ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાગર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જયસાગર(ઉપાધ્યાય)-૧  [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. દીક્ષાગુરુ જિનરાજસૂરિ. વિદ્યાગુરુ જિનવર્ધનસૂરિ. ઈ.૧૪૧૯માં જિનભદ્રસૂરિ દ્વારા ઉપાધ્યાયપદ. કવનકાળ ઈ.૧૪૧૭થી ઈ.૧૪૪૭. આ વિદ્વાન સાધુએ કેટલીક રાજસભાઓમાં વાદીવૃંદોને હરાવ્યા હતા. એમણે હજારો પુસ્તકોનું પુનર્લેખન કરાવી પોતાની ઊંડી વિદ્યાપ્રીતિ બતાવી હતી. આ કવિએ ‘ચોવીસી’ (૫ સ્તવન મુ.), ગુજરાત સૌરાષ્ટ્રના તીર્થોનું વર્ણન કરતી ૨૧ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૩૧; મુ.), ૧૭ કડીની ‘નગરકોટ મહાતીર્થ-ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૪૩૩; મુ.), ૫૫ કડીની ‘વયરસ્વામી ગુરુ-રાસ’ (ર.ઈ.૧૪૩૩), ‘અષ્ટાપદતીર્થ-બાવની’, ૭૦ કડીની ‘જિનકુશલસૂરિ-ચતુષ્પદી’ (ર.ઈ.૧૪૨૫), ૪૪ કડીની ‘કલ્યાણમંદિરસ્તોત્ર-ગીત’ અને અન્ય સઝાય, સ્તોત્ર, સ્તવનાદિ પ્રકારની કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. એમણે સંસ્કૃતમાં પણ ‘શાંતિનાથજિનાલય-પ્રશસ્તિ’ (ર.ઈ.૧૪૧૭), ‘પૂર્વરત્નાવલિ-કથા’ (ર.ઈ.૧૪૨૨), ‘વિજ્ઞપ્તિત્રિવેણી’ (ર.ઈ.૧૪૨૮), ‘પૃથ્વીચંદ્ર-રાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૪૭), ‘ઉપસર્ગહર-સ્તોત્ર’ વગેરે અનેક ગ્રંથોની વૃત્તિ તથા કેટલાંક સ્તવનો વગેરેની રચના કરી છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. વિજ્ઞપ્તિત્રિવેણી, પ્ર. જૈન આત્માનંદ સભા, ઈ.૧૯૧૬. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ - ‘કાવ્યોંકા ઐતિહાસિક સાર’; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧,૩(૧,૨); ૪. જૈહાપ્રોસ્ટા; ૫. મુપુગૂહસીચી. [ર.ર.દ.]