ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અશ્વમેધ-પર્વ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘અશ્વમેધ-પર્વ’ [ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, મકરસંક્રાન્તિ] : ‘યૌવનાશ્વનું આખ્યાન’થી ‘અશ્વમેધ-પૂર્ણાહુતિ’ સુધીનાં ૧૭ આખ્યાનોમાં વિભક્ત થયેલી હરજીસુત ક્હાનની ૭૦૦૦ કડીઓમાં વિસ્તરેલી આ કૃતિ(મુ.) મહાભારતના સમગ્ર ‘અશ્વમેધ-પર્વ’ને આખ્યાનબદ્ધ કરવાના એક વિરલ પ્રયાસ તરીકે નોંધપાત્ર છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘છંદ’, ‘ઝમક’, ‘સૂત્ર’ જેવી વિવિધ સંજ્ઞાઓ આ કૃતિની વિલક્ષણતા છે. કથા પરત્વે કવિ મહાભારતને અનુસરીને ચાલ્યા છે અને સળંગ પ્રવાહી કથાનિરૂપણથી વિશેષ એ સિદ્ધ કરી શક્યા નથી. પ્રસંગાનિરૂપણ કે અભિવ્યક્તિનો ચમત્કાર કૃતિમાં જવલ્લે જ જડે છે. તેમ છતાં તેમની વર્ણનરીતિમાં પ્રૌઢિ અને વિશદતા છે તેમ જ પરંપરાગત વર્ણનોનો તથા પાત્રોક્તિઓનો તેમણે વારંવાર આશ્રય લીધો છે, એથી કથા રસપ્રદ બની છે. ક્વચિત્ થયેલી ગીતની ગૂંથણી તથા દરેક કડવાને આરંભે રાગનો નિર્દેશ - ક્યારેક ૧થી વધુ રાગનો પણ નિર્દેશ - આ કૃતિને કવિએ અત્યંત ગેય રૂપે કલ્પી છે તેના પ્રમાણરૂપ છે. દરેક આખ્યાનને આરંભે ઇષ્ટદેવ કૃષ્ણની સ્તુતિ - ક્યારેક ૮-૧૦ કડીઓ સુધી વિસ્તારીને પણ - કવિએ કરી છે તે તેમની કૃષ્ણભક્તિ અને પ્રસ્તારી નિરૂપણશૈલીના દૃષ્ટાંતરૂપ છે. પહેલું ‘યૌવનાશ્વનું આખ્યાન’(ર. ઈ.૧૬૩૭/સં. ૧૬૯૩, માગશર સુદ ૨, રવિવાર) બતાવે છે તે જોતાં કવિએ આ કૃતિની રચના પાછળ પૂરાં ૨ વર્ષનો સમય આપ્યો છે એમ દેખાઈ આવે છે. [ર.સો.]