ગુજરાતી બાળવાર્તા સંપદા/સોનાનો ચરુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સોનાનો ચરુ

યશવન્ત મહેતા

એક ખેડૂત. ઘણો ગરીબ. થોડી જમીન. એમાં ખેતી કરે. ગુજારો કરે. સુખે રહે. જે મળે તેમાં સુખ માને. અનેક આફતોમાંય આનંદથી રહે. રોજ સવારે સાંતી જોડે. બળદ જોડે. ખેતરે જાય. ખેતર ખેડે. વહુ ઘેર રહે. ઘરનાં કામ કરે. પતિને મદદ કરે. ઘણાં વરસ આમ ને આમ વીતી ગયાં. ખેડૂતના બાપદાદા પણ આમ જ જીવતા હતા. એ પણ આમ જ જીવતો રહ્યો. ખેડૂતને એની ચિંતા નહોતી. ખેતીના કામમાં જે મળી રહેતું, એમાંથી એ સંતોષથી ગુજારો કરતો. એક દિવસ ખેડૂત ખેતરમાં હળ હાંકતો હતો, ત્યારે એક નવાઈની વાત બની. એના પગે કશીક કઠણ ચીજ અથડાઈ. હળના ફળા સાથે ભરાઈને એ કઠણ વસ્તુ ઊંચી આવી ગઈ હતી. ખેડૂત નીચો નમ્યો. જુએ છે તો એક ચરુ પડ્યો છે. સોનાનો ચરુ છે. ચરુ એટલે મોટો ઘડો. ખેડૂતે એ ચરુ ઉપાડી જોયો. ઘણો ભારે લાગ્યો. એણે એ ચરુ ઉઘાડ્યો. અંદર સોનું ભર્યું હતું. સાથે હીરા અને ઝવેરાત પણ હતાં. અઢળક ધન હતું. ખેડૂતે એ ચરુ ઉપાડ્યો અને ખેતરને એક શેઢે મૂકી દીધો. એનું ઢાંકણું ઢાંકી દીધું. વળી પાછો ખેતર ખેડવાના કામમાં પડી ગયો. સાંજ સુધીમાં તો ચરુની વાત એની વહુને કહી. વહુએ પૂછ્યું : એ ચરુ ક્યાં છે ? ખેડૂત કહે : એ તો મેં ખેતરને શેઢે મૂક્યો છે. વહુ તો નવાઈ પામી ગઈ. આંખો ફાડીને જોઈ જ રહી. સોનાનો ચરુ ! કોઈ સોનાને એમ પડ્યું મૂકે નહિ. જુએ કે તરત ઉપાડી લે. સોનું તો ધન કહેવાય. ધન એમ રખડતું રખાય નહિ. વળી, આ તો ઘણુંબધું ધન હતું. જિંદગી આખી સુખમાં જિવાય એટલું ધન હતું. વહુએ પૂછ્યું : તમે ચરુ કેમ ઘેર ન લાવ્યા ? એ તો ભગવાને દીધેલું ધન કહેવાય. ખેડૂત કહે : ભગવાને એ ધન આપણને જ દીધું હશે તો એ કોઈ લઈ જવાનું નથી. અને આપણને ભગવાને નહિ દીધું હોય તો કોઈ લઈ જશે. ભલે એ લઈ જાય. હવે વાત એમ બનેલી કે બે ચોર આ વાત સાંભળે. ખેડૂતની ઝૂંપડીની પછીતે એ બંને ઊભેલા. સોનાના ચરુની વાત સાંભળીને એ બંને ગેલમાં આવી ગયા. દોડ્યા અને ખેડૂતના ખેતરે ગયા. જઈને જુએ તો શેઢા ઉપર સાચે જ પેલો ચરુ પડ્યો છે ! ચોરોએ એ ચરુ ઉપાડી લીધો. બેય જણે થઈને ઊંચક્યો ત્યારે માંડ ઊપડ્યો. એટલો તો એ ચરુ ભારે હતો. હરખાતા-હરખાતા બેય ચોર પોતાને રહેઠાણે ગયા. ચરુ અંદર લઈ ગયા. ચરુ ઉઘાડ્યો. પણ આ શું ? ચરુમાં સોનું નથી. આખો ચરુ જીવતા ને ફૂંફાડા મારતા સાપથી ભર્યો છે. ચોરો ગભરાઈ ગયા. ગુસ્સે પણ થઈ ગયા. તેમને થયું કે આ ખેડૂત આપણને ભટકાડી ગયો. તો હવે આપણે પણ એ ખેડૂતના ખેતરને શેઢે પાછો મૂકી આવીએ. પણ સવાર પડવા આવી હતી. એમને ચરુ ઉપાડીને જતા કોઈ જોઈ જાય તો ચોર તરીકે પકડી પાડે. એટલે તેમણે ચરુનું મોં બંધ કર્યું અને પોતાના રહેઠાણને એક ખૂણે મૂકી દીધો. પરોઢ થયું. ખેડૂતે સાંતી જોડ્યું. વળી પાછો એ ખેતરે ગયો. જતાંજતાં અમસ્તી જ શેઢા તરફ નજર કરી. ચરુ ત્યાં નહોતો. પણ ખેડૂતે એની કશી ચિંતા કરી નહિ. એ તો પોતાના કામમાં લાગી ગયો. એને કશાનો લોભ નહોતો. મહેનત કરીને જે મળી જાય, એનાથી એ સંતોષ માનતો હતો. આખો દિવસ એણે મહેનત કરી. પછી સાંજે ઘેર પાછો ફર્યો. વહુ બારણામાં જ ઊભી હતી. ખેડૂતને દૂરથી જોઈને જ એણે પૂછ્યું : ચરુ લાવ્યા ? ખેડૂત કહે : ના. વહુ કહે : કેમ ? ખેડૂત કહે : ચરુ ત્યાં હતો જ નહિ. વહુ દુઃખી થઈ ગઈ. ગુસ્સો કરીને બોલી : તમે તો સાવ નકામા જ રહ્યા. ત્યાં તમારા કાકાઓ માટે રહેવા દો એટલે એ લઈ જ જાય ને ! હાય રે ! હું તો કેવા માણસને પરણી છું ! એને કશાનું ભાન જ નથી ! પણ ખેડૂત તો હાથપગ ધોવાના અને જમવાની તૈયારી કરવાના કામમાં પડી ગયો હતો. એને તો શ્રદ્ધા હતી કે જે મારું છે તે કોઈ લઈ લેવાનું નથી અને જે મારું નથી એ લેવાની મારે ઇચ્છા ન કરવી જોઈએ. ખેડૂત તો ચૂપ થઈ ગયો. પણ એ જ વખતે પેલા બે ચોરો પણ એની ને એની વહુની વાત સાંભળતા હતા. ખેડૂત ચૂપ થઈ ગયો, તેથી એમને ગુસ્સો આવી ગયો. એમને થયું કે આ ખેડૂત બહુ ડાહ્યો થાય છે. એને મજા ચખાડવી જ જોઈએ. બંને ચોરો ઘેર ગયા. ચરુ ઉપાડ્યો. લઈને ખેતરને શેઢે મૂકી દીધો. ઢાંકણું સહેજ ઢીલું રાખ્યું. બેય વિચાર કરતા હતા કે હવે જુઓ મઝા ! સવારે ખેડૂત આવશે ત્યારે આખા ખેતરમાં સાપ ઘૂમતા હશે. એકાદ સાપ એને ડંખ મારશે. એ મરી જશે. પણ બીજા દિવસની સવારે ખેડૂત ખેતરે ગયો, ત્યારે એકે સાપ બહાર નીકળ્યો નહોતો. સાપ ચરુનું ઢાંકણું ખોલી શક્યા નહોતા. ખેડૂતે જોયું કે ચરુ પાછો આવી ગયો છે. પણ એની એને નવાઈ ન લાગી. એ મનમાં જ બોલ્યો : ભગવાને ચરુ ઉપાડી લીધો હતો. ભગવાને જ પાછો મૂક્યો છે. એ મારો જ હશે તો કોઈ ઉઠાવી નહિ જાય. એટલે એણે તો આખો દિવસ ખેતર ખેડ્યું. સાંજ પડ્યે પાછો ઘેર ગયો. વહુએ પૂછ્યું : કેમ ? આજુબાજુ ક્યાંય ચરુ પડેલો દેખાયો ? ખેડૂતે કહ્યું : આજુબાજુ શા માટે ? મેં પહેલાં મૂક્યો હતો ત્યાં જ છે. આજે મેં ત્યાં જ પડેલો જોયો. વહુ મૂંઝાઈ ગઈ. એ કહે : અજબ વાતો કરો છો તમે તો ? કાંઈ ગાંડા તો નથી થયા ને ? ચરુ જડે છે, ગુમ થઈ જાય છે, પાછો જડે છે ! કેવી ગાંડીગાંડી વાતો કરો છો ! ખેડૂત કહે : ગાંડી વાત નથી. સાચી વાત કરું છું. વહુ કહે : તો પછી તમે એ ચરુ ઘેર કેમ ન લાવ્યા ? ચરુ પાછો તો આવી જ ગયો છે. એટલે ભગવાને એ આપણા માટે જ મોકલ્યો છે. ખેડૂત કહે : ના. ભગવાન જો એ ચરુ આપણને જ આપવા માગતા હશે તો ચરુ આપણે ઘેર આવી જશે. આ વાત પણ પેલા બે ચોર તો સાંભળતા જ હતા. એમને ગુસ્સો ચડી ગયો. એમણે દાંત કચકચાવ્યા. ખેડૂત પર વેર લેવાની એમણે પ્રતિજ્ઞા કરી. આ ખેડૂત અને એની વહુ આપણને બનાવવા માટે જ આવી વાતો કરે છે. એટલે આપણે એમને પાઠ ભણાવવો જોઈએ. આવો વિચાર કરીને ચોરો દોડ્યા. ખેતરે ગયા. શેઢા પરથી ચરુ લીધો. લાવીને એ ચરુ ખેડૂતની ઝૂંપડીને બારણે જ મૂકી દીધો. એકબીજાને તાળી દેતા અને હસતા-હસતા ચોરો કહેતા હતા : હવે જુઓ મઝા ! હમણાં ખેડૂત ને એની બૈરી ઊઠશે. બારણું ઉઘાડશે. ચરુ જોઈને એ ઉઘાડશે અને સાપ નીકળી પડશે. બેય ચોર એક ખૂણે છુપાઈ ગયા. ખેડૂત અને એની વહુની વલે જોવા ઊભા રહ્યા. વળી સવાર પડી. ખેડૂત અને એની વહુ ઊઠ્યાં. ખેડૂતે ઝૂંપડીનું બારણું ખોલ્યું. જુએ છે તો ઓટલા પર જ પેલો ચરુ પડ્યો છે ! ખેડૂતે બૂમ પાડીને વહુને બોલાવી. વહુ આવી. ચરુ ઉઘાડ્યો. જુએ છે તો અધધધ ! સોનું જ સોનું ! પેલા બંને ચોર આ આખો બનાવ જોઈ રહ્યા હતા. એમને કશું સમજાયું નહિ. એ જતા રહ્યા. આખી જિંદગી બિચારા નવાઈમાં જ જીવ્યા. ખેડૂત તો ધનવાન બની ગયો. પણ એણે મહેનત કરવાનું મૂકી ન દીધું. એથી એનું ધન ઘણું વધ્યું અને એનાં બાળકોએ પણ બહુ સુખમાં જીવન ગાળ્યું.