ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસિંહ-૩ ધર્મસી
ધર્મસિંહ-૩/ધર્મસી [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૬૭૨] : લોંકાગચ્છના જૈન સાધુ. જામનગરના દશા શ્રીમાળી વણિક. પિતા જિનદાસ, માતા શિવબાઈ.૧૫ વર્ષની ઉંમરે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા. પછીથી શિવજી-ઋષિની આજ્ઞામાં રહ્યા જણાય છે. શાસ્ત્રાભ્યાસી એવા આ મુનિને ગુરુ સાથે મતભેદ થતાં ઈ.૧૬૨૯માં એમણે અમદાવાદમાં પુન:દીક્ષા લઈ દરિયાપુરી નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો. એમણે ૨૭ સૂત્રો પર બાલાવબોધો રચ્યા હોવાની માહિતી મળે છે. તે ઉપરાંત, એમને નામે ‘સમવયાંગ’, ‘વ્યવહાર’ અને ‘સૂત્રસમાધિ’ની હૂંડી, ‘ભગવતી’, ‘પન્નવણા’, ‘ઠાણાંગ’, ‘રાયપસેણી’, ‘જીવાભિગમ’, ‘જંબૂદ્વીપ-પન્નત્તિ, ‘ચંદપન્નત્તિ અને ‘સૂર્યપન્નત્તિ’ એ સૂત્રોના યંત્રો ‘દ્રૌપદી’ તથા ‘સામાયિક’ની ચર્ચા તથા ‘સાધુસમાચારી’ એ કૃતિઓ પણ નોંધાયેલી છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈનધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિશ્રી મણીલાલજી, ઈ.૧૯૩૫; ૩. જૈસાઇતિહાસ; ૪. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]