ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અંબડવિદ્યાધર-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘અંબડવિદ્યાધર-રાસ’ [ર. ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, કારતક સુદ ૧૩] : મંગલમાણિક્યે પોતાની ગુરુપરંપરાના મુનિરત્નસૂરિની મૂળ ગદ્યપદ્યમય સંસ્કૃત કૃતિ ‘અંબડ-ચરિત્ર’ના અનુવાદ રૂપે રચેલી ૨૨૪૧ કડીની આ કૃતિ(મુ.) ૭ આદેશો[ખંડો]માં વહેંચાયેલી છે. મુખ્યત્વે ચોપાઈબંધનો ઉપયોગ કરતી આ કૃતિમાં દુહા અને વસ્તુ છંદનો પણ ઉપયોગ થયો છે. આ કૃતિમાં અત્યંત ગરીબ દશામાં ફરતા અંબડને ગોરખયોગિનીના આશીર્વાદથી કેવી રીતે મોટું રાજ્ય, ધન અને ૩૨ પત્નીઓ મળે છે તેની અદ્ભુતરસિક કથા રજૂ થયેલી છે. પૂર્વ દિશામાંથી ગુણવર્ધન નામના વાડીમાંથી પાકું શતશર્કરા ફળ લાવવું - જેવી ગોરખયોગિનીની ૭ આજ્ઞા અંબડ કેવી રીતે પાર પાડે છે તેનું વૃત્તાંત ૭ આદેશોમાં આપવામાં આવ્યું છે. આ આજ્ઞાઓ પાર પાડતાં અંબડ અનેક ચમત્કારિક અનુભવોમાંથી પસાર થાય છે. યોગિનીના મૃત્યુ પછી અંબડ જિનમતનો અંગીકાર કરી સુલસા શ્રાવિકાના પ્રત્યક્ષ પરિચયથી સમ્યકત્વમાં સ્થિર થાય છે અને અંતે મોક્ષ પામે છે. ધન ગુમાવી બેઠેલો અંબડનો પુત્ર કુરબક ધનપ્રાપ્તિ માટે ગોરખયોગિનીની ધ્યાનકુંડિકા ઉઘાડે છે ત્યાં પતિના સિંહાસનના મોહથી પૂતળી બની ગયેલી પોતાની ૩૨ માતાઓને જુએ છે. કોઈ ભાગ્યવાન પુરુષને આગળ કરી ધન કાઢવાના વિચારથી કુરબક વિક્રમને લઈ જાય છે પરંતુ વિક્રમનો પ્રયત્ન પણ સફળ થતો નથી. વિક્રમને મળેલા સિંહાસનની ૩૨ પૂતળીઓના આ પૂર્વ-ઇતિહાસને લીધે ‘સિંહાસન-બત્રીસી’ની કથામાળાનો પૂર્વરંગ રચતી આ કૃતિ એ દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે. આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, લૌકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટલોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડિત્ય દેખાઈ આવે છે. શંભુરૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંશો ત્વરિત ઘટનાવેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે. કવિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરલ છટાદાર વાણીમાં પણ કવિની ભાષાપ્રભુતા વરતાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર, વિષ્ણુ, બ્રહ્માને સ્મરે છે, પ્રત્યેક આદેશમાં મંગલાચરણ યોજે છે, ઓમકાર અને સિદ્ધસ્વરૂપનો મહિમા કરે છે અને ગુરુવાર(ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે.[કી.જો.]