ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયારામ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દયારામ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] જ્ઞાનમાર્ગી સંતકવિ. રામચંદદાસના શિષ્ય. દીક્ષા ઈડરમાં. એમની સાખીઓ અમદાવાદમાં આરંભાઈ.આતરસુબામાં વિસ્તાર પામી વડોદરામાં પૂરી થઈ છે એટલે તેમનો નિવાસ મુખ્યત્વે મધ્ય ગુજરાતમાં હશે એમ સમજાય છે. કવિની કૃતિઓમાં મોટે ભાગે ‘દાસ દયારામ’ની નામછાપ મળે છે. ૨૭ કડીની ‘પ્રેમલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ૨૨ કડીની ‘વૈરાગ્યલતા’ (ર.ઈ.૧૮૨૫/સં. ૧૮૮૧, કારતક સુદ ૯), ‘ગુરુ-મહિમા’, ‘મનપ્રબોધ’ આ કવિની ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓ છે, જ્યારે ૩૩ કડીની ‘અનુભવપ્રકાશ’ અને ‘આત્મનિરૂપણ’ (લે. ઈ.૧૮૨૧) હિન્દી ભાષામાં રચાયેલી કૃતિઓ છે. ગુરુદેવ, સત્સંગ, સ્મરણ વગેરે નામનાં ૧૦૬ અંગો ધરાવતી સાખીઓ (ર. ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, જેઠ વદ-) ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ચાલે છે અને સાદી સરળ અભિવ્યક્તિ ધરાવે છે. એમનાં પદો અને કીર્તનો પણ હિન્દી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલાં છે જેમાં રાસપંચાધ્યાયીને લગતા ૩ પદ, અક્રૂરને થયેલા વિરાટદર્શનનું પદ તેમ જ અધ્યાત્મવિષયક અને ઉપદેશાત્મક પદોનો સમાવેશ થાય છે. અધ્યાત્મવિષયક પદોમાં રૂપકાદિકનો તેમ જ યૌગિક પરિભાષાનો આશ્રય લેવાયો છે. સંદર્ભ : ગુજરાતી, દીપોત્સવી અંક, ઑક્ટો. ૧૯૫૧-‘દાસ દયારામ’, કેશવરામ કા. શાસ્ત્રી.[કી.જો.]