ગુજરાતી બાળવાર્તા સંપદા/મીનીબાઈ અને ચૂંચૂંભાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મીનીબાઈ અને ચૂંચૂંભાઈ

રક્ષા દવે

તમે જાણો છો કે મીનીબાઈ ઉંદરના દુશ્મન કેમ છે? તો લો, હું તમને એની વાત કહું : વનનો રાજા સિંહ નામે વનપાલ. તેમના મહેલમાં અનાજનો મોટો કોઠાર. હવે તેનું કોઈ ધ્યાન રાખનાર તો જોઈએ ને? એટલે ઉંદર, નામે ચૂંચૂંલાલને બનાવ્યો કોઠારી. ઉંદરભાઈ ચૂંચૂંલાલે તો પહેરી ધોતી, ઉપર પહેર્યો ઝભ્ભો, ખભે લાલ ખેસ ને માથે પહેરી ટોપી. અને હાથમાં લીધો એક ડંડો. કોઠારને એક છેડેથી બીજે છેડે અને બીજે છેડેથી પહેલે છેડે આંટો મારે અને ડંડો પછાડે. રાત્રે તો ખોંખારા પણ કરે. રાજા વનપાલને થયું કે કોઠારી સારા શોધાયા છે. તેથી પગાર-વધારામાં પોતાની હીર ભરેલી પણ ફાટી ગયેલી એક મોજડી આપી દીધી કાતરવા. ઉંદરભાઈ તો હવે પહેરો ભરતાં-ભરતાં ગીત પણ ગાવા લાગ્યા :

“રાજાનો કોઠારી છું,
મોટો લઠ્ઠધારી છું,
જાડો પાડો મલ્લ છું,
ભીમનો ભાઈ ભલ્લ છું,
ભૂત આવે તો ભીંસી દઉં,
સિંહ આવે તો પીસી દઉં,
ને ચોર આવે તો…
પાંજરામાં પૂરી દઉં.’

વનપાલને થયું કે વાહ, કોઠારી આટલા બહાદુર છે, તો હવે કોઠાર સામે જોવાની જરૂર નથી. કોઠારી બરોબર સંભાળશે. રાજાને તો નિરાંત થઈ ગઈ. એક મહિનો... બે મહિના… ત્રણ મહિના… ચાર મહિના… પાંચ મહિના… છ મહિના... ને લો, કરો વાત, એક વરસ ચાલે એટલું અનાજ છ મહિનામાં જ ખલાસ! તે થાય જ ને! રાત પડે ને બે-ત્રણ ખોંખારા ખાઈ ચૂંચૂંલાલ કરડુક-કરડુક ચાવે. પાછા બેત્રણ ખોંખારા કરીને પાછા આવીને ચાવે. અને વધારામાં થોડું થોડું રોજ પોતાના દરમાંય પહોંચાડતા રહે, રાજા તો ત્યારે ઘરડ ઘરડ નીંદર તાણતા હોય. બીજા ચોકીદારો પોતપોતાની ચોકી ઉપર હોય. કોઠારની ગત તો કોઠારી જાણે. રાજાને ખબર પડી કે કોઠીમાં અન્ન ખૂટ્યું છે. ‘એમ કેવી રીતે થાય? આખા વરસ માટે ભરેલું અન્ન છ મહિનામાં કેમ ખૂટી પડ્યું? આવું કોઈ વખત થયું નથી. નક્કી કોઈ ચોર આવ્યો હશે. ચૂંચલાલ નાહવા-કારવવા જતા હોય ત્યારે કે પછી રાત્રે પી કરવા કે છી કરવા જતા હોય ત્યારે ચોર ચોરી જતો હશે. ‘ગમેતેમ કરીને ચૂંચલાલા તમે ચોર શોધી લાવો. નહીં તો પછી તમારે જ જેલભેગા થવું પડશે. તમારા જીવતાં આ ચોરી થઈ કેવી રીતે?’ – ચૂંચૂંલાલનું મોઢું તો પડી ગયું; આંખો રડું-રડું થઈ ગઈ, હૈયું મરું-મરું થઈ ગયું. અઠવાડિયાની મુદ્દત અપાઈ. પણ ઉંદરભાઈ ચોર શોધે ક્યાંથી? ચોર તો પોતે જ હતા. મરાઈ ગયા બાપલા! હવે તો કરડુક-કરડુક બંધ થઈ ગયું. અન્ન ભાવતું જ નહોતું. રાત-દહાડો હવે શું થશે શું થશે એમ ચિંતા તેમને કોરી ખાવા લાગી. એક દિવસ… બે દિવસ... ત્રણ દિવસ… ચાર દિવસ… પાંચ દિવસ… છ દિવસ… દિવસ તો માંડ્યા ભાગવા ખોબામાંથી પાણી વહી જાય ને? તેમ. છઠ્ઠા દિવસે રાત્રે તેમણે કોઠાર પાસેથી પસાર થતાં એક મીનીમાસીને જોયાં અને તેમની દાનત બગડી. તેમણે ‘ચોર-ચોર પકડો-પકડો-ચોર-ચોર’ – એમ બૂમો પાડી. અને પછી ચૂંચૂંલાલ મીનીને પકડવા દોડ્યા. બીજા ચોકીદારો પણ દોડી આવ્યા અને મીનીમાસીને પકડી પાડ્યાં. લઈ ગયા રાજા પાસે. મીનીબાઈએ તો બહુ-બહુ સમજાવ્યું કે ‘મેં ચોરી નથી કરી.’ સોગંદ ખાધા. ને રડ્યાં પણ ખરાં. પણ કોણ માને? કોઠારી ચૂંચૂંલાલ કહે કે, ‘મેં જોયું છે ને, મીનીબાઈ કોઠારમાંથી નીકળ્યાં અને મેં બૂમ પાડી.’ પત્યું. રાજાએ નાખી દીધાં મીનીબાઈને જેલમાં. એક વર્ષની જેલ પડી. મીનીબાઈને તો ચૂંચૂંલાલ ઉપર બહુ જ ખીજ ચડી. પણ શું કરે? રાત-દહાડો બિચારાં જેલમાં બેઠાંબેઠાં ઉંદર ચૂંચૂંલાલનું ગીત સાંભળ્યા કરે કે –

‘રાજાનો કોઠારી છું,
મોટો લઠ્ઠધારી છું,
જાડોપાડો મલ્લ છું,
ભીમનો ભાઈ ભલ્લ છું,
ભૂત આવે તો ભીંસી દઉં,
સિંહ આવે તો પીસી દઉં,
ને ચોર આવે તો…
પાંજરામાં પૂરી દઉં.’

એક વર્ષના બાર મહિના. એ પૂરું થતાં તો બહુ વાર લાગી. એક મહિનો… બે મહિના… ત્રણ મહિના… ચાર મહિના… પાંચ મહિના… રામરામ! મીનીબાઈને તો બાર મહિના બાર વર્ષ જેવા લાગ્યા. વર્ષ પૂરું થતાં મીનીબાઈને જેલમાંથી છોડવામાં આવ્યાં. મીનીબાઈએ જેલમાંથી નીકળીને પહેલું કામ શું કર્યું ખબર છે? જેલમાંથી નીકળીને સીધાં ચૂંચૂંલાલ કોઠારીને પકડવા માટે કોઠાર ભણી ચાલ્યાં. ચૂંચૂંલાલ તો મોટો દંડ લઈ આંટા મારતા હતા. ત્યાં પાછળથી આવીને એવી તરાપ મારી કે ઉંદરભાઈની પીઠ ચિરાઈ ગઈ. પણ લાંબો દંડો આડો આવ્યો એટલે મીનીમાસી ચૂંચૂંલાલને પકડી ન શક્યાં. ચૂંચૂંલાલ છટકી ગયા અને લથડિયાં ખાતાં-ખાતાં દરમાં પેસી ગયા. મીનીબાઈએ જાહેર કર્યું કે ‘ખરો ચોર તો ઉંદર હતો. મને એણે ખોટું બોલીને ચોર ઠરાવી હતી. હું તો એને પકડીને જ જંપીશ.’ બસ, ત્યારથી મીનીબાઈએ ઉંદરને ભાળ્યો નથી અને પકડ્યો નથી. અને તેથી ચૂંચૂંલાલની આખી જાત મીનીબાઈથી ભાગતી ફરે છે. અને તેથી ઉંદર કદી-કદી જોવામાં આવે ત્યારે મહેલના ચોકીદારો ચૂંચૂંલાલનું જ ગીત થોડો ફેરફાર કરીને ગાય છે અને એ રીતે ચૂંચૂંલાલને ચીડવે છે કે :

‘જાડોપાડો મલ્લ છું,
ભીમનો ભાઈ ભલ્લ છું,
ભૂત આવે તો ભીંસી દઉં,
સિંહ આવે તો પીસી દઉં,
ને મ્યાઉં આવે તો… ભાગી જાઉં.’