ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનુભવાનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અનુભવાનંદ [ઈ.૧૭મી. સદી ઉત્તરાર્ધ - ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. એમની કૃતિઓમાં મળતી વીગતો મુજબ જૂનાગઢના નાગર. પૂર્વાશ્રમનું નામ ભવાનીદાસ. એ પછી નાથ-ભવાન નામ ધારણ કર્યું. સંન્યસ્ત પછી અનુભવાનંદ. અન્ય ચરિત્રાત્મક-વિવેચનાત્મક સંદર્ભો એમને વડનગરા નાગર ગૃહસ્થ અને સુંદરજી ઘોડા (ઘોડાદ્રા-ઘોડાદરના વતની)ના પુત્ર પણ ગણાવે છે. આ કવિની કૃતિઓ ઈ.૧૭૧૪થી ઈ.૧૭૩૩ સુધીનાં રચનાવર્ષો દેખાડે છે. એ મુજબ એમનો કવનકાળ ૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. પણ રચનાવર્ષોના નિર્દેશવાળી એમની મોટા ભાગની કૃતિઓ સંન્યસ્ત પછીની હોવાથી એમનો જીવનકાળ ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં ખેંચી જઈ શકાય. પૂર્વાવસ્થામાં કવિ નાથ ભવાન શક્તિભક્ત પણ હતા. તે વખતે એમણે, “અંબાઆનનકમળ સોહામણું..” એ શબ્દોથી શરૂ થતો, ખૂબ જાણીતો થયેલો, અંબાનું ચિત્રાત્મક વર્ણન આપતો ને શક્તતંત્ર અનુસાર વિશ્વવ્યાપી ચિન્મયી શક્તિ તરીકે અંબાનું મહિમાગાન કરતો ૪૧ કડીનો ગરબો (મુ.) તથા અન્ય ગરબા, ગરબી અને પદો રચ્યાં છે. આ પૂર્વકાલીન કૃતિઓમાં પણ અધ્યાત્મભાવ ને વૈરાગ્યબોધનું નિરૂપણ તો કવિએ કરેલું જ છે. એમનાં અધ્યાત્મનાં કેટલાંક પદો તથા જ્ઞાનવૈરાગ્યબોધક ૮૭ કડીની કૃતિ ‘બ્રહ્મવિલાસ’ (૨. ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦, ફાગણ વદ ૭, ગુરુવાર; મુ.) ‘નાથ-ભવાન’ છાપ દર્શાવે છે. એથી એ કૃતિઓ સંન્યસ્ત પૂર્વેની હોવાનું અનુમાન થઈ શકે. ઉત્તરોત્તર કવિ અદ્વૈતવિચાર અને વેદાંત-અભ્યાસ તરફ ઢળતા ગયા જણાય છે. સંન્યસ્ત પછીની, ‘અનુભવાનંદ’ છાપ દેખાડતી પદાદિ લઘુકૃતિઓ તેમ જ અનુવાદ કે સારરૂપ લાંબી કૃતિઓ જ્ઞાનમાર્ગી કવિતાનાં લક્ષણો ધરાવે છે. ‘શિવ-ગીતા’ (૨. ઈ.૧૭૩૨/સં. ૧૭૮૮, આસો વદ ૧૧, મંગળવાર; મુ.), ‘બ્રહ્મ-ગીતા’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ સુદ ૧૩, રવિવાર;મુ.) અને વિષ્ણુપદ નામે ઓળખાવાયેલાં અધ્યાત્મ વિષયક પદો (૧૯૬ જેટલાં ગણાવાયેલાંમાંથી ૧૧૯ મુ.) એ અનુભાવનંદની મહત્ત્વની કૃતિઓ છે. ‘શિવ-ગીતા’ વિશે રામને કરેલા તત્ત્વબોધને વિષય કરતી પદ્મપુરાણમાંની શિવગીતાનો અધ્યાયાનુસારી પણ મુક્ત અનુવાદ છે. શિવનો વિભૂતિયોગ, વિશ્વરૂપદર્શન, જીવસ્વરૂપવર્ણન, મુક્તિલક્ષણ, ભક્તિમહિમા આદિ વિશેના ૧૬ અધ્યાયોની આ કૃતિમાં અધ્યાત્મના ગહન-સંકુલ વિષયનું કવિએ ઘણું સરળ અને વિશદ નિરૂપણ કર્યું છે. પ્રાસાનુપ્રાસયુક્ત પદ્ય અને મરહઠ્ઠા છંદના વિનિયોગમાં પણ કવિની વિશેષતા પ્રતીત થાય છે. ‘બ્રહ્મગીતા’ બ્રહ્માએ સર્વ દેવોને કરેલા બ્રહ્મરહસ્યબોધ વિશેના, સ્કંદપુરાણાંતર્ગત વેદાન્તગ્રંથ બ્રહ્મગીતાના બારે અધ્યાયોનો ચોપાઈની ૭૦૦ જેટલી કડીઓમાં અનુભવાનંદે કરેલો સરળ અનુવાદ છે. હિંદી ભાષામાં પણ મળતાં, વિવિધ રાગ-ઢાળોનો વિનિયોગ કરતાં અને હોરી વગેરે કાવ્યસ્વરૂપોમાં વહેતાં અનુભવાનંદનાં પદો ← માં જ્ઞાનમાર્ગી કવિતાધારાના સઘળા વિષયો આલેખાયા છે ને બ્રહ્મતત્ત્વ તથા એના અનુભવનો આનંદ કેટલાંક નવાં દૃષ્ટાંતો-રૂપકોની ને સ્ત્રી-પુરુષ-પ્રણયસંબંધનાં સાદૃશ્યોની મદદથી હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યાં છે. આ ઉપરાંત અદ્વૈતવિષયક ‘વિવેકશિરોમણિ’ (૨. ઈ.૧૭૩૧), ૧૬૨ કડીનો ‘આત્મસ્તવન-છંદ’ (૨. ઈ.૧૭૩૨), ૭૭ કડીનું ‘આત્મ-સ્તવન’ (૨. ઈ.૧૭૩૩), ‘ચાતુરીઓ’ (૨. ઈ.૧૭૩૩/સં. ૧૭૮૯, શ્રાવણ વદ ૧૦, ગુરુવાર), રાધાજીનો, વિમલનો, હવ્યકવ્યનો આદિ ગરબા, ‘બ્રહ્મ-સંહિતા’નો અનુવાદ, ૫૦૪ કડીની કૃષ્ણલીલાવિષયક કૃતિ ‘ભાગવતસાર’, ૪૧ કડીની ‘વિષ્ણુવિચાર’ તથા ‘શ્રીધરી-ગીતા’ એ કૃતિઓ પણ અનુભવાનંદને નામે નોંધાયેલી છે. અનુભવાનંદને નામે નોંધાયેલી ૪૧ કડીની ‘અંબાજીની સ્તુતિ/ચિદ્શક્તિવિલાસ’ (૨. ઈ.૧૭૨૫) એ પૂર્વનિર્દિષ્ટ અંબાજીનો ગરબો હોવા સંભવ છે. અલબત્ત મુદ્રિત કૃતિ રચનાવર્ષ દર્શાવતી નથી. ‘નાથ ભવાન’ને નામે નોંધાયેલી આ કવિની ‘આધ્યાત્મિક-રામાયણ’ (ર.ઈ. ૧૭૪૪/સં. ૧૮૦૦, શ્રાવણ વદ ૧૪, શનિવાર) તથા ૨૮ કડીની ‘રામગીતા’ એ કૃતિઓ પણ મળે છે. આ સિવાયની, નાથ ભાવન/અનુભવાનંદને નામે કેટલાક સંદર્ભોએ દર્શાવેલી, પદાદિ થોડીક મુદ્રિત કૃતિઓ અન્ય કવિઓની છે. જુઓ ‘ભવાન’, ‘નાથજી.’ કૃતિ : ૧. જ્ઞાનગંગોદક અનુભવાનંદનાં પદો, સં. સુરેશ જોષી, ઈ.૧૯૭૭ (+સં); ૨. બ્રહ્મગીતા, પ્ર. આદિતરામ સ. પારધી, ઈ.૧૯૦૬;  ૩. પ્રાકાસુધા : ૨;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨ ઈ.૧૮૯૨ - ‘શિવગીતા’; ૫. સાહિત્ય, એપ્રિલ-ઑક્ટો. ૧૯૧૬ - ‘અંબાઆનનનો ગરબો,’ સં. મોતીલાલ ૨. ઘોડા; ૬. સત્સંદેશ, ડિસે. ૧૯૫૨ - ‘અંબામાતાજીનો ગરબો.’ સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. ગૂહાયાદી; ૭. ગુહિવાણી; ૮. ડિકૅટલા(૧૧૨)ગબીજે; ૯. નચિકેતા-, દેવત્ત જોશી; ૧૦. પ્રાકકૃતિઓ, ૧૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૨. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૧૩. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦ - ‘જૂનાગઢના ભક્ત કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી’, મોતીલાલ ૨. ઘોડા.  ૧૪. ફૉહનામાવલિ.[ર.સો. શ્ર.ત્રિ.]