ગુજરાતી બાળવાર્તા સંપદા/ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ

હરિપ્રસાદ વ્યાસ

હાથીશંકર અને ખરખરિયા વચ્ચે કેરમની રમત જામેલી. નવરા હોય ત્યારે તેઓ કેરમ બોર્ડ લઈને બેસે. કોઈ વાર તો ખાસ કામ પણ રખડી જાય! ગજરાબહેન ઘણી વાર ચિડાઈને કહે : ‘આ શું આખો દહાડો! ટપ! ટપ! ટપ!’ પણ હાથીશંકર હસીને જવાબ આપે, ‘ચંબુ ને ટીનપાટ! તું આ રમતમાં શું સમજે? એ તો બંદાના સ્ટ્રાઈકરનો ઝપાટો!’ તે દિવસની વાત છે. તે દિવસે રમત પૂરી થવા આવી. ત્યાં તો ખરખરિયાએ ચપટી વગાડીને ડોક ઊંચી કરી! પછી બોલ્યા, ‘હુંય ચંબુ જેવો છું ને! મુદ્દાનું કામ ભૂલી ગયો!’ ‘શું કામ હતું?’ ‘લોટરીની ટિકિટનો નંબર જોવા જવું હતું. મેં ટિકિટ લીધી છે ને! એજન્ટને ત્યાં જઈને જોવાનું હું ભૂલી ગયો!’ હાથીશંકરે પણ લોટરીની ચાર ટિકિટ લીધી હતી. તેઓ કહેવા લાગ્યા, ‘તો મારી ટિકિટનો નંબર પણ જોતા આવજો ને! હું તમને એક કાગળ ઉપર નંબર લખી આપું છું.’ ને તેમણે લખી આપ્યા. પણ નંબર લખવામાં તેમણે જબરો બફાટ કરી નાખ્યો! ચારમાંથી ત્રણ ટિકિટના નંબર બરાબર લખ્યા. પણ ચોથી ટિકિટનો નંબર ૧૧૦૬૭૩ હતો, તેને બદલે ૧૧૦૬૭૫ લખી આપ્યો! ટિકિટમાં છેલ્લે અંગ્રેજી ત્રગડો હતો. તે પાંચડા જેવો જ વંચાતો હતો. સહેજ પાંખિયાનો જ ફેર. ટિકિટના નંબરનો ગોટાળો. બરાબર ચોકસાઈથી જુએ તો આ ભેદ તરત સમજાય. અક્ષરોય હવે ફેશનવાળા મરોડમાં તૈયાર કરવાની ધુન ચાલી છે ને! નંબરનું કાગળિયું ગજવામાં મૂકતા ખરખરિયા મલકાઈ બોલ્યા, ‘એમ ધારો હાથીભાઈ, કે આ ચાર નંબરમાંથી એકાદને ઇનામ લાગે તો? તો મિજબાની કબૂલ?’ ‘કબૂલ! સાડી સત્તરવાર કબૂલ!’ હાથીશંકરે ખરખરિયાના હાથમાં તાલી આપી વચન આપ્યું ને ખરખરિયા ઊપડ્યા. ખરખરિયાના ગયા પછી ગજરાબહેન કહેવા લાગ્યાં, ‘એમ કંઈ ઇનામ લાગવાનું છે? લાખોમાં આપણાને જ ઇનામ ક્યાંથી લાગે?’ ‘પણ કોઈકને તો લાગવાનું જ છે ને? એ કોઈક તો આપણે જ કેમ ન હોઈએ?’ ‘હોઈએ તો ફાવી જઈએ!’ ગજરાબહેન હસીને બોલ્યાં. લોટરીનો એજન્ટ પોળને નાકે જ હતો. ખરખરિયાને આવતાં વાર લાગી નહિ. હાંફતા ને હાંફાતા એ દોડી આવ્યા. ‘લાગ્યું!’ તેઓ ચપટી વગાડી બોલ્યા. ‘શું લાગ્યું?’ ‘ઇનામ લાગ્યું.’ ‘કોને મને કે તમને?’ ‘તમને દોસ્ત! તમે ફાવી ગયા. તમે ચાર નંબર ઉતારી આપ્યા હતા, તેમાંથી એક નંબર લાગી ગયો! જુઓ, ઇનામ નંબરોનું આ છાપેલું લિસ્ટ. ખાસ પંદર પૈસા ખરચીને લેતો આવ્યો છું!’ હાથીશંકર હરખમાં આવી ગયા. ગજરાબહેન પણ દોડતાં ત્યાં આવ્યાં. લિસ્ટમાં નંબર સામે ખરખરિયાએ નિશાન કર્યું હતું. વળી હાથીશંકરે લખી આપેલી ચાર ટિકિટની યાદીનું કાગળિયું પણ તેમણે સામે ધર્યું. ‘જુઓ આ છે ને નંબર! ૧૧૦૬૭૫ ને સામે લખ્યા છે રૂપિયા પચીસ લાખ!’ ‘હેં? પચીસ લાખનું ઇનામ?’ ગજરાબહેનનું મોં હરખથી પહોળું થઈ ગયું! હાથીશંકર ગેલમાં આવી ગયા અને બોલ્યા : ‘એમ છે મહેરબાન! ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે!’ હવે ખરખરિયા બોલ્યા : ‘હાથીશંકરભાઈ, ચાલો હવે, અત્યારે ગળ્યું મોં કરાવો! મોટી મિજબાની આપજો. મિજબાની માટે તો આખી મંડળીને આમંત્રણ આપવું પડશે ને!’ ‘ભલે, પણ હમણાં થોડા પેંડા મંગાવું છું.’ ‘થોડા નહિ! આપણે આટલા બધા છીએ! થોડાએ શું થશે? કિલો પેંડા મંગાવો કિલો!’ ‘ઠીક હું સુંદરીઆને મોકલું છું. અલ્યા સુંદર!’ ‘આવ્યો શેઠ!’ કહેતો સુંદર આવ્યો અને હાથીશંકરની સામે ઊભો રહ્યો. ‘જા, એક કિલો પેંડા લઈ આવ, લે આ દસની નોટ.’ ‘સાદા પેંડા નહિ પણ કેસરી પેંડા!’ ખરખરિયા ટહુક્યા. ‘વારુ શેઠ.’ કહી સુંદરીઓ ઊપડ્યો. થોડી વારમાં જ એ પેંડાની છાબડી સાથે પાછી આવી પહોંચ્યો. ખરખરિયાએ મોજથી પેંડા ઉડાવ્યા. પછી કહેવા માંડ્યું, ‘તમે તો કોઈને કહેવાના નહિ, પાછા! લાવો, હું આપણી મંડળીને ફોન કરીને શુભ સમાચાર આપું!’ ને તરત ખરખરિયાએ ટેલિફોનનો કબજો લીધો. તેમણે ટેલિફોન કરી અંશુભાઈ, નંદનભાઈ, છનુભાઈ, મદનભાઈ, માતેંગા વગેરેને સમાચાર આપી દીધા. થોડી વારમાં તો બધી મંડળી ધબ-ધબ કરતી હાથીશંકરને ત્યાં આવી પહોંચી. ‘અભિનંદન હાથીશંકરભાઈ! મોં ગળ્યું કરાવો!’ ત્રણ-ચાર જણ એકીસાથે બોલી ઊઠ્યા. ‘લ્યો પેંડા તૈયાર છે!’ સૌ બેઠા. હાથીશંકરે તેમને ખુશાલીમાં પેંડા આપ્યા. પેંડા ઉડાવતાં એક જણ કહેવા લાગ્યો, ‘હાથીભાઈ! હવે મોટી મિજબાની આ રવિવારે જ રાખજો!’ ખરખરિયા કહે : ‘હું તો કહું છું કે શિખંડ, પૂરી અને પાતરાંનું જમણ રાખો!’ નંદનભાઈ હાથ ઊંચો કરીને બોલ્યા : ‘સબૂર! મુખ્ય વાનગી ગમે તે કરો, પણ બંદાને વાલની દાળ અને કઢી તો જોઈશે જ! વાલની દાળ અને કઢી ચૂકશો નહિ!’ છનુભાઈ બે હાથ ઊંચા કરીને બોલ્યા : ‘જરાક આપણું પણ સાંભળો. જમણમાં જે તે બનાવજો પણ કેળાનાં ખડખરિયાં ભૂલશો નહિ.’ હવે અંશુભાઈનો વારો આવ્યો. ખૂંખારો ખાઈને તેઓ બોલ્યા : ‘આઈ વોન્ટ ફોર કાકડીસ રાઈતા! હું કાકડીના રાઈતાની તરફેણ કરું છું! જમણવારમાં કાકડીનું રાઈતું રાખજો જ!’ આમ ઉપરાઉપરી દરખાસ્ત આવી અને પસાર થઈ ગઈ. છેવટે હાથીશંકર બોલ્યા : ‘આપ સૌની દરખાસ્તો સુધારાવધારા સાથે પસાર... પણ આ બધું ક્યારે બને? પૈસા હાથમાં આવી જાય પછી!’ ખરખરિયા ચપટી વગાડીને બોલ્યા : ‘આઈ રીમેમ્બર! મને યાદ આવ્યું. આ લોટરીના એજન્ટો પાંચ ટકા કમિશન કાપી લઈને ઇનામનાં નાણાં રોકડા આપી દે છે. તમારો તેવો વિચાર છે, હાથીશંકરભાઈ?’ ‘હોવે! પાંચ ટકા તો પાંચ ટકા! આજે જ નાણાં મળતાં હોય, તો કોને ન ગમે? તરત દાન અને મહાપુણ્ય!’ ‘તો ચાલો, તમારી ટિકિટ લઈ લ્યો. આપણે બધા એની દુકાને જઈએ. એ કહે તેમ તમે ટિકિટની પાછળ સહી કરી આપજો. નાણાં રોકડા રેડીમેડ કેશ!’ હાથીશંકરને આ વિચાર ગમી ગયો. તેમણે તરત કપડાં પહેર્યાં. કબાટમાંથી લોટરીની ટિકિટો કાઢી પાકીટમાં મૂકી. ‘ચાલો,’ તેઓ બોલ્યા. અને બધું સરઘસ એજન્ટની દુકાને ઊપડ્યું. છેક આગળ હતા મિસ્ટર ખરખરિયા, તેમની પાછળ હાથીશંકર! અને સાજનમાં અંશુભાઈ, નંદનભાઈ, છનુભાઈ અને મદનભાઈ માતેંગા! બધાં ક્વીક માર્ચ કરતા એજન્ટની દુકાને પહોંચ્યા ને દુકાને બોર્ડ હતું, ‘લાભાજી લોટરી સેન્ટર.’ જઈને ખરખરિયાએ એજન્ટને કહ્યું : ‘લ્યો બિલ્લુભાઈ! તમે ઇનામના વિજેતાને શોધતા હતા ને? આ રહ્યા વિજેતા ટિકિટવાળા.’ આમ કહી ખરખરિયા હાથીશંકરને જરા આગળ લાવ્યા. ‘પધારો શેઠ!’ બિલ્લુભાઈ બોલ્યા. ખરખરિયા કહે : ‘અમારી ટિકિટોનાં નાણાં રોકડાં તમારી પાસેથી જ લઈ લેવાં છે, તમે આપશો ને?’ ‘હોવે! પાંચ ટકા કમિશન કાપીને બાકીનાં નાણાં રોકડાં તમારાં! લાવો ટિકિટ તો જોઉં, શેઠ!’ આમ કહી બિલ્લુભાઈએ હાથ લાંબો કર્યો. હાથીશંકરે ગજવામાંથી પાકીટ કાઢ્યું, અંદરથી ચાર ટિકિટો કાઢી. ઇનામવાળી ટિકિટ બતાવીને હાથીશંકર બોલ્યા : ‘લિસ્ટમાં આ ટિકિટનો નંબર છે.’ બિલ્લુએ ટિકિટ હાથમાં લીધી, પછી પોતાની પાસેના લિસ્ટમાંનો નંબર જોયો. ૧૧૦૬૭૫. પછી ટિકિટનો નંબર જોઈ બિલ્લુભાઈ એકદમ ચમક્યા! ‘અરે શેઠિયા! તમારી ટિકિટનો નંબર તો ડબલ્યુ – ૧૧૦૬૭૩ છે!’ ‘હેં?’ કરતા હાથીશંકર આગળ આવ્યા. બિલ્લુભાઈ કહેવા લાગ્યા, ‘છેલ્લો આંકડો ટિકિટમાં ૩ છે, તમે ૫ વાંચ્યો લાગે છે!’ પછી તો બધાએ બરાબર ચકાસણી કરી. છેલ્લો ૩ જ હતો. જ્યારે ઇનામ નંબરમાં તો ૫ જ હતો! હાથીશંકરને ઇનામ મળતું જ ન હતું! ડબલ્યુ – ૧૧૦૬૭૫ નંબરવાળી ટિકિટ જ ઇનામને પાત્ર હતી. એજન્ટ બિલ્લુભાઈ કહેવા લાગ્યા : ‘બનવાજોગ છે, હાથીશંકર શેઠ! તમે છેલ્લા આંકડાને પાંચડો સમજ્યા હો! આ લોકો ફેશનમાં એવા ત્રગડા છાપે છે તો!’ હાથીશંકર ટિકિટ પાછી ગજવામાં મૂકતાં હસીને કહેવા લાગ્યા, ‘ચાલો! પાછા હતા તેવા ખાખી થઈ ગયા. થોડાક કલાકમાં પચીસ લાખનાં સ્વપ્નાં સેવી લીધાં! ને આ મંડળીને કિલો પેંડા પણ ખવડાવી દીધા!’ ‘હોય શેઠ!’ લાભોજી લોટરી સેન્ટરવાળા બિલ્લુભાઈ બોલ્યા : ‘એ તો એમ જ ચાલે! દુનિયા જ એવી છે. તમને બધાને શેરડીનો રસ પાઈ નાખું! તમે બધા મારા ગ્રાહક તો છો ને! ને વળી ભવિષ્યના વિજેતાઓ.’ બિલ્લુભાઈએ બધાને દુકાનમાં બેસાડ્યા, સૌને શેરડીનો રસ પાયો. રસ પીને ‘હાથીશંકર એન્ડ કંપની’ હસતી હસતી ત્યાંથી વિખરાઈ. આમ ‘ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમા!’