ગુજરાતી બાળવાર્તા સંપદા/ભુલકણો ભોલુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભુલકણો ભોલુ

હુંદરાજ બલવાણી

નામ એનું ભોલુ. ભોલુ હતો ભુલકણો. કશું યાદ રહે નહિ. જવું હોય સ્કૂલે, પહોંચી જાય મિત્રના ઘેર. લાવવાનાં હોય કેળાં, લઈ આવે રીંગણાં. શિક્ષકે ગૃહકાર્ય સોંપ્યું હોય તો તે પણ તેને યાદ રહે નહિ. એક દિવસ મમ્મીએ કહ્યું, “ભોલુ, પેલા ભરતભાઈની દુકાનેથી બે-ત્રણ વસ્તુ લાવવી છે.” ભોલુ કહે, “ભલે હમણાં જ દોડીને લઈ આવું.” મમ્મી બોલ્યાં, “લાવ કાગળ, વસ્તુઓનાં નામ લખી આપું.” પણ ભોલુ કહે, “મમ્મી, લખી આપવાની શી જરૂર ? હું નાનો નથી. બધું યાદ રહેશે. તમે ચિંતા ન કરો.” મમ્મી બોલ્યાં, “કોણ કહે છે કે તું નાનો છે ? તું નાનો નથી પણ ભુલકણો છે ને ! તને ક્યાં કશું યાદ રહે છે ? લખેલું હશે તો તને યાદ રાખવાની જરૂર નહિ પડે.” ભોલુને એ વાત ગમી નહિ. પણ મમ્મીને વધુ શું કહેવાય ? મમ્મીએ એક કાગળમાં વસ્તુઓનાં નામ લખી આપ્યાં - ૫૦ ગ્રામ એલચી, મીઠાની કિલોની કોથળી, બે શ્રીફળ. ભોલુએ કાગળ વાંચ્યો - બસ ! ત્રણ જ વસ્તુ ? થેલી અને કાગળ લઈને ભોલુ ઘેરથી નીકળ્યો. ભરતભાઈની દુકાન તરફ જતાંજતાં વિચારવા લાગ્યો - મમ્મી પણ ખરાં છે ! ફક્ત ત્રણ વસ્તુઓ કાગળમાં લખી આપી. આટલી વસ્તુઓ શું મને યાદ નહિ રહે ? એણે ખિસ્સામાંથી કાગળ કાઢીને વાંચ્યો - ૫૦ ગ્રામ એલચી, મીઠાની કિલોની કોથળી, બે શ્રીફળ. કહેવા લાગ્યો - ‘બસ આ ત્રણ વસ્તુ પણ મને યાદ ન રહે ? તો પછી આ કાગળની શી જરૂર ? હું મમ્મીને આજે બતાવી દઈશ કે જુઓ, કાગળ વગર પણ મને બધું યાદ રહે છે.’ - અને એણે કાગળ ફાડીને ફેંકી દીધો. ત્રણે વસ્તુનાં નામ ગોખતોગોખતો તે આગળ વધ્યો. રસ્તામાં મળ્યો નીરુ. નીરુએ પૂછ્યું, “ભોલુ, કયાં જાય છે ?” ભોલુ બોલ્યો, “ભરતભાઈની દુકાને જાઉં છું. મમ્મીએ બે-ત્રણ વસ્તુઓ લાવવાનું કહ્યું છે.” નીરુએ કહ્યું, “મારા પપ્પા એક રમત લાવ્યા છે. તારે રમવું છે ?” “હા, હા, કેમ નહિ ?” ભોલુ બોલ્યો, “ક્યાં છે ? મને બતાવ ને !” નીરુ બોલ્યો, “એ તો ઘેર પડી છે. તારે જોવી હોય તો મારે ઘરે આવવું પડશે.” પછી તો ભોલુ ચાલ્યો નીરુની સાથે. નીરુના ઘેર બંને જણ રમતા રહ્યા. બંનેને સમયનું ભાન રહ્યું નહિ. આમ ઘણો સમય વીતી ગયો. અચાનક ઘરની બહારથી મદારીની ડુગડુગીનો અવાજ કાને પડ્યો. બંને રમત ત્યાં જ મૂકીને દોડ્યા બહાર. મદારી પાસે માંકડું હતું. મદારીની ચારે બાજુ બાળકો ભેગાં થઈ ગયાં હતાં. મદારીએ નવાનવા ખેલ બતાવવા માંડ્યા. બાળકો ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યાં. આમ ઘણી વાર સુધી ચાલતું રહ્યું. મદારી પોતાના ખેલ પૂરા કરીને ત્યાંથી જવા લાગ્યો ત્યારે ભોલુને થયું કે મારે ક્યાંક જવાનું હતું. અચાનક તેને થયું કે આજે તો નાનીને ઘેર જવા માટે નીકળ્યો હતો. ભરતભાઈની દુકાનેથી વસ્તુઓ લાવવાની વાત તો તેના મગજમાંથી નીકળી ગઈ. દોડ્યો નાનીના ઘર તરફ. નાનીના ઘેર પહોંચીને જુએ તો ઘર બંધ ! બહાર મોટું તાળું લટકતું હતું. ભોલુ વિચારવા લાગ્યો, નાની આજે ક્યાં ગયાં હશે ? થોડી વાર ત્યાં ઊભો રહ્યો પણ નાની તો ન જ આવ્યાં. પછી થયું કે ઘેર પાછો જાઉં. ઘેર પાછા જતી વખતે બજારના નાકે તેને યાદ આવ્યું કે મારે કશુંક લેવાનું હતું. શું હતું ? યાદ કરવાની બહુ કોશિશ કરી પણ કંઈ યાદ આવ્યું નહિ. અચાનક એણે ભરતભાઈની દુકાન જોઈ. ત્યાં જ એને યાદ આવ્યું કે મારે તો એમને ત્યાંથી બે-ત્રણ વસ્તુ લેવાની હતી. પણ કઈ વસ્તુઓ ? ભોલુને કંઈ યાદ ન આવ્યું. એને અફસોસ થવા લાગ્યો કે કાગળ એણે નકામો ફાડી નાખ્યો હતો. કાગળ હોત તો આવી તકલીફ ન પડત. મગજ ઉપર જોર દેતાં ધીરેધીરે એને બધું યાદ આવવા માંડ્યું. પછી પહોંચી ગયો ભરતભાઈની દુકાને. ભરતભાઈએ પૂછ્યું, “ભોલુ બેટા, શું જોઈએ ?” ભોલુ બોલ્યો, “મમ્મીએ બે-ત્રણ વસ્તુ લાવવાનું કહ્યું છે.” “કઈ કઈ ?” ભરતભાઈ બોલ્યા, “તેનાં નામ કહે.” ભોલુ ઝટપટ કહેવા માંડ્યો, “૫૦ ગ્રામ શ્રીફળ, એલચીની કિલોની કોથળી, બે મીઠું !” ભરતભાઈને તો આ સાંભળીને હસવું આવી ગયું. બોલ્યા, “બેટા, આ તું શું કહે છે ?” ભોલુને સમજાયું નહિ કે એનાથી શી ભૂલ થઈ છે ! એણે કહ્યું, “હા અંકલ, મમ્મીએ તો એ જ વસ્તુઓ લાવવાનું કહ્યું છે.” ભરતભાઈએ કહ્યું, “બેટા, કંઈક ગડબડ થઈ લાગે છે. જા, દોડીને મમ્મીને ફરીથી પૂછી લાવ.” ભરતભાઈએ આમ કહ્યું તોપણ પોતાનાથી શી ભૂલ થઈ છે એનો ભોલુને ખ્યાલ આવ્યો નહિ અને એ ઘર તરફ પાછો વળ્યો. મમ્મીએ પૂછ્યું, “આટલી વાર કેમ થઈ ?” ભોલુએ કહ્યું, “વાર ક્યાં થઈ છે ?” મમ્મીએ કહ્યું, “ક્યારનો ગયેલો તે છેક હમણાં પાછો આવે છે અને કહે છે વાર ક્યાં થઈ છે ? સારું, પેલી વસ્તુઓ લાવ્યો ?” ભોલુ બોલ્યો, “એ તો ભરતભાઈ અંકલે આપી જ નહિ.” મમ્મીએ પૂછ્યું, “કેમ ન આપી ?” ભોલુ બોલ્યો, “મને શી ખબર ? કહેતા હતા કે જઈને મમ્મીને ફરીથી પૂછી આવ.” મમ્મીએ પૂછ્યું, “તેં એમની પાસે શું શું માગ્યું હતું ? અને પેલો કાગળ ક્યાં છે ?” “એ કાગળ તો મેં ફાડીને ફેંકી દીધો હતો.” “કેમ ?” “મને બધું યાદ હતું તો કાગળ રાખવાની શી જરૂર ?” મમ્મીએ પૂછ્યું, “સારું, તેં એમની પાસેથી શું શું માગેલું ?” બોલુ ઝટપટ બોલવા માંડ્યો, “૫૦ ગ્રામ મીઠું, શ્રીફળની કિલોની કોથળી, બે એલચી.” મમ્મી તો આ સાંભળીને જોરજોરથી હસવા માંડ્યાં. ભોલુને કાંઈ સમજાયું નહિ કે મમ્મી આમ કેમ હસે છે ? પછી મમ્મીએ પૂછ્યું, “તને આવવામાં આટલી વાર કેમ થઈ, એ તો કહે ?” ભોલુએ કહ્યું, “એ તો હું નાનીને ઘેર ગયો હતો, પણ નાની તો ત્યાં હતાં જ નહિ !” “ક્યાંથી હોય ?” મમ્મી બોલ્યાં, “નાની તો બે દિવસથી આપણે ત્યાં છે એ ભૂલી ગયો ?” ભોલુ મમ્મી સામે ટગરટગર જોઈ રહ્યો.