ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષિવર્ધન(સૂરિ)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઋષિવર્ધન(સૂરિ) [ઈ.૧૪૫૬માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. જયકીર્તિસૂરિના શિષ્ય. હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’ પર આધારિત દુહા, ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવદંતીચરિત-રાસ ←/નલરાજ-ચુપાઈ/નલપંચભવ-રાસ’ (ર. ઈ.૧૪૫૬; મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર બને છે. તેમની પાસેથી ‘જિનેન્દ્રાતિશય-પંચાશિકા’ નામે સંસ્કૃત રચના પણ મળે છે. કૃતિ : ૧. *(ઋષિવર્ધનસૂરિકૃત) નલરાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ બેન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૧ (+સં.). સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૧,૩(૧).[શ્ર.ત્રિ.]