ગુજરાતી બાળવાર્તા સંપદા/સાંકળ સાતતાળી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાંકળ સાતતાળી

ગિરિમા ઘારેખાન

‘મમ્મી, મમ્મી, ભૂખ લાગી છે.’ ‘ચાલ, હાથ ધોઈ લે, પછી સક્કરપારા આપું.’ મમ્મીએ રસોડામાંથી કહ્યું. સ્તવન સક્કરપારા ખાવા સોફા ઉપર બેઠો અને પગ ઉપર લઈને આરામથી ખાવા માંડ્યો. ત્યારે રસોડામાં પાછી જતી મમ્મીની નજર એના પગ ઉપર પડી. ‘અરે ! તેં પગ નથી ધોયા ? કેટલા માટીવાળા છે ? આ જો, સોફા ગંદો થયો અને આખું ઘર તારાં પગલાંથી માટી માટી થયું છે. સક્કરપારા ખાઈને બધું સાફ કરી નાખજે.’ નાસ્તો કરી, ડિશ ત્યાં જ રહેવા દઈને સ્તવન પાછો રમવા જતો રહ્યો. સ્તવનને નિશાળમાં ઉનાળાની રજાઓ પડી હતી. એને એમ થયું કે રજાઓ માત્ર રમવા માટે જ હોય. એના રમવામાં એની મમ્મી કેટલી હેરાન થતી એનો એને વિચાર જ નહોતો આવતો. એના પપ્પા વારંવાર એને કહેતા કે હવે એ અગિયાર વર્ષનો થયો, એણે મમ્મીને નાનાં નાનાં કામોમાં મદદ કરવી જોઈએ. પણ ઊલટું એનું જ કામ એની મમ્મીને એટલું બધું પહોંચતું કે એ થાકી જતી. એ પોતાનાં કપડાં ગમે ત્યાં નાખતો, જમીને પોતાની થાળી ક્યારેય ન ઉઠાવતો. ઘરમાં ગંદા પગે ફરીને ઘર ગંદું કરતો. ઘરમાં રમે તો પત્તાં, કેરમ કે બીજી રમતો ત્યાં જ રાખીને ઊભો થઈ જતો. એની મમ્મીનો અરધો સમય તો એ બધું ઠેકાણે મૂકવામાં જ થતો. સ્તવનના વૅકેશનથી એની મમ્મી ખૂબ કંટાળી જતી અને સ્કૂલ ખૂલવાની રાહ જોતી. જ્યારે સાથે રમવાવાળું કોઈ ન હોય ત્યારે સ્તવન પણ કંટાળીને બૂમો પાડતો, પણ કંઈ કામ ન કરાવતો. એક દિવસ સ્તવનના પપ્પાએ એને પૂછ્યું : ‘તમે બધા ભાઈબંધો બહાર કઈ રમતો રમો છો ?’ સ્તવને કહ્યું, ‘ક્યારેક ક્રિકેટ તો ક્યારેક પકડદાવ, થપ્પો, એવી બધી.’ પપ્પાએ પૂછ્યું, ‘તમે ક્યારેય સાંકળ સાતતાળી રમો છો ?’ સ્તવનને સાંકળ સાતતાળી રમત વિશે કંઈ ખબર જ ન હતી. એના પપ્પાએ કહ્યું કે થપ્પો કે પકડદાવમાં એક જ જણ દાવ આપીને બધાને આઉટ કરે, આ રમતમાં જે આઉટ થાય એ દાવ આપનારનો હાથ પકડી લે. પછી બંને જણ સાથે મળીને દોડનારને પકડવા દોડે. એમ કરતાં કરતાં આઉટ થનારાં દાવ આપનાર સાથે જોડાતાં જાય અને એમની સાંકળ મોટી થતી જાય. સ્તવને પૂછ્યું, ‘તે આ રમતમાં વધારે સારું શું છે ?’ પપ્પાએ એને સમજાવ્યું કે બીજી રમતોમાં તો જે આઉટ થઈ જાય એણે બધા આઉટ ન થાય ત્યાં સુધી બેસી રહેવું પડે અને એ કંટાળી જાય. દાવ આપવાવાળો એકલો દાવ આપીઆપીને થાકી જાય, સાંકળ સાતતાળીમાં તો આઉટ થનાર એની સાથે જ દોડતા જાય, બધા ભેગા થઈને દાવ આપે એટલે એમનું જોમ વધતું જાય – ન કોઈ થાકી જાય, ન કોઈ કંટાળી જાય. બીજે દિવસે સ્તવને એના ભાઈબંધોને આ નવી રમત શિખવાડી. બધાંને એમાં બહુ જ મજા આવી. પછી તો રોજ એ લોકો સાંકળ સાતતાળી જ રમતા. એ દિવસે રવિવાર હતો. સ્તવનના પપ્પા પણ ઘેર હતા. એની મમ્મી તો રોજની જેમ જ જુદાં જુદાં કામ કરવામાં ગૂંથાયેલી હતી. ત્યારે સ્તવનના પપ્પાએ કહ્યું, ‘ચાલ બેટા, આજે આપણે ઘરમાં સાંકળ સાતતાળી રમીએ.’ સ્તવનને કંઈ સમજાયું નહીં એટલે એના પપ્પાએ કહ્યું, ‘ઘરમાં આખો દિવસ તારી મમ્મી જ દાવ આપતી હોય છે, પણ કામ તો આગળ દોડતાં જ હોય છે. બધાં કામ ક્યારેય આઉટ થતાં નથી. એટલે મમ્મી કેટલી થાકી જાય છે ? ચાલ, આજે આપણે થોડાં કામને આઉટ કરી નાખીએ.’ પછી તો સ્તવનના પપ્પાએ સ્તવનને એની વાર્તાની ચોપડીઓ સરખી ગોઠવી દેવાનું કહ્યું અને એમણે છાપાં ગોઠવ્યાં. સ્તવનને હાથમાં કપડું આપીને ફર્નિચર ઉપરથી ધૂળ સાફ કરી નાખવાનું કહ્યું. એમણે બધાં ગંદાં કપડાં વૉશિંગમશીનમાં નાખીને એને ચાલુ કરી દીધું. સ્તવનના પપ્પા સાથે સાથે રહીને એની પાસે ધીરે ધીરે એને ફાવે એવું કામ કરાવતા રહ્યા. પપ્પા સ્તવનની સાથે વાતો કરતાં કરતાં એના કામનાં વખાણ પણ કરતા જતા હતા એટલે સ્તવનને કામ કરવાનો જરાયે કંટાળો ન આવ્યો. પછી તો એમણે એને નાનાં નાનાં કપડાંને ઈસ્ત્રી કરવાનું પણ શિખવાડ્યું. આ નવાં નવાં કામ શીખવાની સ્તવનને મજા આવવા માંડી. રોજ આખો દિવસ કામ જ કર્યા કરતી મમ્મીનું બધું જ કામ એ દિવસે તો બપોર સુધીમાં પતી ગયું. એટલે ત્રણેય જણ સાથે કેરમ પણ ૨મી શક્યાં અને મમ્મી થાકી ન હતી એટલે સાંજે ફરવા પણ ગયાં. રાત્રે ઘેર આવીને પપ્પાએ સ્તવનને પૂછ્યું, ‘કેમ બેટા, ઘરમાં પણ સાંકળ સાતતાળી રમવાની મજા આવે છે ને ?’ સ્તવન પપ્પા શું કહેવા માગે છે એ સમજી ગયો હતો. એણે કહ્યું, ‘હા પપ્પા, હવે હું રોજ મમ્મીને દાવ આપવામાં મદદ કરીશ.’ સ્તવન ઘરમાં મદદ કરવા માંડ્યો એટલે એને નવાં કામ શીખવા મળ્યાં અને ક્યારેક આવતો વૅકેશનનો કંટાળો પણ દૂર થઈ ગયો. સહુથી મોટો ફાયદો તો એ થયો કે પોતાનું જ કામ વધે નહીં એ માટે એ પોતાની વસ્તુઓ પહેલેથી જ વ્યવસ્થિત મૂકતો થઈ ગયો અને ઘર પણ સાફ રાખતો થઈ ગયો.