ગુજરાતી બાળવાર્તા સંપદા/બીક એટલે શું ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીક એટલે શું ?

નવનીત સેવક

એક નાનું ગામ. ગામમાં એક નાનું ખોરડું. એ ખોરડામાં રહે એક મા અને એક દીકરો. દીકરાનું નામ રઘુ. આ રઘુ બહુ તોફાની. બહુ હિંમતવાળો. બહુ બહાદુર. રોજ કેટલીય લડાલડ લઈ આવે. એની મા એને ધમકાવે પણ બીજે દિવસે એ રામ એના એ ! એક દિવસની વાત. રાતનો વખત હતો. ગામમાં ચારે બાજુ શાંતિ હતી. એવામાં ગામને પાદર બંદૂકના ધડાકા સંભળાયા. ઝૂંપડીમાં રઘુ અને એની મા બે એકલાં હતાં. બંદૂકના ધડાકા સંભળાયા એટલે મા કહે : બેટા રઘુ ! ઝટ જઈને આપણું બારણું બંધ કરી દે ને ! રઘુ કહે ! મને તો ઊંઘ આવે છે મા, તું જ બારણું બંધ કરી દે. મા કહે : મને તો બીક લાગે છે. રઘુ પથારીમાંથી બેઠો થયો. કહે : બીક એટલે શું, મા ? બીક કેવી હોય ? મા કહે કે બીક કંઈ નજરે ના દેખાય. રઘુ કહે : ના, ના ! બીક એટલે શું એ તારે મને કહેવું જ પડશે. માએ બહુ સમજાવ્યો પણ રઘુના મગજમાં બીક એટલે શું એ વાત ઊતરી જ નહિ. છેવટે કંટાળીને મા કહે : ગામને પાદર બહારવટિયા આવ્યા હોય એવું લાગે છે. તું જઈને એમને પૂછ એટલે બીક એટલે શું એની ખબર પડી જશે. રઘુને તો એટલું જ જોઈતું હતું. મા બૂમો પાડતી રહી ને રઘુએ મૂકી દોટ. ગામને પાદર બહારવટિયાઓ બેઠા હતા. ગામના કોને-કોને ઘેર લૂંટ કરવી એનો વિચાર કરતા હતા ત્યાં જ રઘુ આવી પહોંચ્યો. એક બહારવટિયાની નજર રઘુ ઉપર પડી. રઘુને જોતાં જ બહારવટિયો કહે : ઓત્તારી, આખા ગામનાં માણસો આપણા ધડાકા સાંભળીને ડરી ગયાં છે ને આ છોકરો તો આપણી સામે આવે છે ! એવામાં તો રઘુ ઠેઠ નજીક આવી ગયો. લૂંટારાઓનો સરદાર બધાથી આગળ બેઠો હતો. મોટી મોટી આંખો. પહાડી શરીર. અને બોલે તો કાનમાં ધાક પડી જાય એવો મોટો અવાજ. રઘુને જોયો કે સરદારે હાથ પકડીને ઊભો રાખ્યો, કહે : એય છોકરા, અહીં કેમ આવ્યો છે ? રઘુ કહે : બીક એટલે શું એની મને ખબર નથી. મારી માને મેં પૂછ્યું તો કહે કે ભાગોળમાં બહારવટિયા આવ્યા છે એમની પાસે જા એટલે તને બતાવશે. રઘુની વાત સાંભળીને લૂંટારાઓ તો બધા છક થઈ ગયા. આ વળી નવાઈની વાત. આખું ગામ બંદૂકના ધડાકા સાંભળીને ડરી ગયું; પણ આ છોકરો તો જરાય ડર્યો નથી. ઊલટાનો સામે આવીને પૂછે છે કે બીક એટલે શું ? આ તે કેવો છોકરો ? બહારવટિયાઓનો સરદાર કહે : અલ્યા છોકરા, અમને બધાને જોઈને તને કંઈ-કંઈ થતું નથી ? રઘુ કહે : ના ભાઈ ! થવાનું શું હતું વળી ? ગામમાં જેવા બીજા માણસો છે એવા તમે છો. સરદારે બંદૂક લઈને અધ્ધર ભડાકો કર્યો. પછી કહે : હવે કાંઈ થાય છે ? રઘુ કહે : કશું નથી થતું. આ ભડાકાવાળું રમકડું તો મજાનું લાગે છે. સરદારે રઘુને ડરાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ રઘુ ડર્યો નહિ. છેવટે સરદાર થાક્યો. કહે : બીક એટલે શું એ મારાથી તને સમજાવી શકાય એમ નથી. પણ અહીંથી થોડે આઘે નદી છે. નદીને કિનારે મોટું સ્મશાન છે. તું ત્યાં જા એટલે તને બીકની ખબર પડી જશે. રઘુ ઊપડ્યો સ્મશાનમાં. સ્મશાન તો ઘણું મોટું. બે-ત્રણ જગાએ શબ બળતાં હતાં. ચારે બાજુ આમતેમ હાડકાં વિખરાયેલાં પડ્યાં હતાં. શિયાળની ચીસો પણ સંભળાતી હતી. કાચાપોચાની તો છાતી જ ફાટી જાય એવું હતું. રઘુ સીધેસીધો સ્મશાનમાં પહોંચી ગયો, પણ એને બીક જેવું કંઈ દેખાયું નહિ. આમતેમ રખડીને પછી રઘુ એક જગાએ બેઠો. એવામાં એને કાને અવાજ સંભળાયો. રઘુ બેઠો હતો ત્યાંથી થોડે આઘે આંબાનું એક મોટું ઝાડ હતું. આ ઝાડ નીચે બેસીને જાણે કોઈ ડૂસકાં ભરીભરીને રડતુું હોય એવું લાગ્યું. રઘુ ઊભો થયો. આજુબાજુ કોઈ દેખાતું નથી ને વળી આ રડે છે કોણ ? ઊભો થઈને રઘુ ઝાડ નીચે પહોંચ્યો. જુએ છે તો એક નાની છોકરી બેઠી છે ને બેઠીબેઠી ડૂસકાં ભરે છે. આંખમાં આંસુની તો જાણે ગંગાજમના ચાલે છે. રઘુ છોકરીની પાસે ગયો. કહે : અત્યારે રાતને વખતે તું અહીં બેસીને કેમ રડે છે, બેન ? રઘુએ આવું પૂછ્યું કે છોકરી છાની રહી ગઈ. આંખો લૂછતાં કહે : મારા બાપુજી માંદા પડ્યા છે. એમને કેરી ખાવાનું મન થયું એટલે એમણે મને અહીં મોકલી. કહ્યું કે જા કેરી પાડી લાવ ! રઘુ કહે : એમાં રડે છે શું ? આ રહ્યો આંબો. એક કૂદકો મારીને કેરી પાડી લે ને ! છોકરી કહે કે, કેરીઓ ઘણી ઊંચી છે. હું કૂદકા મારું છું પણ હાથમાં આવતી નથી. તમે પાડી આપો. રઘુએ બે-ત્રણ વાર કૂદકા માર્યા પણ કેરી સુધી પહોંચવું નહિ. આખરે છોકરીએ કહ્યું : એમ કેરી હાથમાં નહિ આવે. રઘુ કહે : તો શું કરીશું ? છોકરી કહે : તમે અહીં ઊભા રહો. હું તમારી પીઠ ઉપર ઊભી રહું અને કેરીઓ તોડી લઉં. રઘુ કહે : વાહ વાહ, ખરો ઉપાય શોધી કાઢ્યો. રઘુ ઝાડ હેઠળ ઊભો રહ્યો. છોકરી એની પીઠ ઉપર ઊભી રહીને કેરીઓ તોડવા લાગી. એમ કરતાં કેટલીય વાર થઈ ગઈ. રઘુની પીઠ દુખવા આવી, પણ છોકરી નીચે ઊતરવાનું નામ જ લે નહીં. છેવટે રઘુ કંટાળ્યો. માંડ માંડ માથું ઊંચું કરીને જોયું તો નવાઈ જેવી વાત દીઠી. છોકરી તો લાંબીલસ થઈ ગઈ છે. માથું આંબાની ટોચે અડકે એવડું થઈ ગયું છે. મોં પણ ભારે બિહામણું દેખાય છે. રઘુને ચઢ્યો ગુસ્સો. આ છોકરીને દયા લાવીને મદદ કરવા ગયા ત્યારે ઉપરથી ચાળા કરવા લાગી. દાંત પીસીને રઘુએ તો છોકરીના બેઉ પગ પકડ્યા. પગ પકડીને હેઠે ખેંચીને પથરો ફેંકે એમ ફેંકી. એ જ ઘડીએ મોટો ભડકો થયો. છોકરી અલોપ ! રઘુ કહે : લેતી જા ! મને બનાવવા આવી હતી. થોડી વાર રઘુ ત્યાં જ ઊભો રહ્યો પણ પછી કંઈ બન્યું નહીં. છેવટે એ પાછો વળ્યો. આવ્યો ગામની ભાગોળે. તે વખતે બહારવટિયાઓએ લૂંટ પૂરી કરી હતી અને વિદાય થવાની તૈયારીમાં હતા. રઘુને જોયો કે સરદાર કહે : કાં છોકરા, સ્મશાનમાં જઈ આવ્યો ? રઘુ કહે : જઈ તો આવ્યો પણ બીક એટલે શું એની કંઈ ખબર પડી નથી. બહારવટિયો કહે : ત્યાં તેં કશું જોયું નહિ ? રઘુએ છોકરીવાળી વાત કહી. એ સાંભળીને બહારવટિયાઓ કહે : આ છોકરો તો ભારે જબરો ! આટલું બધું થયું તોય ડર્યો નહિ ! સરદાર કહે : છોકરા ! આ ઉગમણી દિશામાં ચાલ્યો જા. ત્યાં તને કદાચ બીક એટલે શું એની ખબર પડશે. રઘુ કહે : ભલે ! રઘુ ઉગમણી દિશામાં ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં સવાર થઈ ગયું. ચારે બાજુ અજવાળું થઈ ગયું. રઘુ એક મોટા બાગની નજીકમાં થાક ખાવા બેઠો. થોડી વાર થઈ હશે ત્યાં જ બાગમાંથી કોઈએ બૂમ મારી : એય ભાઈ, જરા અહીં આવ ને ! રઘુએ બાગમાં નજર કરી. જુએ છે તો બાગમાં એક મોટો હીંચકો બાંધેલો છે, હીંચકા ઉપર એક છોકરી બેઠી છે. એ છોકરી બૂમો પાડીને બોલાવે છે. રઘુ બગીચામાં ગયો. કહે : શું છે ? છોકરી કહે : મારે હીંચકા ખાવા છે. રઘુ કહે : હીંચકા ખાવા હોય તો ખા, એમાં મારું વળી શું કામ છે ? છોકરી કહે : હીંચકો ઘણો ઊંચો છે. મારા પગ જમીન સુધી પહોંચતા નથી. તું મને પાછળથી ધક્કા મારીને હીંચકા ના ખવડાવે ? રઘુ કહે : ના શું કામ ખવડાવું ? તું હીંચકાની સાંકળ પકડીને બરાબર બેસ. હું હીંચકા ખવડાવું છું. છોકરી સાંકળ પકડીને બેઠી. રઘુએ હીંચકા નાખવા માંડ્યા. ધૂનમાં ને ધૂનમાં કેટલાય હીંચકા નાખ્યા પણ છોકરી બસ કહેતી નથી. છેવટે રઘુ કંટાળ્યો. એવામાં જ એની નજર છોકરીના પગ ઉપર પડી. પગ હીંચકાની નીચે લટકતા હતા, પણ પહેલાં છોકરીના પગ જેવા હતા એવા હવે નહોતા રહ્યા. પગ તો લાંબાલસ થઈને જમીન ઉપર ઘસડાતા હતા. રઘુ કહે : ઓત્તારી ! આ તો વળી પેલી છોકરીની બહેન જ નીકળી ! એનેય મજા ચખાડવી પડશે. આમ વિચારીને રઘુએ તો હતું એટલું જોર કરીને મોટો હીંચકો નાખ્યો. સમસમ કરતો એવો હીંચકો નાખ્યો કે છોકરીના હાથમાંથી સંકળ છૂટી ગઈ. હવામાં ગુલાંટ ખાઈને છોકરી ધડીમ કરતી નીચે પડી, પણ પડી એવી જ અલોપ થઈ ગઈ. રઘુ મનમાં કહે : હં લેતી જા ! મને છેતરતી હતી ! રઘુ ત્યાં થોડી વાર ઊભો રહ્યો પણ બીજું કંઈ બન્યું નહિ એટલે એ તો આગળ ચાલવા લાગ્યો. એમ ચાલતાં ચાલતાં દરિયાકિનારો આવ્યો. દરિયાકિનિારે વળી નવી નવાઈ ! પાણીમાં એક મોટું વહાણ ઊભેલું. વહાણમાં કેટલાંય માણસો હતાં, પણ જેટલાં હતાં એ બધાં ચીસો પાડતાં હતાં. રઘુએ જોયું તો આખું વહાણ આમતેમ જોરથી ડોલતું હતું. અંદર બેઠેલાં માણસો જાણે હમણાં પડ્યાં કે પડશે એવું થઈ ગયું હતું. રઘુને નવાઈ લાગી. પવનનું તો નામનિશાન નથી. દરિયામાં એક નાનું સરખુંય મોજું નથી ને આ વહાણ ડોલે છે કેમ ? જરૂર પાણીમાં જ કાંઈક હશે. રઘુને તરતાં સારું આવડતું હતું. બજરંગબલીનું નામ લઈને રઘુ દરિયામાં કૂદી પડ્યો. તરતો તરતો વહાણ હતું ત્યાં પહોંચી ગયો. વહાણની નજીક જઈને મારી ડૂબકી. ડૂબકી મારીને ખૂબ ઊંડે ઊંડે પહોંચી ગયો. જોયું તો અંદર એક છોકરી ઊભી છે. દરિયાનાં પાણીમાં ઝાંખું ઝાંખું દેખાયું તોય રઘુને ખબર પડી ગઈ કે એ છોકરી ઊભી ઊભી વહાણના તળિયાને પકડીને હલાવે છે. રઘુ કહે : હં, તો આ છોકરી જ વહાણને હેરાન કરે છે પણ એને મજા ચખાડું ત્યારે ખરો ! આમ વિચાર કરીને રઘુ તરતો-તરતો છોકરી પાસે ગયો. જઈને એવો ધક્કો માર્યો કે છોકરીના હાથમાંથી વહાણ છૂટી ગયું. છોકરી તો રઘુને જોઈને જ હેબતાઈ ગયેલી. ઘડીમાં અલોપ થઈ ગઈ. રઘુ કહે : હવે બરાબર ! છોકરી એના મનમાં સમજે શું ? તરીને બહાર નીકળ્યો. જુએ છે તો વહાણ હાલતું બંધ થઈ ગયેલું. એ વહાણ એક રાજાનું હતું. વહાણમાં રાજાજી પોતે બેઠેલા હતા. રઘુએ વહાણને હાલતું બંધ કરી દીધું એટલે એ ખૂબ રાજી થઈ ગયા. રઘુને બોલાવીને કહે : છોકરા, તારી હિંમત ઉપર હું ખુશ થઈ ગયો છું. મારે છોકરો નથી એટલે જો તું મારી સાથે આવે તો તને રાજકુમાર બનાવીને રાખું. મારા પછી તે રાજ મળે. એવું કરી દઉં. રઘુ કહે : એ વાત ખરી, પણ બીક એટલે શું એ જો તમે મને સમજાવો તો જ હું તમારી સાથે આવું. રાજાજી કહે : અહો ! એમાં શું ? તું આમતેમ જરા ફરી આવ, પછી હું તને બીક એટલે શું એ સમજાવીશ. આપણું વહાણ સાંજે ઊપડવાનું છે ત્યાં સુધીમાં તું આવી જજે. રઘુ કહે : ભલે. રઘુ તો રાજાજી પાસેથી નીકળ્યો. કિનારા ઉપર આમતેમ ફરવા લાગ્યો. રઘુ આગળ ગયો એટલે રાજાજીએ એક જીવતું કબૂતર મંગાવ્યું. કબૂતરને એક નાનકડી પેટીમાં પૂરી દીધું. પછી કહે : હવે છોકરાને બીક એટલે શું એ બતાવીશું. આખો દિવસ રઘુ દરિયાકિનારે રખડ્યો. સાંજ પડવા આવી કે આવ્યો વહાણ નજીક. રાજાજીને કહે : બોલો, બીક એટલે શું એ બતાવો છો ? રાજાજી કહે : એ તો હું તને બતાવીશ, પણ પહેલાં હું કહું એ કામ કર. રઘુ કહે : શું ? રાજાજી કહે : પેલી પેટી લઈ અહીં આવ. રઘુ કબૂતરવાળી પેટી લઈ આવ્યો. રાજાજી કહે : હવે એ પેટી ખોલ. રઘુએ પેટી બોલી. પેટી ઊઘડી કે અંદરથી ફડફડ કરતું કબૂતર બહાર ઊડ્યું. કબૂતર એવું ઓચિંતું ઊડ્યું કે રઘુ ડરી ગયો. મોંમાંથી ચીસ નીકળી ગઈ. ઓ બાપ રે ! રાજાજીએ રઘુનો ખભો થાબડીને કહ્યું : બસ, જેને લીધે તું બૂમ પાડી ઊઠ્યો એનું જ નામ બીક. રઘુ હવે સમજ્યો કે બીક એટલે શું ! પછી તો રાજાજી રઘુને એમના દેશમાં લઈ ગયા. એને પોતાનો રાજકુમાર બનાવી દીધો. રઘુએ એની માને પણ બોલાવી લીધી. હવે એ બીક એટલે શું એ પૂરેપૂરું સમજી ગયો હતો ! અને બીકમાં કશુંય બીવા જેવું નથી એ વાત પણ બરાબર જાણી ગયો હતો.