ગુજરાતી બાળવાર્તા સંપદા/બિલ્લી વાઘતણી માસી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બિલ્લી વાઘતણી માસી

અરુણિકા દરૂ

મિત્રો તમે આવું ગીત સાંભળ્યું છે કે

બિલ્લી વાઘતણી માસી
જોઈને ઉંદર જાય નાસી.

જાણો છો બિલાડીને વાઘની માસી કેમ કહેવામાં આવે છે તે? આ ગીત પાછળ એક સરસ મજાની વાર્તા છે તે તમને જણાવું છું. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. તે વખતે જંગલમાં રાજા સિંહ એકદમ ઘરડો થયો હતો અને વલરાવાઘની વનમાં હાક હતી. આ વાઘ ઘણો ખૂંખાર ને હિંસક હતો. ભલભલાં પ્રાણીઓ તેનું નામ પડતાં જ ઊભી પૂંછડીએ ભાગી જતાં. એવી તો એની ધાક હતી. આ વનમાં એક બિલાડી રહે. નામ તેનું મીની. એક પછી એક કુટુંબીજનોનાં મરણ થતાં તે એકલી પડી ગઈ. હવે જંગલમાં તેને કંટાળો આવવા લાગ્યો. તેણે વિચાર્યું કે જંગલ પાસેના ગામમાં તેની બહેન અને તેનું કુટુંબ રહે છે અને સાંભળ્યું છે કે તેઓ ખાધેપીધે સુખી છે એટલે તેણે તો ત્યાં જવાનું નક્કી કર્યું. બાજુના ગામમાં જવા માટે મીનીને તો આખું જંગલ પસાર કરવું પડે અને જંગલમાં તો અનેક જાતનાં પ્રાણીઓ વસે તે બધાંથી બચી જઈને જો એક વાર ગામમાં બહેન પાસે પહોંચી જવાય તો-તો પછી હરકત જ નહીં, પણ ત્યાં સુધીની મુસાફરીમાં એણે સાચવવાનું રહ્યું. એણે તો આ વાત પર ખૂબ ખૂબ વિચાર કર્યો. આમ પણ ઘરમાં હવે તેને એકલાં રહેતાં કંટાળો આવતો હતો. અરે, ક્યારેક તો મરી જવાનું મન થતું હતું. તો પછી જંગલમાં મુસાફરી કરતાં મરી જવાય તો ફિકર શી અને એમાં કોઈ મુશ્કેલી ન પડે તો-તો પછી બહેનના કુટુંબ સાથે જીવવાની મજા મળવાની જ હતી. એટલે એણે તો બહેન પાસે જવાનો પાકો નિર્ણય કર્યો. ઘેરથી નીકળતાં પહેલાં એણે બે વસ્તુ ધ્યાનમાં રાખી : (૧) તેણે નક્કી કર્યું કે મોટા ભાગની મુસાફરી રાતના જ કરવી કારણ કે, રાતના મોટા ભાગના પશુઓ ખાઈપીને જંપ્યાં હોય એટલે બહુ ઓછાં પ્રાણીઓનો સામનો કરવો પડે. અને મુશ્કેલી ઓછી નડે. વળી મીનીની તો આંખ પણ સરસ. રાત્રે બધું જ સારી રીતે જોઈ શકે. એટલે એને રાતની મુસાફરીની તો બિલકુલ તકલીફ જ ન હતી. (૨) એણે નક્કી કર્યું કે પોતાનો વેશ બદલી નાખવો જેથી કોઈ પ્રાણી એને જલદીથી ઓળખી ન શકે એટલે એણે તો કાબરચીતરું કપડું આણ્યું અને શરીર પર વીંટાળીને મીનીબાઈ તો ઘરની બહાર નીકળ્યાં. સાથે તો કશું લેવાનું ન હતું. કેવળ હિંમત અને આત્મવિશ્વાસથી તેણે મુસાફરી શરૂ કરી. રાતનો વખત હતો. મીની તો છાનીમાની જંગલમાં આગળ વધે છે. એમ કરતાં એને એક શિયાળ સામે મળ્યો. કાબરચીતરા વસ્ત્રને લીધે મીનીને તે ઓળખી ન શક્યો. પણ નાનું પ્રાણી સમજીને તેણે તો પડકાર કર્યો : “કોણ છે તું? ક્યાં જાય છે?” મીનીએ તો નક્કી જ કરી રાખેલું કે ડરવું નહીં. ડરે તેને સહુ ડરાવે એટલે એણે ઘોઘરો અવાજ કાઢી જવાબ આપ્યો :

“હું છું વાઘતણી માસી
જોઈને રીંછડી જાય ત્રાસી.”

શિયાળ તો ગીત સાંભળી વિચારમાં પડ્યો. જો આ પ્રાણી વલરાવાઘની માસી હોય અને રીંછને હંફાવી શકતી હોય તો મારું તે શું ગજું? તેણે કહ્યું : “હું દિલગીર છું માસીબા! મેં તમને ઓળખ્યાં નહીં. જાઓ તમે તમારે રસ્તે.” અને મીનીમાસી તો હિંમતથી આગળ ચાલ્યાં. રસ્તામાં કૂતરો મળ્યો. કૂતરાને જોઈ ઘડીભર તો તેને પાછા ફરવાનું મન થયું પણ પછી હિંમત રાખી, અવાજ પલટીને તેણે ગાયું :

“હું છું વાઘતણી માસી
જોઈને શિયાળ ગયું નાસી.”

કૂતરાને થયું અરે આ તો વાઘની માસી છે. શિયાળને હંફાવે ત્યાં મારા તે શા ભાર? એ તો ભાગી જ ગયો. કાબરચીતરાં કપડાંમાં તે મીનીને બિલાડી તરીકે ઓળખી ન શક્યો. રાત પૂરી થવા આવી એટલે મીનીમાસી તો એક મોટા વડના ઝાડની બખોલમાં ભરાઈ ગયાં. આખો દિવસ અંદર ભરાઈને આરામ કર્યો. પછી રાત પડી. ચંદ્રોદય થયો કે મીનીમાસી ઝભ્ભો ઓઢી બહાર આવ્યાં. થોડું ચાલ્યાં ત્યાં ચિત્તો સામો મળ્યો. એણે કહ્યું : “તું કોણ છે? રીંછ છે કે વરુ છે? સિંહ છે કે શિયાળ છે? જે હોય તે આજે તને મારી નાખું છું.” એમ કહીને એણે પોતાનો પંજો મીનીને મારવા ઉગામ્યો. મીની પહેલાં તો ગભરાઈ ગઈ પણ પછી પોતે કરેલો સંકલ્પ યાદ આવ્યો ‘ડરે તેને સહુ ડરાવે’ એણે તો ગળામાંથી વિચિત્ર અવાજ કાઢ્યો ને કહ્યું :

“વાઘની હું માસી
તારા લોહીની પ્યાસી
મારગ મને દઈ દે
નહીં તો, દઈ દઉં તને ફાંસી.”

હિંમતભેર બોલાયેલા જવાબથી ચિત્તો વિચારમાં પડ્યો. ના રે ભાઈ! વલરાવાઘની માસીને પજવીને કયાં જવું? ક્યાંક ફાંસી મળી જાય તો. એ તો પાછું જોયા વગર જ ત્યાંથી ભાગી છૂટ્યો. આમ મીનીમાસીએ બીજી રાત પણ સરળતાથી પસાર કરી દીધી. ત્રીજે દિવસે મીનીમાસી તો આખો વખત એક સ્થળે ભરાઈને બેઠાં, ખાધું-પીધું ને આરામ કર્યો અને રાત પડતાં બહાર નીકળ્યાં. હજુ તો શરૂઆત જ કરી ત્યાં જિરાફ સામું મળ્યું. મીનીએ જાણ્યું કે જિરાફની લાંબી ડોકમાંથી છટકવું મુશ્કેલ છે. એટલે એણે તો જિરાફને મૂર્ખ બનાવવાનું વિચાર્યું અને ગાયું :

“રાજાની હું માસી
જાદુગરની દાસી
ઝટપટ જાદુ કરી દઈને
પહોંચાડી દઉં કાશી.”
જિરાફ કહે : “કાશી વળી શું છે?”

બિલ્લી ઘોઘરે અવાજે બોલી : “મૂરખ! તને કાશીની પણ ખબર નથી. ત્યાં લોકો ખાસ મરવા માટે જાય છે.” “મરવા માટે? ના રે જાદુગરજી! મારે તો હજુ ઘણું જીવવું છે. રામરામ કરો ત્યારે રામરામ!” કહી જિરાફ જીવ બચાવવા નાસી છૂટ્યું. આમ પોતાની ચાલાકીથી મીનીમાસી તો મુસાફરી સારી રીતે કરી શક્યાં અને સવાર થતાં ફરી એક ઝાડના આશ્રયે ભરાઈ બેઠાં. બસ! હવે એક જ રાત ચાલવાનું હતું પછી તો ગામમાં પહોંચી જવાશે. મીનીબાઈ તો નિશ્ચિત રીતે ઊંઘી ગયાં. રાત પડી એટલે મીનીમાસીએ ક્યાંકથી ખાવાનું મેળવ્યું અને ખાઈકરીને તાજીમાજી થઈ એ તો ખુશ થતી ચાલી. હવે તેને પોતાની ચાલાકી પર વિશ્વાસ આવી ગયો હતો. થોડે સુધી ચાલી ત્યાં જ વલરોવાઘ મળ્યો. “બાપ રે બાપ! વાઘ પોતે જ.” અત્યાર સુધી એ વાઘની માસી તરીકે વાઘનું જ નામ લઈને બધાને છેતરતી હતી. પણ વલરાવાઘને ખુદને શી રીતે છેતરવો? એ તો વિચારમાં પડી ગઈ. અરે છેલ્લી જ રાત બાકી હતી અને મારે વાઘના મુખનો કોળિયો થઈ જવાનું આવ્યું? રે કમનસીબ! મારે મારી બહેનનું મોઢું જોયા વગર જ મરવાનું! એટલામાં તેને વિચાર આવ્યો. લાવને એ જ જૂની યુક્તિ અજમાવી જોઉં. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. પ્રયત્ન કરવામાં શું જાય છે? યુક્તિ ફળે તો તો ફાયદો જ છે. અને યુક્તિ ન ફળે તો મરવાનું તો નક્કી જ છે પછી ડરવું શા માટે? તેણે તો હિંમતથી વૃદ્ધ પ્રાણીનો અવાજ કાઢી કહ્યું : “બેટા વલરા! મને ન ઓળખી? હું તારી માસી!” “મારી માસી? હું તો કોઈ માસીને નથી ઓળખતો.” વલરાએ માથું ખંજવાળતાં કહ્યું : “તું ક્યાંથી ઓળખે? ત્યારે તો તું કેટલો નાનો! મારા ખોળામાં રમતો હતો.” વલરાએ માથું ખંજવાળી યાદ કરવા પ્રયત્ન કર્યો પણ એને કશું યાદ ન આવ્યું. એટલે એણે અકળાઈને કહ્યું : “તમારી વાત ખોટી છે. મારે કોઈ માસી જ ન હતી.” “તને યાદ ન હોય તે સમજી શકાય. તારી માને બોલાવ. એ મને ઓળખી જશે.” મીનીને એમ કે વલરી માને બોલાવવા જાય એટલે તેણે ઝટપટ ત્યાંથી નાસી છૂટવું ને ક્યાંક ભરાઈ બેસવું. ‘મારી મા તો ક્યારનીય મરી ગઈ.” વલરાએ કહ્યું. હવે મીની છટકી શકે તેમ ન હતી એટલે એણે નવી યુક્તિ કરી. એણે તો બેન મરી ગઈ એમ બતાવવા ઠૂઠવો મૂક્યો : “ઓ મારી બહેન રે! તું મને મૂકીને ક્યાં ચાલી ગઈ? અરેરે, હું તારી પાછળ કેમ ન મરી ગઈ રે...” વલરાવાઘને નવાઈ લાગી. એની મા મરી ત્યારે એના સિવાય કોઈ રડ્યું ન હતું. ચોક્કસ આ મારી માસી જ હશે, નહીં તો મારી માને યાદ કરીને આટલું રડે કોઈ? તેણે કહ્યું : “તમે કહો છો પણ મને ખાતરી નથી થતી કે તમે મારાં માસી છો.” “બેટા! હું તને શી રીતે ખાતરી કરાવું. હા પણ જો આ મારું શરીર! છે ને તારા શરીર જેવું?” કહી મીનીએ ઝભ્ભો ઊંચો કર્યો.” જો મારું મોં, મારી આંખો, કેટલું બધું મળતાપણું છે તેમાં? તમારાથી છૂટી પડ્યાં પછી તમને યાદ કરીકરીને હું તો રડીરડીને અડધી થઈ ગઈ છું. એને લીધે સુકાઈને હું આટલી નાની થઈ ગઈ છું. છતાં તને વિશ્વાસ ન આવતો હોય તો મને મારી નાખ એટલે તને શાંતિ વળે અને ભાણેજને હાથે મરીને હું મારી બહેન પાસે પહોંચી જાઉં” કહી મીનીએ તો જાણે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય તેમ તે આંખો મીંચી અને હાથ જોડી ઊભી રહી. વલરાવાઘની આખા જંગલમાં એવી ધાક હતી કે વાત ન પૂછો. અત્યાર સુધી કોઈ પ્રાણીએ એની સાથે આટલી શાંતિથી વાત કરવાની પણ હિંમત નહોતી કરી. એટલે એને લાગ્યું કે જરૂર આ મારી માસી જ હશે. જોને એનાં મોં, આંખ, શરીર, ઘણુંબધું મારા જેવું જ છે અને મારે માટે એને લાગણી પણ કેટલી બધી છે! અરે હું એને મારી નાખું તોપણ એને વાંધો નથી. એ તો ભાણેજને હાથે મરવા માટે પણ તૈયાર છે. પણ એને મારીને મને શો ફાયદો? હું તો એનાથી કૈં કેટલાંયે મોટાં પ્રાણીનો શિકાર કરી શકું છું એટલે એ મારી માસી ન હોય તોપણ તેને જીવતી છોડવામાં મને તો નુકસાન જ નથી. એટલે એણે કહ્યું : “સારું ત્યારે માસીબા! રામ રામ!” “રામ રામ! બેટા! પણ તારી માસીને આ જંગલ પાર નહીં કરાવે કે દીકરા? તને તો ખબર છે કે અહીં કેટલાંયે પ્રાણીઓ છે કે જે મારા જેવા નબળાને મારી નાખી શકે.” “સારું ત્યારે માસીબા! બેસી જાઓ મારી પીઠ પર.” અને મીનીમાસી તો ઝભ્ભા સાથે વાઘની પીઠ પર બેઠાં. વાઘે તો એને સુખરૂપ જંગલ પાર કરાવ્યું. રસ્તામાં શિયાળ, કૂતરો, જિરાફ, ચિત્તો સઘળાએ મીનીમાસીને વાઘની પીઠ પર બેઠેલાં જોયાં. એમને લાગ્યું કે સાચે જ એ વાઘની માસી છે. નહીં તો વલરોવાઘ એને પીઠ પર બેસાડીને ફેરવે ખરો? ત્યારથી બધી બિલાડીઓને સહુ કોઈ ‘વાઘની માસી’ તરીકે જ ઓળખે છે અને એટલે જ બાળકો ગાય છે ‘બિલ્લી વાઘતણી માસી…’