ગુજરાતી બાળવાર્તા સંપદા/શાસ્ત્રીજીનો સોમવાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શાસ્ત્રીજીનો સોમવાર

હરિપ્રસાદ વ્યાસ

બિલ્લુભાઈ હજી સવારમાં ઊઠીને ચા પીતા બેઠા હતા. તે વખતે મોતીકાકા હાથમાં છાપું લઈને ધસમસતા આવી પહોંચ્યા. “બિલ્લુભાઈ! આ કરવા જેવું! દેશને ખાતર આ કરવા જેવું! આ વાંચ્યું?” “શું કરવા જેવું?’ બિલ્લુભાઈએ પૂછ્યું, ‘શું લખ્યું છે? ગાજરનો હલવો? એ કરવા જેવો?” “અરે ભાઈસાબ! ગાજરની ફાચર ક્યાં મારો છો? આ તો આપણા અન્નપ્રધાન સાહેબે જાહેર જનતાને શાસ્ત્રીજીના સોમવાર પાછા ચાલુ કરવા વિનંતી કરી, તેની વાત કરું છું. આ રહ્યું એ લખાણ વાંચો!” આમ કહી મોતીકાકાએ પોતાનાં ચશ્માં નાકની દાંડી ઉપર જરા નીચાં સરકાવ્યાં. પછી છાપા ઉપર નજર ગોઠવીને આંગળી મૂકી. બિલ્લુભાઈએ છાપું હાથમાં લઈને વાંચ્યું. પછી કહેવા લાગ્યા : “સમજી ગયો. આ તો અનાજ બચાવવાની વિનંતી છે. લાલબહાદુર શાસ્ત્રીએ અનાજ બચાવવા માટે દેશબાંધવોને સોમવાર કરવાનું નહોતું કહ્યું? ને તેમની હાકલને માન આપવા ઘણા જણે સોમવાર કરવાના શરૂ પણ કરેલા.” “હા, હા. હવે બધું તાજું થઈ ગયું. પાકિસ્તાન સાથેની લડાઈ વખતે તેમણે આ હાકલ કરેલી. ને હું તે વખતે સોમવારના અપવાસ કરતો હતો. સોમવાર તો કાલે જ થશે. તમે કહો તો આપણે બન્ને જણ કાલથી જ સોમવાર કરીએ.” બિલ્લુભાઈના મગજમાં આ વાત ઊતરી ગઈ. તેઓ જુસ્સાથી બોલી ઊઠ્યા : “હા! હા! મોતીકાકા! કાલથી આપણા સોમવાર શરૂ! ઘઉં માટે દેશને અમેરિકા પાસે ભીખ માગવી પડે છે તો અનાજ બચાવવું, તે આપણી ફરજ છે. પ...ણ...” “પ...ણ... શું?” “મારાથી ભૂખ્યા રહેવાતું નથી!” “પણ ફરાળની છૂટ છે.” ને મોતીકાકા ચશ્માં ઠીક કરતાં બોલ્યા, “અગિયારસના જેવું જ.” આમ બિલ્લુભાઈએ સોમવાર કરવાનું નક્કી કરી નાખ્યું મીનીબહેનને વધામણી આપી દીધી. બીજા સોમવારથી અપવાસ શરૂ થયા. અપવાસને દિવસે ફરાળ હંમેશાં મોડી જ કરવામાં આવે. મીની બહેને પૂછ્યું : “ફરાળ તો બપોરે એકાદ વાગે કરશો ને?” બિલ્લુભાઈ કહે : “પણ મારે ઑફિસે જવાનું ને?” “તો એમ કરો. આજનો દિવસ ઑફિસે ન જશો. આજે જુઓ કે કેમ થાય છે. પછી આવતા સોમવારથી ગોઠવજો. આજે ઑફિસે ટેલિફોન કરી દો.” બિલ્લુભાઈને આ સૂચના ગમી. તેમણે ઑફિસે ટેલિફોન કરી દીધો. પછી ઝૂલણ ખુરશીમાં ઝૂલવા લાગ્યા. પણ અગિયાર વાગ્યા. રોજનો જમવાનો સમય થયો અને બિલ્લુભાઈને પેટમાં કડુડુડુડુ દઈને ભૂખ લાગી! તેમણે ટટવાને બૂમ પાડી. “જી સરકાર!” કરતો ટટવો આવીને એક પગે ઊભો રહ્યો. બિલ્લુભાઈ કહેવા લાગ્યા : “જા. બાઈસાહેબને પૂછ કે ફરાળ તૈયાર થઈ ગયું છે?” ટટવો કૂદતો કૂદતો દોડ્યો અને થોડી વારમાં જ પાછો આવ્યો. “જી સરકાર! બાઈસાહેબ તો કહે છે કે હજી શક્કરિયાં બટાકા બાફવા જ મૂક્યાં નથી! એ તૈયાર થશે, પછી રાજગરાની પૂરી કરી નાખીશ!” બિલ્લુભાઈ નિરાશ થઈ ગયા. તેમણે ઘડિયાળ તરફ જોયું. તેમને લાગ્યું કે અડધો કલાક પસાર થઈ ગયો હશે. પરંતુ કાંટો તો માત્ર પાંચ જ મિનિટ ખસ્યો હતો! “ઓ… તારી! ઘડિયાળ બંધ પડી છે કે શું?” આમ બબડી તેમણે દીવાલ-ઘડિયાળ ઉપરથી નજર ઉઠાવીને પોતાના કાંડા-ઘડિયાળ તરફ નાખી. બન્નેમાં સમય સરખા જ હતા. ઘડિયાળ બંધ પડી ન હતી! ભૂખથી હવે તેમને લાલપીળાં દેખાવા માંડ્યાં. કંઈક વિચાર કરી તેમણે ટટવાને બૂમ પાડી! “જી સરકાર!” કહેતો પાછો ટટવો આવીને એક પગે ઊભો રહ્યો. “અલ્યા, અહીં આટલામાં કોઈ ફરાળ વેચવાની દુકાન છે?” “હા, સરકાર. પેલો ફડાકિયા ફરસાણ માર્ટવાળો મારો ભાઈબંધ છે, તે વેચે છે.” “તો સાઇકલ ઉપર ઝટ જા – બટાકાની કાતરી લઈ પાછો આવ.” “અરે સરકાર, ખોટા રૂપિયાની પેઠે તરત જ પાછો આવું છે. પણ કેટલી લાવું? એક કિલો લાવું?” “એક કિલ્લો?” “અરે સરકાર! આજે રસોડામાં કંઈ રાંધ્યું જ નથી! આપને લીધે અમારે બધાયને શાસ્ત્રીજીનો સોમવાર છે. પછી અમારેય નાસ્તો...” “જા, ૫૦૦ ગ્રામ લઈ આવ. એ વજનમાં બહુ હલકી. ખાસ્સું મોટું પડીકું આવશે. પણ ઝટ!” “જી! ઝટ ને પટ!” કહેતો ટટવો સાઇકલ ઉપર ઊપડ્યો. આવું કંઈ ઉતાવળનું કામ હોય ત્યારે ટટવો કલાકના ૬૦ માઈલની ઝડપે સાઇકલ મારી મૂકે! થોડી વારમાં તો તે પાછો ફર્યો. “કેમ શેઠ, આવી પહોંચ્યો ને, પંજાબ મેઈલની ઝડપે?” “એક ડિશમાં કાતરી મારે માટે ઝટ લાવ.” ટટવાએ પડીકા ઉપર વીંટેલો આખો દોરો ઉકેલવાને બદલે પડીકાને જ એક બાજુ કાણું કર્યું! “લ્યો સરકાર!” તેણે ડિશ મૂકી ને ભૂખ્યા બિલ્લુભાઈ કાતરી ઉપર તૂટી પડ્યા! તેમને હવે પેટમાં શાન્તિ થઈ. તેઓ બબડ્યા : “હાશ! આવાં કંઈ નાસ્તા-પાણી હોય તો સોમવાર કરવામાં વાંધો ન આવે.” મોડેથી મીનાબહેને ફરાળ તૈયાર કરી તે વખતે એક વાગ્યો હતો. બિલ્લુભાઈએ પાટલા ઉપર બેસીને તેમની થાળીમાં નજર નાખી. “આ શું? રાજગરાની પૂરી અને શક્કરિયાં-બટાકાનું શાક જ બનાવ્યાં છે?” “હા.” મીનાબહેને જવાબ આપ્યો, “અપવાસમાં તો એવું જ હોય ને?” “ભલે, પણ મારે પૂરી બોળવા માટે કંઈ જોઈએ. ઘરમાં દહીં પડ્યું છે?” “હા.” “તો ખાંડ નાખીને મને દહીં આપ – ને આવતે સોમવારે શિખંડ કે એવું જ બીજું કંઈ મંગાવી રાખજે.” મીનાબહેને એક વાડકામાં દહીં આપ્યું. તેમાં ખાંડ નાખી. બિલ્લુભાઈ જમવા લાગ્યા. મીનાબહેન વાતોએ ચઢ્યાં. તેમણે પૂછ્યું : “હવે સાંજે તો ચાલશે ને? સોમવારે તો એક જ વાર જમવાનું.” “બરાબર છે–પણ તું છેક હડતાલ પાડતી નહિ. સાંજે ભૂખ લાગે, તો કંઈ ફરાળ.” “ભલે.” ને બિલ્લુભાઈ દહીં પૂરી ને શક્કરિયાં-બટાકા ખાસ્સી રીતે જમીને ઊઠ્યા. આમ બપોર તો સારી રીતે પસાર થઈ ગઈ. બિલ્લુભાઈ થોડી વાર ઊંઘ્યા–વળી ઊઠ્યા પછી રેડિયો મૂક્યો. ત્રણેક વાર ટેલિફોન આવ્યો. તેના જવાબ આપ્યા. આમ કરતાં કરતાં રાત પડી. બિલ્લુભાઈ રોજ રાત્રે સાડા સાત વાગે જમતા. એ સમય થયો કે એમને બગાસાં આવવા મંડ્યાં. તેમને થયું કે અત્યારે કંઈ આરોગવાનું મળે તો સારું. તેમણે મીનાબહેનને પૂછ્યું : “કેમ, અત્યારે કંઈ નૈવેદનું બનશે?” “નૈવેદ? અત્યારે? તમે તો શાસ્ત્રીજીનો સોમવાર કર્યો છે ને?” “હા! પણ સોમવારે ફરાળની છૂટ તો હોય ને! આપણે ક્યાં અનાજ ખાવું છે? હું તો કંઈ કેળાં કે સફરજન કે દ્રાક્ષની વાત કરી રહ્યો છું” મીનાબહેન સમજી ગયાં. તેમને ખાતરી હતી કે પ૦૦ ગ્રામ દ્રાક્ષથી બિલ્લુભાઈનું પેટ નહીં ભરાય! તેને બદલે તેમણે કેળાં મંગાવવાનો વિચાર કર્યો. તેમણે પૂછ્યું : “તો ડઝન કેળાં મંગાવું?” “ના! તમે બધાંય સોમવારીઆં છો ને? તમને મૂકીને હું એકલો કેળાં ના ખાઉં, બે ડઝન મંગાવ, બે ડઝન!” મીનાબહેને જવાબ આપ્યો : “ભલે, આજે જોઈએ.” આમ કહી તેમણે ટટવાને બૂમ પાડી : “અરે પંજાબ મેઈલ!” “જી સરકાર!” કહેતો ટટવો તરત આવીને એક પગ પર ઊભો રહ્યો. “સાઇકલ ઉપર જા. બે ડઝન કેળાં લઈ આવ. પણ ઝટ પાછો આવજે.” “અરે, ખોટા રૂપિયા જેવો પાછો આવી પહોંચું છું.” કહી ટટવો ઊપડ્યો. બિલ્લુભાઈ મીનાબહેનને કહેવા લાગ્યા : “આ સોમવાર કરવાનું જરા ભારે કહેવાય! બિચારા મોતીકાકાનો મામલો કેમ હશે?” “એ પણ સોમવાર કરવાના છે?” મીનાબહેને પૂછ્યું. “હા! શાસ્ત્રીજીના સોમવારની વાત તો એ જ લાવેલા ને! તે પછી સર્વાનુમતે આપણે નક્કી કરી નાખ્યું!” આમ વાતો ચાલતી હતી, ત્યાં પંજાબ મેઈલ ટટવો કેળાં લઈને આવી પહોંચ્યો. મીનાબહેને એક ડિશમાં છ કેળાં મૂક્યાં. તેમણે બિલ્લુભાઈને પૂછ્યું : “છ કેળાં કાઢું ને? બાકીનાં અમે વાપરી નાખીએ.” “છ કેળાં કાઢ, પણ...” “પણ ... શું? છથી વધારે ખાશો, તો તાવે પટકાશો! છાતીમાં કફ ભરાઈ જશે.” “બરાબર છે. પણ આખી રાત કાઢવી મુશ્કેલ છે. તું બીજાં ત્રણેક કેળાં મારે માટે બાજુ ઉપર અનામત રાખી મૂકજે ને! કદાચ....!” “ભલે” કહી મીનાબહેને છ કેળાં ભરીને ડિશ બિલ્લુભાઈ પાસે ટેબલ ઉપર મૂકી. બિલ્લુભાઈ કેળાં છોલી છોલીને ખાવા મંડ્યા. પણ કેળાં ખાતાં વાર કેટલી લાગે? મોંમાં મૂકે, ને ઝટ ખવાઈ જાય! છ કેળાં તો છ મિનિટ પહેલાં પૂરાં થઈ ગયાં! પેટમાં ટાઢક વળી, એટલે તેમણે રેડિયો ચલાવ્યો, ત્યાં તો મોતીકાકા આવી પહોંચ્યા. “કેમ બાંકેસાહેબ! શું થાય છે? સોમવાર કેમનો ગયો?” “આવો મોતીકાકા.” મીનાબહેન બોલ્યાં. “આ તમારા સોમવારે તો ઘાણ વાળી નાખ્યો! આખો દિવસ કંઈ ને કંઈ ખાવાનું માગ્યા જ કરે છે! તમારે કેમનું છે?” “મીનાબહેન! આ શાસ્ત્રીજીનો સોમવાર માળો મનેય ભારે પડે છે! આપણાં દાળ-ભાત, રોટલી શાક જેવી મઝા જ નહિ!” બિલ્લુભાઈ બોલી ઊઠ્યા : “મનેય એવું જ થયા કરે છે. દાળ, ભાત, રોટલી વગર સંતોષ વળ્યો નહિ. પણ તેથી શું? એક દિવસ ચલાવી લેતાં શીખવું જ જોઈએ. દેશની હાકલ પડી છે!” મોતીકાકા હસવા લાગ્યા. મીનાબહેને બે કેળાં લાવીને તેમની પાસે ડિશમાં મૂક્યાં. કાકા બોલ્યા : “આ ખરેખરું! મારેય ક્યારનીય પેટની હાકલ પડી હતી!” આખરે તો સોમવાર પસાર થઈ ગયો. બીજો સોમવાર આવ્યો. તે દિવસે બિલ્લુભાઈએ શિખંડનો પ્રોગ્રામ રાખ્યો. છતાં આખો દિવસ તેમનું મોઢું ભભડ્યા જ કરે! દિવસ દરમિયાન દ્રાક્ષ, અંજીર, સીંગની ચીકી વગેરે ઉડાવ્યાં ત્યારે જ જંપ્યા. પછી તે સોમવારે ભારે ગમ્મતની વાત બની. સવારમાં જ મોતીકાકા આવીને બેઠેલા ને ટેલિફોનની ઘંટડી રણકી. બિલ્લુભાઈએ ભૂંગળું ઉપાડી વાત કરવા માંડી, “હલ્લો!” “કોણ, બાંકેસાહેબ કે? હું નંદુભાઈ નકશાવાળા. આજે તમને ‘ચેતના’માં ભોજનનું આમંત્રણ આપું છું. મારી વર્ષગાંઠની ઉજવણી છે. તમારી સીટ ખાસ ગણી છે. છ વાગે બારોબાર આવી જજો.” “પણ...” “એ પણ બણ ન ચાલે! કેરીના રસનાં ટીન મંગાવ્યાં છે! એટલે રસપૂરી, ખાટાં ઢોકળાં ને ઉપરથી કાજૂનું આઇસક્રીમ પણ ખરું જ! ચાલો સાહેબજી, છ વાગે જરૂર!” ને નંદુભાઈએ ટેલિફોન મૂકી દીધો. બિલ્લુભાઈએ મોતીકાકાને ફોનની વાત કરી પછી ઉમેર્યું, “કાકા આજે આપણે સોમવાર છે, ને રસપૂરી ને ઢોકળાંનું જમણ…” ત્યાં તો આંગડિયો આવ્યો. તેણે બિલ્લુભાઈને પૂછપરછ કરી એક પેકેટ આપ્યું. સહી લઈને તે ચાલ્યો ગયો. “કોનું પાર્સલ છે?” કરતાં મીનાબહેન આગલા ખંડમાં આવ્યાં. “સુરતથી સુરુભાઈનું પાર્સલ છે. અંદર શું છે તે જોઉં.” આમ કહી તેમણે પાર્સલ ખોલ્યું તો અંદર વાનીનો પોંક! “ઓત્તારીની! આ તો વાનીનો પોંક છે! અરે ભગવાન! આજે પોંક ક્યાં આવ્યો? આજે તો સોમવાર!” પોંક જોઈને મોતીકાકાના મોંમાં પણ પાણી આવી ગયું! સિસકારો બોલાવતા તે કહેવા લાગ્યા : “બિલ્લુભાઈ! તાજાં પોંકની મઝા! કાલે તો સુકાઈ જવાનો. આપણે બંનેય પોંક ખાઈને સોમવારનાં પારણાં કરી નાખીએ!” બિલ્લુભાઈ તો આવું જ કંઈક બહાનું શોધતા હતા. તરત જ તેમણે અને મોતીકાકાએ પોંક ફાકીને પારણાં કરી નાખ્યાં!