ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણ દાસી-૧-જીવણસાહેબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જીવણ(દાસી)-૧/જીવણસાહેબ [જ.ઈ.૧૭૫૦ - અવ. ઈ.૧૮૨૫ / સં. ૧૮૮૧, આસો વદ ૩૦] : રવિભાણ સંપ્રદાયના ભજનિક સંતકવિ. ભીમસાહેબના નાદશિષ્ય. સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસેના ઘોઘાવદરના ચમાર મેઘવાળ. પિતા જગાભાઈ, માતા સામબાઈ અવટંકે દાફડા. સાંપ્રદાયિક માન્યતા અનુસાર આયુકાળ ઉપર્યુક્ત છે ને તેમણે ઘોઘાવદરમાં સમાધિ લીધી હોવાની હકીકત સ્વીકારાયેલી છે. જીવણસાહેબે ૩૫ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું - એ રીતે તેનો જન્મ ઈ.૧૭૯૦માં થયો ગણાય - અને ગિરનારના શેષાવનમાં તેમણે સમાધિ લીધી હતી એવી પણ લોકવાયકા નોંધાયેલી છે પરંતુ એ અધિકૃત હોય એમ જણાતું નથી. સુખી પરિવારના આ જીવણસાહેબને વિશે જે વીગતો લોકોમાં પ્રચલિત છે તે અનુસાર તેમને જાલબાઈ સમેત બે પત્નીઓ હતી. તીવ્ર અધ્યાત્મ જિજ્ઞાસાએ તેમણે એક પછી એક ૧૭ ગુરુઓ બદલ્યા હતા અને છેવટે સંત ભીમને ચરણે જઈને તેઓ ઠર્યા હતા. રાજ્ય તેમ જ સમાજ તરફથી તેમના સંતત્વની થયેલી તાવણીમાંથી તેઓ જે રીતે પાર ઊતર્યા તેની અનેક ચમત્કારકથાઓ પણ લોકોમાં પ્રચલિત છે. તેમનાં તન-મનના સૌંદર્યે આકૃષ્ટ ગોરાંદે નામની બાઈને તેમણે સન્માર્ગે ચડાવી હતી. તેઓ રાધાના અવતાર રૂપ મનાતા હતા અને પોતાને ‘દાસી’ તરીકે ઓળખાવતા હતા. ‘દાસી જીવણ’ એવી નામછાપ ધરાવતાં આ સંતકવિનાં પદો  (ઘણાં મુ.) યૌગિક રહસ્યાનુભૂતિ, પ્રેમલક્ષણાભક્તિ, ગુરુમહિમા, ભક્તિવૈરાગ્યબોધ વગેરે વિષયોને આલેખે છે. યૌગિક રહસ્યાનુભૂતિને વર્ણવતાં પદોમાં પ્રભાવકતા છે, તો પ્રેમલક્ષણાભક્તિનાં પદોમાં મુલાયમતા અને મધુરતા છે. રૂપકો, વર્ણધ્વનિચિત્રો અને તળપદી વાગ્ભંગીઓનો આશ્રય લેતી કવિની વાણીમાં હિંદીનો વણાટ છે ને ઘણાં પદો હિંદી ભાષામાં પણ મળે છે. કૃતિ : ૧. દાસી જીવણનાં પદો, સં. દલપતભાઈ શ્રીમાળી ઈ.૧૯૬૬(+સં.); ૨. દાસી જીવણસાહેબની વાણી, સં. પ્રેમવંશ ગુરુચરણદાસજી, ઈ.૧૯૭૪(+સં.);  ૩. ગૃહિવાણી (+સં.); ૪. બૃકાદોહન : ૮; ૫. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) [+સં.); ૬. સતવાણી; ૭. સોસંવાણી (+સં.);  ૮. ઊર્મિનવરચના, ઑક્ટો. તથા ડિસે; ૧૯૭૯ તેમ જ જાન્યુ.થી જૂન ૧૯૮૦. સંદર્ભ : ૧. ‘જીવણ આખ્યાન’ જ્ઞાન અખૂટ ભંડાર, સં. ગુંસાઈ રેવાગર પિતાંબરગર, ઈ.૧૯૧૫;  ૨. આગુસંતો : ૧; ૩. ગુસામધ્ય; ૪. ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ.૧૯૬૫; ૫. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨.[ચ.શે.]