ગુજરાતી બાળવાર્તા સંપદા/ઢબ્બુની કિંમત
રમણલાલ પી. સોની
એક હતું ગામ. ગામ ફરતો મોટો કોટ હતો. કોટને ચાર દિશાએ ચાર દરવાજા હતા. ને ગામની વચમાં રાજાનો મહેલ હતો. રાજમહેલના ઝરૂખામાં રાજા ઊભો ઊભો ગામની શોભા જુએ. જતાં-આવતાં લોકોને જુએ. રાજમહેલની સામેના આંગણામાં મદારી ખેલ કરે, ભવાયા ભવાઈ ૨મે, નાટકવાળા નાટક કરે – રાજા ઝરૂખામાં બેઠો બેઠો એ જુએ ને ખુશ થાય. ઉનાળાના દિવસો હતા, ધાણી ફૂટે તેવો તાપ પડતો હતો. જમીનમાંથી ઊની લાય નીકળતી હતી. પંખીઓ માળાઓમાં લપાઈ ગયાં હતાં. પશુઓ છાંયડો ખોળી જંપી ગયાં હતાં. માનવીઓ ઘરોમાં ભરાઈ ગયાં હતાં. રાજા બપો૨ની જરીક નીંદ પૂરી કરીને ઝરૂખામાં આવી ઊભો. ત્યાં એણે વીસેક વરસના એક જુવાનને તાપમાં દોડતો જતો જોયો. એના પગમાં જોડા ન હતા. એનું માથું ઉઘાડું હતું. એનું ડિલ પણ ઉઘાડું હતું. ટૂંકી પોતડી સિવાય એના શરી૨ ૫૨ બીજું કોઈ વસ્ત્ર ન હતું. એનું આખું શરી૨ પરસેવે રેબઝેબ હતું. સામા તાપે એ દોડતો જતો હતો. એ જોઈ રાજાને નવાઈ લાગી. તેને થયું કે અત્યારે તાપમાં એક ચકલુંય ફરકતું નથી તેવે વખતે આ જવાન આમ કેમ દોડતો જતો હશે ? એવું શું કામ પડ્યું હશે એને ? તરત તેણે સિપાઈને બોલાવી હુકમ કર્યો : ‘જા, પેલો જુવાન દોડતો જાય છે એને અહીં બોલાવી લાવ !’ સિપાઈ છૂટ્યો. તેણે બૂમ પાડી યુવાનને ઊભો રાખી કહ્યું : ‘એ...ઈ છોકરા, ચાલ તને રાજાજી બોલાવે છે !’ યુવાને કહ્યું : ‘તમારી ભૂલ થાય છે. રાજાજી મને બોલાવે નહિ ! મારા જેવા ગરીબનું રાજાને શું કામ હોય ?’ સિપાઈએ કહ્યું : ‘કંઈ કામ હશે ત્યારે જ બોલાવતા હશે ને ? ચાલ !’ યુવાને કહ્યું : ‘ના ભાઈ, ના ! મારે રાજાજીનું કંઈ કામ નથી !’ સિપાઈએ કહ્યું : ‘તારે નથી, પણ રાજાજીને છે ને !’ જુવાને કહ્યું : ‘રાજાજીને હોય તો રાજાજી જાણે ! એમને કહેજે હું અત્યારે ખૂબ જ જરૂરી કામે જાઉં છું. મને ઘડીની પણ ફુરસદ નથી !’ સિપાઈએ ખિજાઈને કહ્યું : ‘તારી ફુરસદનું કોણ પૂછે છે તે ? ચાલ, આગળ થા ! નહિ તો હમણાં મારી-પીટીને લઈ જઈશ !’ આમ કહી એણે જુવાનનો હાથ પકડીને ખેંચવા માંડ્યો. લાચારીથી જુવાન એની સાથે ગયો. રાજા ઝરૂખામાં ઊભો ઊભો આ જોતો હતો. યુવાન આવીને તેની સામે ઊભો કે રાજાએ તેને પૂછ્યું : ‘કેમ રે, તું આવવાની ના કેમ કહેતો હતો ?’ યુવાને કહ્યું : ‘મહારાજ, હું અત્યારે એક ખૂબ જ જરૂરી કામે જાઉં છું.’ રાજાને એ જ જાણવું હતું. તેણે કહ્યું : ‘હં, એવું તે કેવું એ જરૂરી કામ છે ? શું તને તાપ નથી લાગતો ? શું તારા પગ દાઝતા નથી ?’ યુવાને જાણે નવાઈની વાત સાંભળતો હોય તેમ કહ્યું : ‘ક્યાં છે તાપ ? હા, જરી પગ દાઝતા હશે, પણ એની તો મને કંઈ ખબર પડી નથી !’ રાજાએ નવાઈ પામી કહ્યું : ‘શું કહે છે તું ? તાપ પડે છે અને પગ દાઝે છે એની પણ શું તને ખબર નથી ?’ જુવાને શાંતિથી કહ્યું : ‘એવી ખબર રાખવાનો મને વખત ક્યાં છે, મહારાજ ? હજી તો મારે પશ્ચિમને દરવાજે પહોંચવું છે, ને તરત પાછું પૂરવને દરવાજે જવું છે.’ રાજાએ પૂછ્યું : ‘એવું શું કામ આવી પડ્યું છે તે ?’ જુવાને કહ્યું : ‘કામ તો ખરું જ તો !’ ‘શું ?’ ‘હું મારી કમાણીનું ધન લેવા જાઉં છું.’ રાજા આ સાંભળીને ટટાર થયો. તે બોલ્યો : ‘તારી કમાણીનું ધન ? બહુ ભેગું કર્યું લાગે છે !’ જુવાને કહ્યું : ‘ખૂબ દુઃખ વેઠીને, ખૂબ શ્રમ કરીને ભેગું કર્યું છે, મહારાજ ! જીવની પેઠે હું એ સાચવું છું.’ રાજાએ કહ્યું : ‘હાસ્તો, સાચવવું જોઈએ ! તેં એ ક્યાં રાખ્યું છે ?’ જુવાને શંકાશીલ નજરે રાજાની સામે જોયું. રાજાએ કહ્યું : ‘હું તારું ધન નહિ પડાવી લઉં. તું જરાયે બીતો નહિ. કહે, તેં એ તારા ઘરમાં રાખ્યું છે ?’ ‘મહારાજ, મારે ઘર જ નથી !’ ‘તો જમીનમાં દાટ્યું છે ?’ ‘મહારાજ, મારી પાસે જમીન નથી, ખેતર નથી, કાંઈ નથી !’ ‘તો કોઈ સગાસંબંધીને ત્યાં મૂક્યું છે ?’ ‘મહારાજ, મારે કોઈ સગું-સંબંધી નથી.’ ‘તો એ ધન તેં રાખ્યું છે ક્યાં ? તારા અંગ પર ?’ ‘અંગ ૫૨ હોય તો એ લેવા આટલી દોડાદોડ કરું શું કરવા ? માફ કરજો, મહારાજ ! મેં એ આપને ત્યાં રાખ્યું છે !’ નવાઈ પામી રાજાએ કહ્યું : ‘મારે ત્યાં ? મારે ત્યાં તારું ધન હોય તો તું આમ ક્યાં દોડતો જતો હતો ?’ ‘એ ધન લેવા જ તો. મેં એ કિલ્લાના પશ્ચિમના દરવાજાની ભીંતમાં રાખ્યું છે. કિલ્લો આપનો છે, એટલે મારું ધન મેં આપને ત્યાં જ રાખ્યું છે એમ કહેવાય ને !’ રાજા કહે : ‘ઓહ, એમ વાત છે ! ઠીક ભાઈ કેટલું ધન છે એ ? કેટલું સોનું છે ? કેટલી મહોરો છે ?’ ‘સોનુંયે નથી, અને મહોરોયે નથી !’ ‘તો કેટલું રૂપું છે ? કેટલા રૂપિયા છે ?’ ‘રૂપુંયે નથી, ને રૂપિયાયે નથી !’ ‘તો છે શું ?’ ‘મહારાજ ! આખેઆખો એક તાંબાનો ઢબ્બુ છે !’ ‘એક તાંબાનો ઢબ્બુ ? બીજું કંઈ નહિ ?’ ‘બીજું વળી શું, મહારાજ ? એ મારા શ્રમની કમાણી છે ! કેટલા દિવસ સુધી માથાનો પરસેવો પગે ઉતાર્યો ત્યારે હું આટલું ધન ભેગું કરી શક્યો છું !’ રાજાએ કહ્યું : ‘ખરું, ખરું !’ રાજા કંઈક વિચારમાં પડી ગયો. પછી તેણે કહ્યું : ‘અત્યારે ને અત્યારે તારે એ ધન લેવા જવાની શી જરૂર પડી ? તું સાંજે એ લેવા જાય તો ન ચાલે ?’ જુવાને કહ્યું : ‘કેવી રીતે ચાલે, મહારાજ ? આજે મારી વરસગાંઠ છે. મહારાજ ! ખૂબ મહેનત કરીને મેં જેમ આ એક ઢબ્બુ બચાવ્યો છે તેમ મારી સ્ત્રીએ પણ ખૂબ જ મહેનત કરીને એક તાંબાનો ઢબ્બુ ભેગો કર્યો છે. તેણે એ પૂરવના દરવાજાની ભીંતમાં બે રાખ્યો છે. આમ એક ઢબ્બુ એનો અને એક ઢબ્બુ મારો. બે ઢબુમાં અમે આજે મારી વરસગાંઠ ઊજવશું. એટલે હું એ ઢબ્બુ લેવા જાઉં છું, લઈને તરત પાછું મારે પૂરવના દરવાજે પહોંચી જવાનું છે ! ત્યાં મારી સ્ત્રી મારી રાહ જોતી ઊભી છે !’ રાજાએ રસથી આ વાત સાંભળી. પોતાના રાજમાં આવા મહેનતુ અને સંતોષી લોકો છે તે જાણી એને આનંદ થયો. તેણે કહ્યું : ‘જુવાન, હું તારા પર ખુશ છું, હું તને એક ઢબ્બુ ઈનામમાં આપું છું, એ લઈને તું તારી વરસગાંઠની ઉજવણીમાં હાજર થઈજા, જા !’ આમ કહી રાજાએ એને એક ઢબ્બુ આપ્યો. ઢબ્બુ લઈ પંચિયાની ઓટીમાં ઘાલી યુવાને કહ્યું : ‘મહારાજ, આપે આપેલા આ ઈનામમાંથી અમે અમારા દોસ્તોને ઉજાણીમાં બોલાવશું !’ રાજાએ કહ્યું : ‘તો અહીંથી જાય છે ને પાછો પૂરવના દરવાજે ?’ ‘જી. પહેલાં મારો પેલો ઢબ્બુ લઈ આવું, પછી જાઉં !’ ‘હવે છોડ તારો ઢબુ ! જા, હું તને એક પાવલી આપું છું. આખેઆખી પાવલી ! એક પાવલીમાંથી તો એવા આઠ ઢબ્બુ આવશે !’ આમ કહી એણે જુવાનને પાવલી આપી. પાવલી લઈ હરખાઈને જુવાને તે પોતડીની ઓટીમાં ઘાલી. પછી કહ્યું : ‘જી, આપ દયાળુ છો, એટલે આપને એવું થતું હશે કે આ છોકરો તાપમાં દોડાદોડ કરે તે ઠીક નહિ. પણ મહારાજ, મને આવી દોડાદોડની કંઈ નવાઈ નથી, મારો ઢબ્બે લઈને હું હમણાં જ આવી પહોંચીશ !’ રાજાએ કહ્યું : ‘પણ તને મેં આખેઆખી પાવલી આપી તોયે હજી તારું મન એ ઢબ્બુમાં રહ્યું.’ ‘મહારાજ, એ મારો ઢબ્બુ છે, મેં એ માટે પરસેવો નિતાર્યો છે.’ ‘હવે છોડ ખાલી વાતો ! એવા એક ઢબ્બુનો હિસાબ શો ? લે, હું તને રૂપિયો આપું છું ! આખેઆખો રૂપિયો !’ યુવાને રૂપિયો લઈને ઓટીમાં બાંધ્યો, પછી કહ્યું : ‘મહારાજ, હું આપનો ઘણો આભારી છું ! રજા આપો તો હવે હું જાઉં –’ ‘ક્યાં ?’ ‘પશ્ચિમના દરવાજે ! ઊભા ઊભા મારો ઢબ્બુ લઈને હું એકધારો પૂરવના દરવાજે પહોંચી જઈશ. તમે જોજો તો ખરા, મહારાજ ! મને જરીકે વાર નહિ લાગે !’ રાજાએ જોયું કે હજી આ એનો ઢબ્બુ છોડતો નથી. એટલે એણે કહ્યું : ‘અરે ભાઈ, આટલું આટલું કહું છું તોયે હજી તારા ઢબ્બુનો લોભ છોડતો નથી, એ શું ? લે, હું તને એક સોનામહોર આપું છું, એ લઈને હવે સીધો પૂરવના દરવાજે પહોંચી જા !’ સોનામહોર લઈને એણે ઓટીમાં બાંધી પછી તે બોલ્યો : ‘મહારાજ, જાઉં છું !’ ‘ક્યાં ?’ ‘પશ્વિમના દરવાજે ! દસ ગણતામાં તો હું ત્યાંથી મારો ઢબ્બુ લઈને પાછો આવી જઈશ. હવે મારા પગમાં ઝાઝું જોર આવ્યું છે ! મને કેટલું બધું મળ્યું મહારાજ ! ઢબ્બુ, પાવલી, રૂપિયો, મહોર !’ રાજાએ કહ્યું : ‘એટલું બધું મળ્યું તો પછી હવે પેલા મામૂલી ઢબ્બુનો મોહ શીદને રાખે છે ? જા, સીધો અહીંથી પૂરવના દરવાજે પાછો જા, ને ઠાઠથી તારી વરસગાંઠ ઊજવ !’ ‘જાઉં, પણ જરી મારો ઢબ્બુ લઈ આવું ! મને કંઈ વાર નહિ લાગે, મહારાજ !’ ‘વા૨, નહિ વા૨ની હું વાત નથી કરતો; પણ મને તું બહુ લોભી લાગે છે. આવડા એક ઢબ્બુની વળી વિસાત શું ? મેં તને પાવલી આપી, રૂપિયો આપ્યો, મહોર આપી – હજીયે તને સંતોષ ન હોય તો માગ, માગે તે આપું ! કહે તો આ અડધું ગામ તને આપું ! માગ, માગી લે !’ જુવાને કહ્યું : ‘જેવી આપની મરજી !’ રાજાએ કહ્યું : ‘તો જા, આ ગામનો અડધો ભાગ તારો !’ ‘કયો ભાગ, મહારાજ ?’ રાજાએ ઉત્સાહમાં આવી કહ્યું : ‘જા, તારી મેળે તું પસંદ કરી લે ! મારો મહેલ બરાબર ગામની વચમાં છે જોઈએ તો એની જમણી બાજુનો ભાગ લે કે ડાબી બાજુનો લે !’ ‘તો ડાબી બાજુનો ભાગ મેં લીધો, મહારાજ !’ ‘જા, તને આપ્યો ! ખુશ થા !’ ‘હું ખુશ છું, મહારાજ !’ રાજાએ કહ્યું : ‘હું પણ ખુશ છું, છેવટે તેં તારો ઢબ્બુ જતો કર્યો ખરો !’ તરત જુવાને કહ્યું : ‘મેં ક્યાં એ જતો કર્યો છે, મહારાજ ? એ તો મારો શુકનિયાળ ઢબ્બુ છે. એની પાછળ તો મને અડધું રાજ્ય મળ્યું. એ હું કેમ જવા દઉં ?’ રાજાએ નવાઈ પામી કહ્યું : ‘તો ?’ જુવાને વિનયપૂર્વક કહ્યું : ‘મહારાજ, ડાબી બાજુનું ગામ આપે મને આપ્યું છે – અને મારો ઢબ્બુ જે દરવાજાની ભીંતમાં છે તે દરવાજો ડાબી બાજુએ છે, એટલે હવે ઢબ્બુ મારા કબજામાં આવી જાય છે. એ ઢબ્બુ મારો ખરી કમાણીનો છે. મહારાજ ! મારા ખરા શ્રમનું એ ફળ છે ! એની પાછળ અડધું રાજ્ય ખેંચાઈ આવ્યું એટલે મારે મન એની કિંમત અડધા રાજ્ય કરતાં યે વધારે છે !’ હવે રાજાએ કહ્યું : ‘ખરું ભાઈ, ખરું ! શ્રમની કમાણીનો ઢબ્બુ અડધું રાજ્ય તો શું, પણ આખા રાજ્ય કરતાં યે વધારે કીમતી છે ! તારું નામ શું, ભાઈ ?’ છોકરાએ કહ્યું : ‘મારું નામ શ્રમ !’ ‘અને તારી સ્ત્રીનું નામ શું ?’ ‘એનું નામ સેવા, મહારાજ !’ રાજા બોલી ઊઠ્યા : ‘ઓહ ! સેવા અને શ્રમ ! હું તો શું, પણ ગમે તેવો મોટો રાજા પણ સેવા અને શ્રમનાં ફળને ઝૂંટવી લઈ શકતો નથી !’