ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘ગુફાવાસ્ય ઉપનિષદ’ - ઈન્દુ પુવાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૪. ‘ગુફાવાસ્ય ઉપનિષદ’ □ ઈન્દુ પુવાર



ફરક્યું ફરક્યું ફરક્યું કોઈ
એવી બૂમો પાડતો દોડી રહ્યો છું ત્યારે
ગુફાવાસ્ય ઉપનિષદનો રચયિતા અધિષ્ઠાતા નેત્રાસૂર
તું ક્યાં સામે ભટકાય છે ?
છોડી દે છોડી દે મીણની પૂતળી રચવાનું છોડી દે
નેત્રાસુર ! આ લિસ્સાકિસ્સાના પથ્થર થર થર ધ્રૂજે છોડી દે
મેલીવિદ્યાથી પૂતળીનું ઓગાળવું છોડી દે
વિસ્મૃત થતી જતી ઘટનાનાં ગઠબંધન કોઈ કામમાં આવશે નહીં
જે કોઈ ફરકે ફરકવા દે વૃક્ષગંધી માણસના કામમાં આવે એવી
કોઈ વાત કર
હું ભૂલો પડું છું હરવખત. અનુભવું છું મારી સાથે કેવળ
ફરક્યું ફરક્યું ફરક્યું કોઈ હરવખત. ગુફાના ધનયોર અંધારનો
ઘુમ્મટ ગાજ્યા કરે છે હરવખત. મીણની પૂતળીની આંખ ફરકે
છે હરવખત.
હું ઉપરથી છું સખત સખત
નેત્રાસુરે ચશ્માં તો એમ જ ચઢાવ્યાં છે, રચયિતા !
મેં મારી જમીનને તહસનહસ કરવા અણુધડાકો કર્યો છે
ઈચ્છું છું કે મીણની પૂતળીની આંખ ઠરે તો આ દિશામાં ઠરે
વૃક્ષગંધી માણસ, કોન્સિયસ પાણીને કરવાની જરૂર નથી
હુંઉઉઉ હુંઉઉઉ હુંઉઉઉ નામનો પ્રદેશ એમ જ ઋજુ ૠજુ છે
મેઈકઅપરૂમ ખાલી નિમિત્ત માત્ર છે
મેઈક બિલિવની કળામાં મીણની પૂતળી પાવરધી થતી જાય છે
નેત્રાસુરની પૂજાના મંત્રોનો ઉચ્ચાર આકાશ થતો જાય થતો જાય
કંકુ ચોંટાડાય અડધી અડધી ચા પીવાય જૂઈની ગંધમાં મત પ્રમત્ત
થવાય ન થવાય થવાય ન થવાય...
વૃક્ષો ઉપર ગોઠવાયેલાં સિંહાસન
નગરમાંથી દેશનિકાલ થયેલા રાજકુમારની રાહ જુએ છે
હું હમણાં હમણાં હસ્તમેળાપની વીંટીઓથી
વાતાવરણને ગુફાગંધી કરતાં શીખ્યો છું.
મારા ડાબા પગને ચઢતી ખાલી સાથે
કોણ જાણે કયા વૃક્ષને સંબંધ છે ખબર નથી
આમ કહેવાથી મીણની પૂતળી વિસ્ફોટક થતી જાય
નેત્રાસુરની ત્રીજી આંખમાંથી નીકળેલી આગ એમાં ભળતી જાય
વૃક્ષની પ્રીન્ટવાળી સાડીમાં ખીલી લપેટાતી જાય લપેટાતી જાય
કે અચાનક હુંઉઉઉ હુંઉઉઉ હુંઉઉઉ નામનો પ્રદેશ સજીવન થાય
મિત્રો, મેઈક બિલિવની કળામાં સિંહની કેશવાળી ધ્રૂજતી સારી
લિસ્સાકિસ્સાના પથ્થર થર-થર ધ્રૂજે, ધ્રૂજવા દો
હું અપ્સરાને ના, ના, મીણની પૂતળીને નાચતી કરું છું
એની વેણીની સુગંધ ઊંચકીને જીભ પર મૂકું છું ત્યાં-
કરફ્યુપાસ કાલે મળશે અત્યારે યુ આર અન્ડર એરેસ્ટ
એમ બોલી નેત્રાસુર ત્રાટક કરે છે. કાલસર્પયોગ ચાલે છે,
વૃક્ષગંધી માણસ !
ગુફાનાં સત્યો ચણા ચાવે છે તારે માત્ર અડધી ચાથી ચલાવાનું છે
અણુવિસ્ફોટથી મારી જમીનમાં પડેલો ખાડો કહે છે હાલ આટલું
પૂરતું છે
એમ સમજી કીક મારવી હોય તો મારી દે નગરમાંથી દેશનિકાલ થયેલા
રાજકુમારને.
વૃક્ષોના માથે સિંહાસન છે ખાલી છે ડોલે છે
તને કાળો ઘોડો કાળો વેશ ભેટ મળી જશે
તે વખતે નેત્રાસુર મીણની પૂતળીને નવસ્ત્રી કરી
ગુફાવાસ્ય ઉપનિષદના મંત્રોની લ્હાણી કરશે એની આંખમાંથી
નીકળતી આગ અંધારના ઘનઘોર ઘુમ્મટમાં વૃક્ષારોપણ કરી કહેશે
મેઈક બિલિવની કળા+મીણની પૂતળી+અણુવિસ્ફોટ
+જમીનમાં પડતો ખાડો=ચાલો સામે પેલાં છોકરાં
ચાલીસાનો ઘડિયો બોલે છે એમાં જોડાઈ જઈએ——– (૧)
***
અડધી હથેલીવાળી ટચલી આંગળી પાસેની જગ્યામાંથી જોઉં છું
નેત્રાસુરે માથું ધૂણાવ્યું ને પછી નાળિયેર જોશથી મારી દિશામાં ફેંક્યું.
મીણની પૂતળી ! હું છોતે છોતાં ઉખાડી રહ્યો છું
કે પહેલો આવે છે સોને મઢ્યો રત્નજડિત દરવાજો
દરવાજો ઉઘાડ બંધ થયા કરે છે.
ઝગઝગે છે ચગચગે છે ઉઘાડબંધ ઉઘાડબંધ
દરવાજાની અંદર એક રસ્તો હીરામોતી વેરાયેલો જણાય છે
ત્યાર બાદ ત્રિકોણાકારે થાંભલા જ થાંભલા થાંભલા જ થાંભલા
દરેક થાંભલે એક એક ડોકું, આસપાસ અડદના દાણા
ઊછળી રહ્યા છે એની સાથે કાણા કાણા પૈસા ઊડી રહ્યા છે
આ બધું જોતી ડોકાની આંખો ફરકી રહી છે ફરકી રહી છે
ત્રિકોણાકાર થાંભલાઓની બરાબર મધ્યમાં એક મુઠ્ઠી વાળેલો
કાંડા સુધીનો હાથ દેખાય છે, એ છે જાદુનગરીનો જાદુગર
જેવો હવામાં હાથ લાકડી ફેરવે છે કે
તારું પારદર્શકત્વ વધતું જાય છે, મીણની પૂતળી !
એમાં દેખાય છે મને કમળની ઝીણી ઝીણી ફરફરતી ફરફરતી
હેલારા લેતી પાંદડીઓ જ પાંદડીઓ પાંદડીઓ જ પાંદડીઓ
પાણીનો સ્પર્શ થાય છે, મીણની પૂતળી ?
હા. પાણી પાણી પાણી કમળની ઝીણી ઝીણી પાંદડીઓ જ પાંદડીઓ
પાણીના સ્પર્શની સાથે મારું મત્સ્યની આંખ થવું, એ આંખમાં
ઉઘાડબંધ ઉઘાડબંધ થતા રત્નજડિત અપરંપાર દરવાજા થવા
સાથે ધડાક દઈને નાળિયેરનું વધેરાવું.
હું ચાંદીના પતરા પર કોરાયેલા ત્રિકોણિયા યંત્ર પર
ત્રણ કંકુનાં ટપકાં કરું હવામાં ૐ નમો દેવી
મહાદેવ્યૈ નમોનમઃ નું ઉચ્ચારણ ભળતું જાય ભળતું જાય
નેત્રાસુર નેત્રાસુર ! મારે ડામરના રસ્તે જવું નથી
તું મને ત્યાં ખેંચી જઈશ નહીં ત્યાં રસ્તાઓની લેન્થ
હમણાં હમણાંથી વધી ગઈ છે પગમાં હોલબુટોની કૂચોકદમ
તાલબદ્ધ થતી ગઈ છે વધારે
આવામાં મુઠ્ઠી વાળવાનું મહાપાપ હું ક્યાં કરું ?
મીણની પૂતળી, તારી આંખ મારી હથેળીમાં જે રમે છે
એ ક્યાં સુધી સાચવવી મારે, ક્યાં સુધી બોલ ?
બીજો દરવાજો કે જ્યાં કમાડે કમાડે માણસો માણસો માણસો
જડાયેલા છે એ દરવાજો હાથમાં કેમ નથી આવતો, નેત્રાસુર ?
પૂજાના રિચ્યુઅલમાં કેવળ રસ નથી
અહીં તો કશુંક લોખંડી મુઠ્ઠી સાથે હોલ બુટોની કૂચોકદમ જેવું
નક્કર થવું જોઈએ નક્કર, મારું નક્કર હોવું એ કોઈ કારમી
ઘટના થોડી છે તે તું ફાટી આંખે આ બધું જુએ છે, નેત્રાસુર ?
સાચું કહું તો ત્રીજા દરવાજાની કોઈ જરૂર નથી બધે પાણી પાણી
તો છે જ
કમળની પાંદડીઓ લહેરાય છે, તરતા ટાપુની સલામતીનું સિગ્નલ
મેં જાતે જ પાડી દીધું છે, મારું મસ્તક સલામતીના જાપ જપવા
માંડે છે
મીણની પૂતળી આગગાડીમાં પરિવર્તિત થતી જાય છે થતી જાય છે
કે હું એમાં ગાર્ડ થઈને બેસી લીલીઝંડી ફરકાવવા માંડું છું.
હથેલીની ટચલી આંગળી પાસેના ભાગમાંથી જ જોવાય
એ જોવાથી માણસો માણસો જડેલાં કમાડ કે જે ખોવાયાં છે
થાંભલે થાંભલે ઊભેલાં ડોકાં કે જે રિસાયાં છે એ મળી જાય
તોય ઘણું.
પછી એક નહીં એકસો એક નાળિયેર આપણે જાતે જ ઉછાળી
જાતે જ વધેરીશું, મીણની પૂતળી !
જો કે નેત્રાસુરની કીકીમાં લોખંડી ખીલીએ માથું ઊંચકવા માંડ્યું છે
ભલે પછી જે થવું હોય તે થાય.
ચાલો જાદુઈ નગરીમાંથી ચાલવા માંડીએ
ક્યાંક આખું કમળ ભટકાઈ જાય !
બાકી તારું વધવું ઘટવું અટકવું બટકવું કે ભટકવું
આ બધું મારું ભાથું છે ભાથું મીણની પૂતળી !
પેલી ત્રણ દરવાજાવાળી વાત તો ત્રાટક હતી ત્રાટક
છતાં કહી દઉં કે અંધકારને આંખે વળગાડવો પછી એ અંધકારનું
ડોકું થવું ડોકાની સામે મુઠ્ઠી તકાવી મુઠ્ઠીમાં દરવાજાનું ઉધાડબંઘ થવું
એમાં મારું હરતું ફરતું હરતું ફરતું થવું....
નેત્રાસુર ! અડદનાં પૂતળાં મંતરવાથી હું હીરામોતી
થઈ ચમકતો હોઉં તો વૃક્ષો વૃક્ષો જેવું કૂદી લેવામાં
મને કશો કશો વાંધો નથી.
ચાલો, હાલ મીણની પૂતળીના તથ્યમાંથી તેલ કાઢી જોઈએ
નીકળે તો ઠીક છે નહીંતર ડોકાનગરીમાં જઈ બુંગિયો ફૂંકી દઈએ
ને કમળનગરી રચવાની શરૂઆત કરીએએએએ… ————(૨)
***
એક વખત એક વખત એક વખત
હું બેઠો હતો નદીના કિનારે
નદીના ધસમસતા પ્રવાહમાં
એક મોતી એક મોતી એક મોતી
તણાતું ગોથાં ખાતું ખખડતું આવતું આવતું જણાતું
મારામાં એક એક એક વીજળીનો ગોળો સળગતો સળગતો સળગતો
એક વખત એક વખત એક વખત
સાચેસાચું કહું
કેટલાક દિવસોથી મને એમ થાય છે કે
મારું આમ હાલતાંચાલતાં વીજળીનો ગોળો થવું
કે પછી મારું હાલતીચાલતી જૂઈની વેલ થવું
અથવા આકાશના નામે સિંહસ્થ સૂર્યનો ગોળો થવું
મારે મારામાં જ મારો આખો ઈતિહાસ ઊથલપાથલ થતો જોવો
મારે મારી જાતે જ મારો માયાવી મહેલ રચવો
પછી એનો એકેએક ખંડ તપાસવો
પાયાથી માંડી ટીવી બુસ્ટર સુધીના રસ્તે ઘૂમી વળી
પ્રોસેસની એકએક ઈંટ જુદી તારવવી
મને ખબર છે. નેત્રાસુર, તે મીણની પૂતળીની રચના કરવામાં
માયાવી મહેલ રચ્યો ને પછી માયાવી માણસો. તારું
તાટસ્થ્ય કોઈને પણ આકર્ષં એવું છે. રચેલી મીણની પૂતળીનું
મસ્તક કાપી માયાવી મહેલમાં લટકાવવું, એમાંથી ટપકતા
લોહીમાંથી મોતી સર્જવા ને માયાવી માણસોને મીણની લાલ લીલી
જાંબલી માંખોમાં પરિવર્તિત કરી થાંભલેથાંભલે ચોંટાડી દેવાં. પોતાની
બિલ્લી આંખોથી નગરને શ્વાસમાં ભરી વીજળીના થાંભલામાં ગોળો થઈ
સ્વયમ્ પ્રકાશ્યા કરવું....
હું સ્વયમ્ જાતે જ મારા પાયામાં હરણની કાળને દાટું છું
મારે જાતે જ મીણની પૂતળીનાં સત્યો સાથે ચોપાટ ખેલી લેવી છે
દરિયાના નામે હાલાકડોલક નાવને ક્યાં સુધી ગાળો ભાંડવી મારે ?
હું પૃથું છું પૃથ્વી મારું સામ્રાજ્ય છે.
મીણની પૂતળી ! તારામાં સર્જાયેલી ટેકરીઓમાં
છૂપાછૂપીની રમતમાં મારું આ ઓગળવું
તારામાં વહેતી નદીમાં મારું મોતી થઈ આમ ખખડવું
ફૂલોના વનમાં ઊંઘા સૂર્યના સિંહસ્થ ગોળાના ઊંધા
પ્રકાશમાં પ્રકાશનું વૃક્ષ થવું_
મારી ઈચ્છાને મીણની પાંખો લાગેલી છે
ફિલમ ટેક્નોલોજી આટલે સુધી ખેંચી લાવશે મને ખબર ન હતી
મને હમેશાં શોટને રિવાઈવ કરવાનો લગભગ અભ્યાસ થઈ ગયો છે
કેમેરાની લેન્સીટીવિટિમાં મારું બી રોપાઈ ગયું છે.
નેત્રાસુર, નેત્રાસુર માયાવી મહેલમાં માયાવી દર્પણોમાં માયાવી
પ્રતિબિંબો
મીણની પૂતળીના અણુએ અણુનું વિસ્ફોટિત થવું
મીણની લાલ લીલી જાંબલી માખોનું ઊડતા થવું
મને મારો લીલો રંગ પાછો આપી દે, માયાવી !
શૃંગારનાં સાત પગથિયાં પછી તારે ચડવાં હોય તો ચડ
મને વાંધો નથી, તને એટલી ખબર તો હોવી જોઈએ કે
ધડાકાને ઢાંકણ સાથે હોઈ હોઈને કયો સંબંધ હોઈ શકે ?
જાળ ગૂંથાતી જાળ ગૂંથાતી જાય જાય જાય જાય
કબૂતરોનું એક ટોળું જાય જાય જાય જાય
એક ધડાકો એક ધડાકો થાય થાય થાય થાય
આ તો રણને કૂંડાળાં કરવાની ટેવ પડી ગઈ છે એટલે
બાકી આસોપાલવના પાને પાને મીણની પૂતળી લીલુંછમ હસતી
અમે દસ કબૂતરોની માયા રે
અમે ડોકે દઈએ તાળાં રે જેવું ફરફરતી હરણને ઓળખ્યા કરે છે.
મીણની પૂતળી ! તારી શાહી સવારીનાં બે પીંછાંમાં
એક પીંછું મારુંય રાખજે
હું માયાવી માણસનો ભાગ ખરો જ ખરો
પણ અત્યારે સૂર્યના સિંહસ્થ ગોળા પર મારો હાથ છે
નેત્રાસુર ! તેથી મને તારી માયાવી નગરીમાં માયાવી મહેલમાં
ને માયાવી માણસોમાં રસ પડયો છે.
સળગતા વીજળી ગોળામાં હું માયાન્મુખ થઈ
સિંહસ્થ થતો થતો મારી કૂચોકદમ નિહાળું છું, સલામી ઝીલું છું
બ્યૂગલોના નાદ સાથે અણુધડાકાની આજ્ઞા આપું છું-
ધડાકાની સાથે મીણની પૂતળીનું અદૃશ્ય થવું
નેત્રાસુરનું અંધ થવું
મારું છૂટાંછવાયાં બીમાં રોપાવું
એ ઘટનાની સાક્ષી સાથે આજે મોતી પરોવ્યા કરું છું
મોતી પરોવ્યા કરું છું
નદી છે તો મોતી છે મોતી છે તો માયા છે માયા છે તો ગોળો
છે ગોળાની રૂએ વીજળી છે
એને અકસ્માત ગણી નદીને વહેતી રાખવી હોય તો મીણની
પૂતળીના મસ્તકમાંથી ટપકતું લોહી
ટપકવાની રાહ જોઈને ઊભું છે ટપકવાની રાહ જોઈને ઊભું છે
ટપકવાની.... —————(૩)
ડોકામાં ડોકું એમાં બીજાં અનેકાનેક ડોકાં ડોકાં ડોકાં
એ ડોકામાં મેઘરંગી લીલુંછમ ડૂસકું, હરતુંકરતું
અમળાતું ચમળાતું ખાતું પીતું ઊંઘતું જાગતું નાચતું કૂદતું—
મીણની પૂતળી ! તેં તારામાં ઊંડામાં ઊંડે જોયું છે કદી ?
હા, હું જોવા પ્રયત્ન કરું છું ત્યારે એમાં હું જ નટ બની
મારી ભૂમિકા ભજવતાં ભજવતાં ઈમ્પ્રોવાઈઝ થતો જાઉ છું.
હું પ્લે કરું છું મારી સાથે.
સમયને શણગારી વધેરવા માટે મીણની પૂતળી
તને મુખ્ય રંગભૂમિ બનાવી બલિદાની બકરાની અદાથી
નેત્રાસુર હાથમાં ખડગ લઈને ઊભો છે.
નદીના વહેતા પાણીનો રંગ મેં નિરખ્યો છે હરપળે જુદો
સૂર્યાસ્ત વેળાએ અદ્ભુત ભૂરો ગાઢ લીલો જાંબલી
બરાબર આ સમયે ટેકરીઓને મારી આંખોનો રંગ મળે છે
માછલી મારી સાથળમાં છેલ્લા કેટલાક સમયથી હર્યાફર્યા કરે છે
મારી સાથળ ચીરીને હું તને બહાર કાઢું છું, મીણની પૂતળી !
સજ્જનો અને સન્નારીઓ !
આજે આ નાટકમાં નેત્રાસુર, મીણની પૂતળી ને હું મુખ્ય મુખ્ય
ભૂમિકાઓ ભજવીએ છીએ. પ્રકાશનું એવું આયોજન કરો કે
જેથી ત્રણમાંથી બધું એક એક થઈ જાય. અમારા સંનિવેશમાં
નાટક ઓગળી જાય. નટ ઓગળી જાય. બધું મીણ પીગળતું
જાય જાય
હું નટ છું સાહેબો, હરપળે પળે પળે
વૃક્ષ વાહન ખાનગી ખાલીપો માલીપો બનું બનું
માણસમાં માણસ એમાં માણસ હું હું હું જ બનું ઘૂમું
તોય કહી દઉં કે હું પ્લે કરું છું ઈમ્પ્રોવાઈઝ થતો થતો
મારી સાથળો પર તું બેઠી છે મીણની પૂતળી, તારી પાછળ
હું દીવાલ અવકાશ વૃક્ષ વાહન ખાનગી ખાલીપો માલીપો
નેત્રાસુર ! તેં અમૃતકુંભો મોંઢ માંડયા છે ઘટાક ઘટાક પી
બસ પીવા માંડ પછી જો તારું કાપાલિકપણું ક્યાં ક્યાં
ચિચિયારિયો પાડે છે તે
મીણની પૂતળીનું મેઘરંગી લીલુંછમ ડૂસકું-
મારી માન્યતાઓનો લીલોછમ બાકી ઈતિહાસ, મારા બબ્બે કાળ
સાથે જ બેઠા બેઠા લીલા ચણાનો ઓળો ફોલી રહ્યા છે.
દિવસ સ્થળ મકાન મારગ યાદ રાખવાથી
વૃક્ષ વાહન ખાનગી ખાલીપો માલીપો આ બધાનો
નાનો લીલોછમ છોડ થઈ શકતો હોય તો માઈમ મારે
એનું જ કરવું છે, નેત્રાસુર, એનું જ !
નટ થયા પછી પ્રકાશનો પ્લેસનો કોમ્પોઝીશનનો ખ્યાલ રાખવો
પડે છે
મીણની પૂતળી હવેલીમાં હાથણી ઊભી રાખ્યા પછી શણગારેલા સમયને
સૂંઢે બેસાડી દઈએ ને ક્લોઝઅપમાં હું મેઘરંગી લીલાછમ ડૂસકામાં
દેખાઈ શકું તોય ભયો ભયો
હાથણીની આંખો એમ જ પાણીનો
અનુભવ કરતી હોય છે ટેકરીઓનો રંગ એમ જ એમ જ ભીનો.
થતો હોય છે મારો એમ જ એમ જ અનુભવ શ્વાસ ફૂલાવી સાંકળો
તોડી નાખે ત્યારે તું તાળી એમ જ એમ જ વગાડીશ તોય ઘણું,
મીણની પૂતળી !
નેત્રાસુર ! એમ જ એમ જ જાંઘો ચીરાય એમ જ એમ જ માછલી
હરતીફરતી
થાય તારાથી મારાથી મીણની પૂતળીથી એમ જ એમ જ ભેગું
થવાય એમ જ
એમ જ પાણી થવાય એમ જ એમ જ શણગાર થવાય એમ જ
એમ જ વધેરાવાય
લોહીનું વહેવું એનું નામ જ સમય છે
મેઘરંગી લીલુંછમ ડૂસકું પોતાના મુગટમાં ખોસી સમય નામે એક
કાપાલિક નગરની સડકો પર દોડયા કરે છે એમ જ એમ જ-
ત્યારે હું પ્લે કરતો કરતો લીલોછમ છોડ થઈ લીલા ચણાનો ઓળો
ફોલવાનું માઈમ કરતો કરતો સ્ટેજમાં ખોડાતો જાઉ છું એમ
જ એમ જ.
હા ગઈકાલે અને આજે અનુભવ નામે એક હાથ હાથણીને પાણીમાં
ક્રીડા સારુ નિમંત્રી સીમાચિહ્નથી એક ટાપુ સર્જતો જાય છે હું
નદીના પાણીના રંગોની મૂક સાક્ષીએ લથબથ લથબથ માછલી માછલી
ગંધાતો ગંધાતો ટાપુ ઉપરના પ્રથમ મનુષ્યનું બહુમાન પ્રાપ્ત કરું છું.
રોમાંચ નામે નગરને હાથ અડકાડી પાછા અવાતું હોય રોજ
તો રોજ રોજ ઈમ્પ્રોવાઈઝ થવામાં કશો વાંધો નથી કશો વાંધો નથી. -(૪)
સ્ટેજ પર ઘોર અંધારું, એક સ્પોટ પર પ્રકાશનું કૂંડાળું
કૂંડાળામાં માણસ એક ચોક્કસ પ્રકારની અભિનયયુક્ત મુખમુદ્રા સાથે
બે હાથના હવામાં ઊભા થતા હાવભાવ અચાનક સ્પોટ લાઈટનું
ઝગઝગવું
એની સાથે માણસનું એકમાંથી અનેકરૂપી થવું અનેકાનેક આકારો
મીણની પૂતળીઓ નેત્રાસુરો, બંધ કરો, ભઈ, બંધ કરોના નારા
ઈમોશનલી બ્લેક મેઈલીંગના વાયદા કાળા કાયદા..
મેં નેત્રાસુરને મીણની પૂતળીના ભાષ્ય વિશે અર્થ પૂછ્યો;
તત્ત્વજ્ઞાનના પાટિયા પર બેઠેલાં કબૂતરોની કામક્રીડા ભૂગર્ભવાસી
જ્વાળામુખીને કહેતી હતી-
abolish the drama, stage theatre, yes whole
media, whole media, abolish me...abolish
abolish...
લોહીમાં મ્હેંકું છું, નેત્રાસુર !
હું એક લહેરાતા ચંપા સરોવરમાં હંસોની હારમાં
હેરાફેરી કરું છું તાલબદ્ધ તાલબદ્ધ, શ્વેતરંગી ચાંચલ્યની
ચાંચમાં દાણો થઈને દબાઈને બેઠો છું હું શ્વેત આરસિયો મહેલ
પાંખોના ફફડાટને વધાવું છું નવલખિયા મોતીના ભર્યા ભર્યા થાળથી.
But abolish the drama...abolish me...abolish...
સાચું માનીશ, નેત્રાસુર ?
કરોળિયો આજે મારી આંગળીએ વળગ્યો હતો.
-આછો રેશમિયો શ્વેતરંગી ઝલમલ ઝલમલ તાંતણો
લોહીમાં રેશમિયો રેશમિયો અનુભવ, હંસોની
આંખોનું ગલીપચી કરતું સેન્શેસન
મીણની પૂતળી !
તને સરસ સરસ શ્વેતરંગી આંખો ફૂટી છે એની બે લખોટી
કીકીઓમાં રેશમનાં વન ઊગ્યાં છે વન વન વન વન વન વન
રેશમની દોરીએ બાંધ્યા હેલ્લારામાં હું હેલ્લારા લેતો લેતો લેતો
કરોળિયો મોઢામાંથી નીકળતી લાળમાંથી ઘર બાંધી
ઈમોશ્નલી બ્લેક મેઈલીંગનું કામ કરે છે. એના છ પગ
નાટકના જન્મજાત મૂળમાં ઘા કરતા કરતા છદ્મવેશી
રિહર્સલમાં મગ્ન થતા થતા કહેતા કહેતા...
I want to conceive you!
Yes, want to conceive you!
નેત્રાસુર નેત્રાસુર લહેરાતા લહેરાતા ચંપા સરોવરમાં
સફેદ હંસોની હારની હેરાફેરીનો એક હેલ્લારો
એમાં એક કમળ, કમળમાં રેશમનું વન
સરસ મજાની અધખૂલી છીપ બંધ ઉઘાડ બંધ ઉઘાડ
શ્વેત શ્વેત આરસિયા મહેલમાં દંતકથા મૃત્યુ પામી છે.
ઈમોશનલી બ્લેક મેઈલીંગના વાયદા ખતમ કાળા કાયદા
abolish the drama, stage, theatre
abolish me...abolish...abolish...
ફૂલોના રંગ પીવાનું પાપ મેં કર્યું હતું એક વખત
આજે આંખમાં છીપ ભૂંસાતી છીપ ભૂંસાતી
હથિયાર વગરના હાથમાં ફેન્ટસી લઈને ઊભો છું
પછાડો પથ્થર પર કે ચારે બાજુ વાતાવરણમાં રોમાંચ નામે નગર
ૠજુ ઋજુ મંદ મંદ મહેકતું ચહેકતું થાય થાય
દંતકથાના મૃત્યુ ઓળા ચારેકોર ફેલાતા ફેલાતા જાય જાય
સૂરજ શ્વેત, ભૂરું ભૂરું આભ શ્વેત, રેશમિયું છે વન પણ શ્વેત
ચંપા સરવરની પાળો શ્વેત, નેત્રાસુર, તારી આંખો શ્વેત
મારું હોવું એ ઘટના શ્વેત ના હોવાની વાર્તા ને મીણની પૂતળી
તારાં આંસુ શ્વેત
મીણની પૂતળી, ઘણી વાર હું દંતકથાને શણગારતો
ગંગા ગંગા બોલી પાણીથી નવડાવતો, ચંપા ચંપા
જેવું લાડ હું લડાવતો, એનાં અંગો મારી આંખો
સૂરજ થઈને મ્હાલતો, શ્વેત શ્વેત આંખોમાં કાળું ટપકું
ફાલતો ફાલતો લીમડો લીમડો થડ એક ને ડાળી અનેક
પત્તે પત્તે દંતકથામાં રેશમ થઈ વણાતો
નેત્રાસુર, કરોળિયાએ મને ખાલી આરસિયો શ્વેત મહેલ બનાવ્યો
જ્વાળામુખીનો ખજાનો સાચવતો સદાયનો પહેરેગીર...
ખાલી મહેલમાં જાળું રચવાનો એક માત્ર સ્વાર્થ
હવે રોજ શ્વેતરંગી આરસિયા મહેલમાંથી એક હાથ બહાર
આવે છે કે-
સૂરજ હચમચતો હચમચતો રોજ રોજ રોજ
જ્વાળામુખીને સજીવન થવાનું આમંત્રણ આપતો રોજ રોજ રોજ
કબૂતરોની કામક્રીડાને અણુધડાકામાં ફેરવતો રોજ રોજ રોજ
મોતી વેરાવાની સંભાવનાને ફૂલ ઊગતું રોજ રોજ રોજ.
રોજ રોજ રોજ લહેરાતાં લહેરાતાં સુકાઈ ગયેલો લીમડો
પોતાના થડની ટોચે મીણની પૂતળીને સળગાવીને બેઠો છે
દંતકથાનો ડાઘ રેલાતો લસરતો ફેલાતો ટપકતો ટપકતો
સરોવર ટપકે, લહેરો ટપકે, ખીલેલું બીડાવા માંડી આછું આછું
કમળ ટપકે, રેશમિયું પેલું વન ટપકે, શ્વેત શ્વેત આરસિયો
મહેલ ટપકે, રોજ રોજ રોજ.
પડદો પડે છે ત્યારે-
શ્વેત આરસિયા મહેલમાં દંતકથાની સમાધિનો સેટ લાગેલો છે
નેત્રાસુર લીલો છોડ થઈને લહેરાય છે. મીણની પૂતળી પ્રકાશનાં
ફૂલોનું વન શણગારી રહી છે. માણસ સમાધિની આગળપાછળ ફરતો
ફરતો ફરતો બોલી રહ્યો છે-
I want to conceive you!
Yes, I want to conceive you, play play play... -(૫)

(‘બે ઉપનિષદો’)