૂબામાં રહેતી હતી. વરસાદના દિવસો આવ્યા અને વરસાદ બહુ થયો. એટલે ડોશીના કૂબામાં ચારે કોર ચૂવા લાગ્યું, અનેક ઠેકઠેકાણે પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયા. ડોશીને ચૂવાથી બહુ જ ત્રાસ થવા લાગ્યો : ચૂવાનાં ટીપાં તેના શરીર પર પડતાં હોવાથી તે ઘણી કંટાળી ગઈ. એક વાર એક સિંહ ડોશીના કૂબા પાછળ રાતનો લપાઈને ઊભો હતો. એવામાં ડોશીને પગમાં ઠેસ લાગવાથી ખાબોચિયામાં પડી અને શરીરે ટાઢું લાગવાથી બોલી :

‘હું સિંહલાથી ન બીઉં,
હું વાઘલાથી ન બીઉં,
બીઉં હું એક ટાઢા ટબૂકલાથી.’

ડોશીને આવું બોલતી સાંભળી સિંહ વિચાર કરવા લાગ્યો : આ ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી, અને ટાઢા ટબૂકલાથી બીએ છે, ત્યારે એ ટાઢું ટબૂકલું તે કેવું હશે ? એટલામાં ડોશીના વાંસામાં ઉપરથી એક મોટું પાણીનું ટીપું પડ્યું. ડોશી વળી કંટાળીને બોલી :

‘હું સિંહલાથી ન બીઉં,
હું વાઘલાથી ન બીઉં,
બીઉં હું એક ટાઢા ટબૂકલાથી.’

સિંહ ફરી વાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબૂકલાથી બચવા માટે ઊભે પૂંછડે જંગલ તરફ દોડ્યો. રસ્તામાં એક વડ આવ્યો. વડ ઉપર એક વાંદરો ધ્રૂજતો બેઠો હતો. નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે ઓડવાઈને પડ્યો હતો. સિંહને દોડતો જતો જોઈને વાંદરે પૂછ્યું : ‘સિંહભાઈ ! વનરાજ થઈને ધ્રૂજતાં ધ્રૂજતાં ક્યાં દોડ્યા જાઓ છો ?’ સિંહ કહે : ‘ભાઈ ટાઢા ટબૂકલાથી બહુ બીઉં છું. એક ડોશી બોલતી હતી :

‘હું સિંહલાથી ન બીઉં,
હું વાઘલાથી ન બીઉં,
બીઉં હું એક ટાઢા ટબૂકલાથી.’

આથી હું ડોશીને બોલતી સાંભળીને જીવ લઈને ભાગ્યો છું.’ સિંહની વાત સાંભળીને વાંદરાને પણ બહુ બીક લાગી. ઝાડ પાસે સિંહને ઊભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી કે કદાચ સિંહ પોતાને ખાઈ જશે. એટલે તેણે ઝાડ પર ચડવાનો વિચાર કર્યો. તેના હાથમાં વાદરાનું ટાઢું ટાઢું પૂંછડું આવ્યું. મુસાફરે વાંદરાનું પૂછડું પકડ્યું એટલે વાંદરો ચમક્યો અને ટાઢું ટબૂકલું આવી પહોંચ્યું એમ ધારી ચીસ પાડી કૂદ્યો. મુસાફરના હાથમાંથી પૂંછડું લપસી ગયું એટલે તે ધડ લઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે ટાઢું ટબૂકલું આવી પહોંચ્યું છે અને વાંદરાને પકડ્યો છે; આથી સિંહ વધારે ગભરાયો ને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો નાઠો. તે જ રાત્રે એક વોરાની બકરી ખોવાયેલી તેથી તે જંગલમાં તેને શોધવા માટે નીકળેલો. અંધારામાં સિંહ તેની સાથે અફળાયો. સિંહને કંઈક અથડાયું એટલે તેને બીક લાગી કે ટાઢું ટબૂકલું આવ્યું; ને વોરાને કંઈક અથડાયું એટલે એણે જાણ્યું કે પોતાની બકરી હાથ આવી. સિંહ તો ટાઢા ટબૂકલાની બીકથી લપાઈને ટાઢો થઈને કોરે જઈને ઊભો રહ્યો. વોરાને લાગ્યું કે નજીક ઊભેલું પ્રાણી પોતાની બકરી છે એટલે તેણે એકદમ પાસે જઈને ગાળો દઈ, તેના કાન પકડીને તેને બે-ચાર ખેંચી કાઢી. સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા ! ટાઢા ટબૂકલાના હાથમાં આવ્યા તે હવે છૂટશું નહિ. બીકમાં અને બીકમાં તેણે માર ખાઈ લીધો અને મિંયાની મીની જેવો બની વોરા સાથે ચાલ્યો. વોરાએ ઘેર આવીને તેને બકરીને ખીલે બાંધી દીધો. સવારમાં ઊઠીને જ્યાં વોરીસાહેબ બકરી દોહવા જાય ત્યાં તો તેણે બકરીને બદલે સિંહ જોયો ! વોરીજીએ વોરાજીને વાત કરી અને સિંહ છે એમ ખાતરી થતાં દૂરથી છરી વડે દોરડું કાપી નાખી વોરાવોરી ઘરમાં પેસી ગયાં ! સિંહને મનમાં થયું : હાશ ! ચાલો. ટાઢા ટબૂકલાથી છૂટ્યા !