ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આધાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આધાર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] :  ભરૂચના ખેડાવાળ બ્રાહ્મણ, અવટંકે દવે અને કડુજીના પુત્ર હોવાનું નોંધાયું છે, પરંતુ કૃતિઓમાં ‘આધારભટ’ એટલી જ નામછાપ મળે છે. ઈ.૧૬૬૪માં રચાયેલા વીરજીના ‘સુરેખાહરણ’ની ઈ.૧૬૯૮ની પ્રતમાં એમનું નામ દાખલ થયેલું જોવા મળે છે, તેથી એ ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માની શકાય. એમને નામે મળતી કૃતિઓમાંથી ‘સુરેખાહરણ’ મૂળ વીરજીની અને ‘શામળશાનો વિવાહ’(મુ.) મૂળ હરિદાસની કૃતિ છે. આધારભટનું કર્તૃત્વ ગણાય એવું એમાં કશું જણાતું નથી. ‘શામળશાનો વિવાહ’ની ર. ઈ.૧૬૭૦(સં. ૧૭૨૬, કારતક સુદ ૧) નોંધાયેલી મળે છે, પરંતુ મુદ્રિત પાઠનો એને ટેકો નથી. આધારભટ વ્યવસાયે કથાકાર હશે ને તેથી આ કૃતિઓમાં પોતાનું નામ દાખલ કરી દીધું હશે એવા તર્કને પૂરો અવકાશ છે, પરંતુ એમને નામે નોંધાયેલી નરસિંહ મહેતાને થયેલાં રાસલીલાના દર્શનને વર્ણવતી ‘નરસિંહ મહેતાની ‘રાસપંચાધ્યાયી’માં અન્ય કોઈ કવિનું કર્તૃત્વ હોવાનું નિર્ણીત કરી શકાય તેમ નથી. કૃતિ : ૧ નરસૈં મહેતાનું આખ્યાન, સં. હીરાલાલ ત્રિ. પારેખ, ઈ.૧૯૨૩(+સં.); ૨. બૃકાદોહન : ૮(+સં.). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]