ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘એક ઈજન’ - ભૂપેશ અધ્વર્યુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪. એક ઈજન □ ભૂપેશ અધ્વર્યુ



ભૂપ, મને લાગી તારી પ્યાસ — એને માણું.
તપ્ત મારો કંઠ તારા કાનનાં કમાડ પરે પટકાતો રોજ
આજ ચરમવ્યાકુલ બની તુમુલ મચ્યો છે
તને એનું નથી ભાન, નથી જાણ — એને માણું.
ભૂપ, મારાં તંન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ.
આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ.
પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
એવો ઘૂમશે અવાજ,
થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…
ઘૂમશે અવાજ મારો — ભૂપ, મારાં તંન, મારાં બાળ, રે નયન મારાં, આવ.
એવો ઘૂમશે અવાજ ત્યારે ચકળવકળ તારું બ્હાવરું શું તાકવા-ફંફોસવાના
મૂંઝારાને કેટલાયે જુગથી હું માણતી રહી છું.
એને જાણવા છતાં મેં કદી જોયું નથી.
એને જોઈ, માણવાની લાગી મને પ્યાસ — એને માણું.
સ્મિત નહીં, ચુંબનથી મત્ત બન્યા ઓષ્ઠે નહીં,
મૂછિર્ત ન નૈન કે ન વિશ્રંભની ગોઠ,
નહીં આશ્લેષે આશ્લેષે બેય બદ્ધ દેહ, મૈથુન ન.
અક્ષતયોનિ રે હું તો રજસ્વલા નારી, મારી અનાઘ્રાત કાય,
આજન્મ આજન્મ મારી અનાઘ્રત કાય.
રજસ્વલા નારી. મારી અનાઘ્રાત કાય તણી પોયણીની માંય હલે હવા
ને પરાગ ઊડે એકાંતને પ્રાન્ત.
આવ આવ આવ, મને લાગી તારી પ્યાસ, ભૂપ, આવ.
ભૂપ, મારા કાલાઘેલા મૂરખ રે બાળ,
મારા જન્મતાંની વેંત પછી ત્રિવલ્લીથી વીંટળાયા ગર્ભસ્થલે શુક્રના ભ્રમણ થકી
પ્રારંભાયો તાહરો નિવાસ — એને સ્મરું.
સ્મરું? સ્મરું? સ્મરું ક્યાંથી? ઉદરના અવકાશે હજુયે તું
ફરક્યા કરે છે કૂણું.
હજુયે હજુયે મને ખાટું ખાટું ભાવે અને વમન ને દોહદની ડમરીઓ છૂટે
અને માસ પછી માસ પછી માસ એમ નવને કે આઠને કે કોઈકે ટકોરે
ફૂટે વેણ, વેણ વેણ વેણ — પ્રસવની ચીસ.
તપ્ત મારો કંઠ — છોડ્યા નીવીબંધ, છોડ્યા.
ફીણ ફીણ ફીણ ફીણ — તોફાની હલ્લેસે જોડ્યાં બાવડાં ને ડાબલા
ને પ્રસવની ચીસ.
ભૂપ… ચીસ… ભૂપ… ચીસ… તારા કાનનાં કમાડ કેરા તૂટશે મિજાગરા.
આવ, ઊંવાં ઊંવા, મારા લાલ.
ટકોરે ટકોરે બોલે ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ એવી મારી તામ્રકાય.
સૂરજે તપેલ લાલચોળ મારી ફફળતી કાય.
છાતીમાં છવીલ્લ બની ઊનાં ઊનાં ઊકળે છે દૂધ.
આવ, મારાં ભૂરિયાં ગલૂડિયાં, તું ચસ્ ચસ્ આવ.
તારાં અયનની વાટે વાટે આંખ મારી ઘૂમી.
તારા ભ્રમણનાં પગલે પગલે મારો કંઠ તારા કાનનાં કમાડ પરે
પટકતો રોજ હવે તોડશે કમાડ — એને માણું.
નમાયો નબાપો કહી શેરી વચ્ચે છોકરાંઓ હસ્યાં તને, હડદોલા દીધા તને
— જોતી હતી.
બાવાએ ઉપાડી તને ગામ-પરગામ કરી, ચીપિયો તપાવી દીધા ડામ —
બધું જોતી હતી.
જોતી હતી — સપરાએ પીટ્યો તને, રાજાએ દંડ્યો છે તને,
મદારીએ ડસાવ્યા છે નાગ.
તારાં જીંથરાં ને ચીંથરાંથી ખાવા ધાય કૂતરાં.
બળબળ બપોરે તું બંધ સૂતાં ઘરો વચ્ચે દોડતાંક ઠોકરાતાં ગડથોલું ખાય
— મેં એ જોયું હતું.
જોયું’તું, જોયું’તું મારા પૂત, તારા વ્રણે વ્રણે આંખ મારી ઝૂકી ઝૂકી
પસવારી પસવારી પોઢાડતી તને.
તારા ઊંહકારે, પલકારે, ઝબકારે આંખ મારી ઝળૂંબી ઝળૂંબી
કેવું ઘૂમતી’તી?
આંખ મારી ભ્રમર બનીને તારા ઘનઘોર કેશે… તને નથી કશી યાદ,
મારા ભૂપ, જે તું શાહ સોદાગર, વેચે લાખોના તોખાર.
અકીક, નીલમ, મોતી, પોખરાજ, મલમલી ગાલીચા કે ચીનાંશુક નીલાંબર
તણી પોઠ ફર્યા કરે, ઢળ્યા કરે.
એક દ્યૂતના પાસામાં બધું ફોક અને ગામ-પરગામ ચાલી પેદલની ખેપ.
ક્યાંક વન કે વેરાનમાં ઉજાગરા ને વનેચરો સૂંઘી સૂંઘી ચાલ્યાં જાય,
આભના તારાઓ બધા આંખમાં સમાય.
અને ભટકતાં ભટકતાં કિલ્લાનાં કમાડ આવ્યાં રાજદરબાર,
દીધી મૃદંગપે થાપ તાતા થૈ તાતા થૈ.
ડોલે આખો દરબાર, કીધા રાજાને જુહાર, મોટા મળ્યા અકરામ.
એક ષોડશીનાં નયનનાં બાણ અને ફોક્ બધું ફોક્.
કોઈ ભિખ્ખુનો અવાજ બની ગામ-પરગામ ફરી ગામ-પરગામ.
ફેંદ્યા મલ્લના અખાડા, કર્યા નૈયાયિકો-મીમાંસકો સાથે કંઈ વાદ ને વિવાદ.
ક્યાંક કવિ બની ગાઈ લીધાં બંદીગાન,
ચતુર્થ ચરણ રચી પૂર્તિ કાજ ફરી વળ્યો
પણ —
ક્યાંક મૃદંગપે એક તાલ ચૂક્યો કે વિવાદમાં પ્રમાણ બધાં
હાજરાહજૂર છતાં એક પળ સાવ શૂન્ય, ભ્રાન્ત, અન્યમનસ્ક,
‘લે જીત તારી’ — કરી ઊઠ્યો,
સોપાનવિથિકા બધી ઠેકતાંક દોડ્યો અને ધબ્?
લાલચોળ આંખ વચે આભના તારાઓ બધા આથમતા
એક એક એક બસ એક એવું ખૂંચ્યો તને,
ડળક ડળક આંસુ થઈ તને ખૂંચ્યો ક્યાંક, એવું તને થયું નથી?
પૂનમની રાત અને વાદળીઓ એક પછી એક જે પસાર
એને ગવાક્ષ કે ઉપવન, ઉબડખાબડ કોઈ ઉટજને પ્રાંગણથી
નીરખતાં નીરખતાં
કોઈમાં તને આ ઘેરું મુખ, ઝગ્યા ઓષ્ઠ અને ફીણ ફીણ ઘૂમરાતી
કેશવિચિમાલા અને કુશતૃણ સમી તીણી નાસિકાનો જાગ્યો નહીં ભાસ?
જાગ્યો નહીં ભાસ, તને જાગી નહીં યાદ, મારા ઈશ, મારા ભૂપ,
તારી સમવય માત?
કેશરંગી, કૃશકાય કાગડાઓ ઊડાઊડ કર્યા કરે,
ઘર કેરી ડાળે બેસી, ‘ચીંવી જેવું જરા ઝીણું બોલી પછી વેરી દે હગાર.
વેરી દે હગાર, તને જાગી નથી યાદ, મારા અબૂધ રે બાળ — એને માણું.
ડિમ્ ડિમ્ ડિમ્ ડિમ્ ડિંડિમિક
સપ્ત સપ્ત પાતાળના ઊંડાણેથી પ્રહર પ્રહર વીત્યે પ્રહરીઓ આવ્યે જાય,
ચાલ્યા જાય….
એક વિપળની વાર, પછી ઘૂમશે અવાજ
— તાત, કાયાએ કાયાએ ગૌર કમનીય કમનીય નાર,
તારી સમવય માત, અનાઘ્રાત, આવ.
બધું ફોક્.
‘આવ’ — સુણતાંની વેંત બધું ફોક્, પછી ગામપરગામ, ફોક્, ગામપરગામ.
ક્યાંક ગામ, ક્યાંક ટીંબા, ક્યાંક સૂસવતી રેત, ક્યાંક
વડવાઈ-વેલીગૂંથ્યા દાવાનલ.
અનલની જ્વાલે બધું સ્વાહા, મારાં તંન, મારા અવાજના દીવે તારી દોટ.
એવો ભોમિયો બનીને મારો ઘૂમશે અવાજ,
સ્વાહા તાલ ને વિવાદ, સ્વાહા મૃદંગનિનાદ,
સ્વાહા શ્લોક અને સર્ગ અને મહાકાવ્ય, શતક કે સ્તોત્ર કેરો કવિ સ્વાહા.
મલ્લ ફેંક્યા, દ્યૂત ફેંક્યાં, ફેંક્યાં ફેંક્યાં નીલમ-મોતી
ને બધા વસ્ત્રના આગાર, ઊડ્યા સૈંધવી તોખાર
મુઠ્ઠી વાળી, ભીડી દાંત,
દડબડ દડબડ, એક્કે ના લગામ.
છલ છલ છલ મારો છલકે પોકાર.
ગયાં ગામ, ગયા ટીંબા, ગયાં શામળાં તમાલવન,
શંકુદ્રુમ કામાક્ષીના દેશ રહ્યા પીછે, રહ્યાં પીછે તપોવન.
ઠેક્યા હિમનગ ઠેક્યા, ઠેક્યા સૂસવતા નદ,
ક્યાંક છૂટી ગયાં પાદત્રાણ, ડાળીમાં ઝલાઈ ગયા શિરપેચ,
ઉત્તરીય-અધોવસ્ત્ર લીરા લીરા અને તૂટ્યા કટિબંધ તૂટ્યા.
એક તૂટ્યો ના અવાજ, મારો તૂટે ના અવાજ, એમ તૂટે ના અવાજ,
મારા ઉદરથી પ્રતિક્ષણ પ્રસવ્યો જે જાય એમ તૂટે ના અવાજ.
અને અજસ્ર ગતિનો અહા સ્રોત તું તો તૂટે ના અવાજ
મુખે ફીણ, કેશે ધૂલ અને શ્વાસ જાણે સૂસવતો ગ્રીષ્મનો મધ્યાહ્ન.
બુભૂક્ષા, તૃષા કે શૌચ દૈનંદિન એવું બધું વેર ને વિખેર
અને ઝરડાયાં અંગ પરે લોહી રેબઝેબ રેબઝેબ.
ચારેકોર ધૂલિસ્નાન, પડ્યા પગતલે ચીરા, બસ ગતિ ગતિ ગતિ.
એક વિપલની વાર, મારો છલકે પોકાર, પછી ગતિ ગતિ ગતિ.
મારું ફરકે વામાંગ, મારું ફરકે વામાંગ.
રોમેરોમે રોમાંચનાં આલંગિન આલંગિન, થર થર થર ધ્રૂજે પીપળનું પાંદ.
ગતિ ગતિ ગતિ પછી ઊછળતું ધૂણતું તે વક્ષ અને
ઊંચા ઊંચા પયોધરો શિકર શિકર,
ઘાસલ પ્રસ્વેદ અને ધૂલિભરી વાસ,
કેશે કેશે કેશાયિત, કેશાયિત ફરી વળે ઘ્રાણ,
કટિતટે આંગળીઓ ખૂલે ને બિડાય, ભીંસ કચડ કચડ ભૂજબંધ,
ધધકતો પ્રવાહિત ઉચ્છ્વાસ ચૂમી વળે ગ્રીવા, ઓષ્ઠ, કર્ણમૂલ,
ઉરોજ, કપોલ, નૈન સ્વર ગતિ
કાનમાં વીંઝાય
ધસી ધસી કાનમાં વીંઝાય, અરે, શ્વાસભર્યા, છલોછલ, અધૂકડા,
વેરણછેરણ, થોડા સ્વર ને વ્યંજન —
માંથી મ્હોરી ઊઠે કુસુમિત લતા કેરું નામ, એક નામ, ને હું જાગું.
જાગું ઘેનભર્યું જાગું અને જાગીને તણાઉં.
નિસ્તીર નદીની વચ પુલક-પુલકભર્યા સોમ જેવા નામનો ઉદય,
મારા નામનો ઉદય, આખા નામનો ઉદય અને ઘોષ-પ્રતિઘોષ.
— અને ફૂટતો અવાજ નથી તૂટતો અવાજ
એનો સ્પર્શ થતાંવેંત વીંઝી કેશ, ઘૂમી, તંગમુઠ્ઠી દોડ્યો આવ દોડ્યો આવ
સ્તનંધય મારા, મારી છાતીએ કિલ્લોલ તારો વેર — એને માણું.
બસ ગતિ ગતિ ગતિ
પછી રતિ રતિ રતિ
એક નિશ્રાન્ત નિશ્રાન્ત મચી ચિરવંધ્ય, ચિરંજીવ, ચિરકેલી—
માણું એને માણું.
આવ, આવ રે ભૂપેશ, આવ.

('પ્રથમ સ્નાન')