ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અભિવન-ઊઝણું’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘અભિવન-ઊઝણું’ : દેહલની આ કૃતિ (મુ.) કડવાબંધના અભાવને કારણે તથા એના ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. મહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલોક મહત્ત્વનો કથાભેદ બતાવે છે - અભિમન્યુનો અસુર અહિલોચન તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને ઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ વગેરે - તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોકપ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા (‘ઊઝણું’)નો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા વિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહાભારતની વીરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. કેટલાંક પ્રસંગવર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ જેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોના નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો જણાય છે. [ર.સો.]