ગુજરાતી બાળવાર્તા સંપદા/સો ચક્કર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સો ચક્કર

ધીરુબહેન પટેલ

દિવાળીની રજાઓમાં અભય મામાને ઘેર આવ્યો હતો. એના મામા જિતુભાઈ બોરવાંક નામના નાનકડા ગામમાં રહેતા હતા. જિતુભાઈની દીકરી દેવી અને બાજુમાં રહેતા તલખો, મણીઓ, કિશન અને બુધો રોજ સાંજે વાડામાં સાતતાળી રમતાં. કોઈવાર દેવીની બહેનપણીઓ શામલી અને સોના પણ રમવા આવતાં. અભય એક મોબાઈલ ફોન લાવ્યો હતો. નાનો અમથો, ખોબામાં માઈ જાય એવો ગુલાબી રંગનો ફોન. ઘડીએ ઘડીએ તે બટન દબાવીને એના શહેરમાં રહેતા ભાઈબંધો જોડે વાત કર્યા કરતો. એ કહેતો : “અહીં મને ગમતું નથી.” “અહીં કોઈની જોડે રમાય એવું નથી.” “વાત થાય એવું પણ નથી.” “હોટલ નથી. કશું નથી.” એની વાતો સાંભળીને દેવીને ચીડ ચડી. એણે જિતુભાઈને કહ્યું, “બાપુ, અભય પાસેથી પેલું ગુલાબી રમકડું લઈ લો. આખો દિવસ એને ગાલે ચિટકાડીને ફરિયાદ કર્યા કરે છે. અમારી જોડે રમતો નથી. ફરવા આવતો નથી. પછી એને ક્યાંથી ગમે ?” જિતુભાઈએ એમ જ કર્યું. અભયનો હાથ ખેંચીને છોકરાંઓ એને વડ નીચે રમવા લઈ ગયાં. પહેલાં તો એણે ‘મારાં બૂટમોજાં બગડી જશે’, ‘મારાં કપડાં પર ડાઘા પડશે’ એવાં એવાં બહાનાં કાઢીને રમવાની આનાકાની કરી, પણ સાત છોકરાંઓની સામે એનું એકલાનું શું ચાલે ? આખરે એ રમ્યો અને એને બહુ મજા પડી. રમી રમીને થાકી ગયા પછી એ લોકો તળાવડીની ધારે બેઠાં અને વાતો કરવા લાગ્યાં. અભયે પોતાની બડાઈ હાંકવા માંડી : “હું તો માથેરાન જાઉં ને મહાબળેશ્વર જાઉં. ત્યાં સવારી માટે સરસ ઘોડા મળે. ગમે એવો મોટો ને તોફાની ઘોડો હોય તો પણ હું એના પર સવારી કરી શકું. એને દોડાવું - એવો દોડાવું કે એને મોઢે ફીણ વળી જાય !” “અભય ! તને બીક ના લાગે ?” સોનાએ પૂૂછ્યું. “જરાય નહીં.” “તું ગપ્પાં મારે છે. એવા ઘોડાની સવારી નાનાં છોકરાં ના કરી શકે.” શામલીએ કહ્યું. “ખરી વાત !” મણીઓ અને તલખો બોલ્યા. “તમે લોકો મને ઓળખતાં નથી. ચાલો, મારી સામે ગમે એવો જંગલી ઘોડો લાવો અને જુઓ, હું એના પર સવારી કરી શકું છે કે નહીં ?” “એમ ?” “હા, હા - એમ !” “લાગી શરત ?” કિસને પૂછ્યું. “હા - સો સો રૂપિયાની !” અભયે કહ્યું. “રૂપિયાની શરત આપણાથી ના મરાય અભય ! ને સો રૂપિયા તો અમારી પાસે હોય પણ નહીં.” દેવીએ કહ્યું. “ને આ તમારા ગામમાં સારા ઘોડા હશે પણ નહીં.” “બોરવાંક તે કંઈ જેવું તેવું ગામ છે ? અમારા ગામમાં બધું જ છે.” બુધો બોલ્યો. “સારા ઘોડા પણ છે ?” “હાસ્તો ને !” “ક્યાં છે ? મેં તો કશે જોયા નહીં.” “તેં ન જોયું હોય એવું દુનિયામાં ઘણુંબધું હોય.” દેવીએ કહ્યું. “દેવી ! તારા આ બોરવાંકમાં ઘોડા છે ?” “છે અને તે પણ એવા કે, તું સવારી ન કરી શકે.” “કરી શકું.” “ન કરી શકે.” “લાગી શરત ?” “લાગી. પણ રૂપિયાની નહીં. આ તળાવડી ફરતે સો ચક્કર મારવાની.” “કબૂલ. તમારે બધાંએ સો ચક્કર મારવાં પડશે. હું ઘોડા પર બેઠો બેઠો ગણીશ. બરાબર સો ચક્કર ગણીશ.” “હારીશું તો ને ?” “હારશો જ.” “જોયું જશે.” કહી દેવી ઊઠી. તલખો, મણીઓ, કિસન, બુધો, સોના અને શામલી એની સામે ફાટ્યે ડોળે જોઈ રહ્યાં. દેવીએ આવી મોટી શરત મારી દીધી તેથી એ લોકો ગભરાયાં હતાં, કારણ કે એમને ખબર હતી કે અભરામ ગાડીવાળાનો એક અને વખતાજી ઠાકોરનો એક, એમ બધું મળીને બે જ ઘોડા બોરવાંકમાં હતા અને બેમાંથી એકેમાં ઝાઝો ભલીવાર નહોતો. પણ દેવી તો એમની નજરની પરવા કર્યા વગર એના ચોટલાનું ફૂમતું ઉલાળતી આગળ ચાલવા માંડી અને બધાં છોકરાં એની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. અભય એકલો એકલો બડબડતો હતો - ઓહો ! એવા મોટા ઘોડા ગામમાં હોય તો ક્યાંય તો દેખાય ને ? એમને કંઈ બિલાડી કે ગલૂડિયાંની માફક લોકો ઘરમાં ન સંતાડી રાખે. હશે, મારે શું ? હું મારા રાઈડિંગ બૂટ લાવ્યો નથી, પણ એનો કંઈ વાંધો નહીં. લાવજો તમારા ઘોડા, જોજે હું કેવી સવારી કરું છું તે ! દેવીએ એને કંઈ જવાબ ના આપ્યો ને ચાલ્યા કર્યું. ઘેર પહોંચ્યા પછી અભય હાથ-મોં ધોવા અંદર ગયો અને બાકીનાં છોકરાં દેવીને વાડામાં ઘેરી વળ્યાં. “અરે બાપ રે ! દેવી, તેં તો ગજબ કર્યો. ચક્કર મારી મારીને આપણી ઠૂસ નીકળી જશે અને અભય ઘોડા પર બેઠો બેઠો આપણી ટીલ્લી ઉડાવશે.” “હવે એકવાર ઘોડા પર ચડે તો ખરો !” “પણ તું ઘોડો ક્યાંથી લાવીશ ?” “લાવીશ. ચિંતા ના કરો. ઘરે જઈને સૂઈ જાઓ.” દેવી ભલેને કહે, એમ કંઈ ઊંઘ આવે ? બધાં છોકરાંનાં મોં પડી ગયાં ને પેટમાં ગોળા વળવા લાગ્યા. બીજે દિવસે સાંજે માંડ માંડ એ બધાં વડ નીચે પહોંચ્યાં ત્યારે અભય એમની રાહ જોતો હતો. દેવી થોડીવાર પછી આવી. એના હાથમાં પિત્તળનો જાળીવાળો દાબડો હતો. “દેવી ! ખાવાનું લાવી છે ?” શામલીએ પૂૂછ્યું. બીજા કોઈના તો કંઈ પૂછવાના કે ખાવાપીવાના પણ હોશકોશ નહોતા. અભય હસ્યો. એણે બધાંને દમ માર્યો : “હારી ગયાં ને ?” “નથી હાલ્યાં.” “ક્યાં છે તમારો ઘોડો ?” “આ રહ્યો.” કહી દેવીએ દાબડો ખોલ્યો. અંદર એક આંગળી કરતાં જરાક લાંબુ અને એટલું જ જાડું લાંબી પાંખોવાળું લીલા રંગનું જીવડું હતુું. જો આ અમારો તીતીઘોડો છે. એના પર સવારી કરી બતાવ. નહીંતર સો ચક્કર મારવા માંડ.” “અરે ! આ ક્યાં તીતીઘોડો છે ? આ તો જીવડું છે.” ગભરાઈને અભય બોલ્યો. “આનું નામ તીતીઘોડો છે. બોલો જોઈએ બધાં ! આ કોણ છે ?” દેવીએ પૂછ્યું. “તીતીઘોડો ! તીતીઘોડો ! તીતીઘોડો ! તીતીઘોડો ! તીતીઘોડો !” એકસામટો છયે છોકરાંઓનો અવાજ નીકળ્યો. “ચાલ, કર સવારી !” “અરે, પણ એ કેમ બને ? આના ઉપર તો હું કેવી રીતે ચડું ?” “તો ચક્કર મારવા માંડ.” અભય રડવા જેવો થઈ ગયો. માંડ માંડ બોલ્યો, “આવા કંઈ ઘોડા ન હોય.” “અમારા બોરવાંકમાં આવા જ ઘોડા હોય. ચાલ, કર સવારી.” “હું આના પર સવારી ના કરી શકું.” અભયે કહ્યું અને લથડતે પગે તળાવડી તરફ ચાલવા લાગ્યો. એના પર મહેરબાની કરતી હોય એમ દેવી બોલી, “ઊભો રહે, અમારી પાસે એક બીજો ઘોડો પણ છે !” “ક્યાં છે ! ક્યાં છે ?” “એ રહ્યો !” કહી દેવીએ ઘાસમાં ફરતું ભૂખરા અને સફેદ રંગનું ચકલી કરતાં લાંબું અને ઘાટીલું પક્ષી બતાવ્યું, “આ અમારો દિવાળી ઘોડો છે. એના પર ફાવે તો એના પર બેસ. અમે શરત હાર્યાં ને તું શરત જીત્યો.” “આ - આ ઘોડો છે ?” “હા. આ દિવાળીઘોડો છે. દિવાળી ટાંકણે જ આવે ને પછી પરદેશ જતો રહે. બોલ, એના પર ચડવું છે ?” “ના. હું હાર્યો ! સાડી સાતવાર હાર્યો. બાપ રે ! ગજબ તમારું બોરવાંક ગામ ને ગજબ તમારા ઘોડા - એક તીતીઘોડો ને બીજો દિવાળીઘોડો - મારે તો અહીં રહેવું જ નથી ને ! હું તો કાલે ને કાલે મુંબઈ જતો રહીશ.” કહી અભયે ચક્કર મારવાની શરૂઆત કરી. “રહેવા દે અભય ! કોઈ હાર્યું નથી ને કોઈ જીત્યું નથી. તને અમે કંઈ જવા દેવાનાં નથી. હવે તો આપણે સાથે હરીશું, ફરીશું, રમીશું ને મઝા કરીશું. તું મોટી મોટી ડીંગ મારતો હતો એટલે અમે તને બનાવ્યો, બાકી અમેય જાણીએ છીએ કે આ કંઈ ઘોડા નથી. એક જીવડું છે ને એક પંખી છે. પણ એમનાં નામ કેવાં છે ?” “તીતીઘોડો ને દિવાળીઘોડો !” કહીને અભય હસી પડ્યો. એ ગાવા લાગ્યો - “તીતીતીતી ઘોડા ગુણ તારા નહીં થોડા લીલું પલાણ ને લીલી તારી પાંખ તને જોતાં થાકે નહીં મારી આ આંખ !”