ગુજરાતી બાળવાર્તા સંપદા/રસ્તો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રસ્તો

સાકળચંદ. જે. પટેલ

છોકરાં આવીને બેસી ગયાં.

દાદીમાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું : ‘છોકરાં, તમે સાંભળો છો ?’

બધાં છોકરાં એકીસાથે બોલે છે : ‘હા-જી, માજી !

‘સાંભળો ત્યારે. બે ગામ હતાં, એક મોટું ગામ ને એક નાનું ગામ. મોટા ગામનું નામ હાથીનગર અને નાના ગામનું નામ કીડીનગર. હાથીનગરમાં શાળા હતી, બજાર હતું અને દવાખાનું પણ હતું. કીડીનગ૨માં ના શાળા મળે, ના બજાર મળે કે ના દવાખાનું મળે… છોકરાં, તમે સાંભળો છો ?

‘હા-જી, માજી !’ છોકરાં રસપૂર્વક સાંભળે છે.

દાદીમા કહે છે : ‘કીડીનગરનાં છોકરાંને ભણવું હોય તો હાથીનગ૨ જાય, મોટાંને કાંઈ ખરીદવું હોય તો હાથીનગ૨ જાય અને કોઈ બીમા૨ ૫ડે તોય હાથીનગર જાય... છોકરાં, તમે સાંભળો છો ?’

‘હા-જી, માજી !’

‘તો સાંભળો. આ બે ગામની વચ્ચે અંતર તો ફક્ત બે જ કિલોમીટરનું હતું, પરંતુ બેની વચ્ચે મોટો પહાડ હતો, એટલે સીધો રસ્તો નહોતો. પહાડને ફરી ફરીને જવું પડતું હતું, એટલે રસ્તો વીસ કિલોમીટરનો થઈ જતો હતો. કીડીનગરનાં બિચ્ચારાં છોકરાં, ભણવું હોય તોય શી રીતે ભણે ?... છોકરાં, તમે સાંભળો છો ?’

‘હા-જી, માજી !’

‘સાંભળો ત્યારે. કીડીનગરમાં તે તરુણ રહેતો હતો. નામ એનું દશરથ. એને ભણવું હતું પણ ભણી શક્યો નહોતો. મજૂરિયા માબાપનો દીકરો. નસીબજોગે એની સગાઈ હાથીનગરમાં થઈ. અને એણે નિશ્ચય કર્યો – ‘પહાડને હું હટાવી દઈશ.’ એ તો હથોડીને ટાંકણું લઈને મંડી પડ્યો. બધા કહે, ગાંડો છે. ઊંચો અને પહોળો પહાડ, એમ તે કાંઈ હટતો હશે ! પણ એણે તો કોઈની વાત કાને ધરી નહિ. સવારે વહેલો એ જાય ને સાંજે મોડો ઘેર આવે. આખો દિવસ હથોડી-ટાંકણાનો અવાજ સંભળાય... ટક-ટક-ટક... ઠક-ઠક-ઠક... છોકરાં, તમે સાંભળો છો ?

‘હા-જી, માજી !’

‘તો સાંભળજો ત્યારે. લોકો દશરથની મશ્કરી કરે, પરંતુ એ તો એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાંખે. સવારે વહેલો એ પહાડે પહોંચી જાય ને મંડી પડે. ટક · ટક - ટક - ઠક - ઠક - ઠક - રોજ ઈંચ બે ઈંચ જેટલો પહાડ તૂટતો જાય. એ જોઈને લોકો એની ટીકા કરે ને મજાક કરે – ‘પગલો છે પગલો !’ પરંતુ એને તો કોઈની મજાક-મશ્કરીની કાંઈ જ પડી નહોતી. બસ, એક જ ધૂન હતી, એને મારે પહાડને હટાવીને જ જંપવું છે. ધીરે ધીરે લોકોએ એના તરફથી ધ્યાન હટાવી લીધું ને એની ટીકા કરવાનું પણ છોડી દીધું .. છોકરાં સાંભળો છો ને ?

‘હાજી, માજી !’

‘હા, તો સાંભળો. એમ કરતાં કરતાં એક મહિનો પૂરો થઈ ગયો. પહાડ તો રોજ બે ઈંચ, પાંચ ઈંચ કપાતો જતો હતો. મહિનાની આખરમાં તો દસ ફૂટ જેટલો રસ્તો થઈ ગયો હતો. લોકો આવતાં-જતાં એ જોતા હતા ને મનમાં પ્રસન્ન થઈ જતા હતા – ‘ભઈ, દશ૨થના પશ્રિમમાં દમ તો લાગે છે !’ પરંતુ પાછું વિચારતા - ‘ભઈ, દિલ્લી બહુ દૂર છે. થાકી જશે, કંટાળી જશે, હારી જશે ને છોડી દેશે.’ પરંતુ દશરથ ન હાર્યો, ન કંટાળ્યો કે ન થાક્યો. સૂરજ ઊગ્યા પહેલાં તે પહાડ પર પહોંચી જાય ને સૂરજ આથમી જાય ત્યાં સુધી તેનું ટક - ટક - ટક ... ઠક – ઠક - ઠક... સંભળાયા કરે. છોકરાં, તમે સાંભળો છો ?

‘હા-જી, માજી !’

તો સાંભળો આગળ. દશરથ ટાંકણા ૫૨ હથોડી મારીને પથ્થ૨ તોડે છે. મણ-મણ. અધઅધમણના પથ્થરો છૂટા પડે છે. એ પથ્થરો ઉપાડીને તે દૂર દૂર ફેંકી દે છે, ને આગળ વધે છે. પહેલાં તો પહાડ પણ હસતો હતો - ‘હી હી હી... આ છોકરડો, શું જોઈને રસ્તો કરવા આવ્યો હશે ? એમ તે કંઈ પહાડમાં રસ્તા થતા હશે ?’ પરંતુ પહાડ ધીમે ધીમે કપાતો ગયો, રસ્તો આગળ વધતો ગયો, ત્યારથી તે પણ ચૂપ થઈ ગયો છે. મનોમન કહે છે - ‘માનવી ધારે તો શું ન કરે !’ માનવીનો સંકલ્પ મક્કમ હોય તો સમુદ્ર પણ માર્ગ આપી દે છે.’ પહાડ હવે હસતો નથી. છોકરાં, સાંભળો છો કે ?’

‘હા-જી, માજી !’

‘કંટાળો નથી આવતો ને ?’ દાદીમા પૂછે છે.

‘ના-જી, માજી !’

‘તો તો બરાબર. સુણજો ત્યારે. પુરાણમાં એક કથા આવે છે, સગર રાજાની. એના સાઠ હજાર પુત્રો પાતાળમાં ગયા હતા, અશ્વમેધ યજ્ઞમાં, ત્યાં કપિલ ઋષિના શાપથી તેઓ બળીને ભસ્મ થઈ ગયા. ઋષિએ કહ્યું - ‘સ્વર્ગમાંથી ગંગા નદી અહીં આવશે તો પુત્રોનો ઉદ્ધાર થશે.’ સગર રાજાએ ગંગાને નીચે લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા. એના પછીની પેઢીઓએ પણ પ્રયાસો ચાલુ રાખ્યા. છેવટે દિલીપના પુત્ર ભગી૨થે ઘો૨ પરિશ્રમ કરીને ગંગાને નીચે ઉતારી અને સગરના પુત્રોનો ઉદ્ધાર કર્યો. ત્યારથી ગંગા નદીનું એક નામ ભાગીરથી પડ્યું. ભગી૨થ એટલે મહામુશ્કેલ કામ. દશરથ પણ આવું ભગીરથ કાર્ય કરી રહ્યો હતો. એકલે હાથે... છોકરાં, સાંભળો છો કે ?’

‘હા-જી, માજી !’

‘ઊંઘ તો નથી આવતી ને ?’ દાદીમાએ પૂછ્યું છે. ‘ના-જી, માજી !’

‘ના-જી, માજી !’

‘તો ઠીક છે. કાન માંડજો. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી રહ્યાં છે. દશરથ અવિરત પોતાનું કામ કર્યે જાય છે. એની હામ ને એવી છે. એનો ઉત્સાહ જરાય ઠંડો પડ્યો નથી. એનો સંકલ્પ વધુ મજબૂત થયો છે. પર્વત કપાતો જાય છે. રસ્તો આગળ વધતો જાય છે. હથોડી-ટાંકણાના પ્રહારો થયે જાય છે - ‘ટક-ટક-ટક ઠક-ઠક !’

લાં...બો થઈને સૂતેલો પહાડ, અભિમાનમાં ઉછાંછળો થયેલો પહાડ, ચૂપ થઈ ગયો છે. એનું પેટ એક પડખેથી કોતરાઈ રહ્યું છે. ટક – ટકા – ટક .... ઠક - ઠકા - ઠક...! એકાએક દાદીમા મૌન થઈ ગયાં.

છોકરાંએ તરત પૂછ્યું : ‘માજી ! કેમ મૌન થઈ ગયાં ?’

‘મૌન નથી થઈ, ‘ટક - ટકા – ટક..... ઠક - ઠકા - ઠક...’ સાંભળું છું.’

‘હા - જી, માજી...! પછી શું થયું, પહાડ કપાયો ? રસ્તો થયો...?’

‘કહું છું, સાંભળજો. દશરથનું કામ નિયમિત ચાલે છે. ટાંકણું - હથોડી ચાલે છે. પહાડ કપાય છે. રસ્તો આગળ વધે છે. સમય પણ આગળ વધે છે. એક વર્ષ... બે વર્ષ... પાંચ વર્ષ... દસ વર્ષ.. અને અગિયાર વર્ષ... હા, અગિયાર વર્ષો થઈ ગયાં છે. અને એક દિવસે દશરથ પહાડ ઉપર ચડીને જુએ છે. એક બાજુ હાથીનગર છે ને બીજી બાજુ કીડીનગ૨ છે. રસ્તો બરાબ૨ બે ગામોની વચ્ચે પહોંચી ગયો છે. એ જોઈને દશરથ નાચી ઊઠે છે : ઓ ભગવાન ! હવે વાંધો નથી.....!’

છોકરાં એકધ્યાન થઈને સાંભળી રહ્યાં છે.

દાદીમા કહે છે : ‘આમ ને આમ બીજાં અગિયાર વર્ષો પસાર થઈ ગયાં. દશરથનું કામ નિરંતર ચાલતું હતું. અને એક દિવસ તેણે પહાડનો છેલ્લો પથ્થર દૂર દૂર ફેંકી દીધો. રસ્તો તૈયાર થઈ ગયો હતો. પહાડે માર્ગ આપી દીધો હતો. કીડીનગરથી હાથીનગર સુધી સીધું જોઈ શકાતું હતું. વીસ કિલોમીટરનો રસ્તો બે જ કિલોમીટરનો થઈ ગયો હતો. દશરથની 22 વર્ષની મહેનત રંગ લાવી હતી. બેય ગામના લોકો રસ્તાને બે છેડે ભેગા થઈ ગયા હતા. છાપાના ખબરપત્રીઓ આવ્યા હતા. ટીવીવાળા આવ્યા હતા. દશરથને તેઓ કૅમેરામાં કેદ કરી રહ્યા હતા. લિમ્કા રેકૉર્ડવાળાઓએ પણ તેની નોંધ લીધી હતી. બીજે દિવસે દશરથની દેશભ૨માં પ્રસિદ્ધિ થઈ ગઈ... છોકરાં, થાક્યાં છો ને ?’

‘ના-જી, માજી ! કહો, પછી શું થયું ?’

‘પછી મુખ્ય પ્રધાનને આ વાતની ખબર પડી. તરત જ તેણે ગાડી મોકલી ને દશરથને બોલાવ્યો. પ્રધાનજી પોતાની ખુરશીમાંથી ઊભા થયા ને દશરથને તે ખુરશીમાં બેસાડ્યો, તેનું સન્માન કર્યું ને મોટું ઇનામ આપ્યું. દશરથનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું.’

(સત્ય ઘટના પર આધારિત)