ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કુસુમશ્રી-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘કુસુમશ્રી-રાસ’ [૨.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, કારતક સુદ ૧૩, શનિવાર] : નિત્યવિજયશિષ્ય ગંગવિજયની દુહા-દેશીબદ્ધ, ૫૪ ઢાળ અને ૧૨૫૬ કડીની આ કૃતિ(મુ.)માં રાજપુત્ર વીરસેન અને રાજકુંવરી કુસુમશ્રીની કથા કહેવાયેલી છે. કુસુમશ્રીની સૂચના અનુસાર વીરસેન એની સાથેના લગ્નપ્રસંગે પોતાના સસરા પાસેથી દૈવી અશ્વ, મનવાંછિત વસ્તુ આપતો પલંગ અને વિબુદ્ધ ચૂડામણિ સૂડો (પોપટ) માગી લે છે. પરંતુ પોતાને ગામ પાછા જતાં પલંગ અને અશ્વ ચોરાઈ જાય છે ને એમના વહાણને સમુદ્રનું તોફાન નડતાં નાયક-નાયિકા પણ છૂટાં પડી જાય છે. સંયોગવશાત્ વેશ્યાને પનારે પડેલી કુસુમશ્રી પોતાના પોપટની મદદથી એની પાસે આવતા જાર પુરુષોને ચતુરાઈથી સમાલી લઈ પોતાની શીલરક્ષા કરે છે. છેલ્લે વીરસેન સાથે કુસુમશ્રીનો મેળાપ થાય છે ત્યારે કુસુમશ્રીની કુળદેવીએ યોજેલા ચમત્કારપ્રસંગ દ્વારા વીરસેનને એની ચારિત્રશુદ્ધિની ખાતરી થાય છે. આ અદ્ભુતરસિક કથામાં ચારિત્ર્યરક્ષા અંગે ભયભીત થયેલી કુસુમશ્રીને હિંમત આપવા સૂડાએ કહેલું ધનવતીનું વૃત્તાંત પણ ૧૫ ઢાળ અને ૩૦૦ ઉપરાંત કડીઓમાં વિસ્તરેલું છે. લોલુપ પુરોહિત, દુર્ગપાલ, પ્રધાન અને રાજાને પોતાને ત્યાં નિમંત્રી ચતુરાઈપૂર્વક પેટીમાં પૂરી દઈને એમનો ફજેતો કરનાર ધનવતીનું આ વૃત્તાંત પણ રસપ્રદ છે. પ્રસંગોના વીગતપૂર્ણ આલેખનને કારણે પ્રસ્તારી બનેલી આ કૃતિમાં વિવિધ સુગેય દેશીબંધોનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. [ર.સો.] કુંભર્ષિ [               ]: જૈન સાધુ. ‘ચોવીસ તીર્થકર-ગણધરસાધુ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]