ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધારવો-ધારુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધારવો/ધારુ [ઈ.૧૬મી સદી] : નિજિયાપંથ/મહાપંથના સંતકવિ. જ્ઞાતિએ મેઘવાળ (ચમાર). ભજનોમાં માલદેવ અને રૂપાંદેના ગુરુ તરીકે એમનો નિર્દેશ મળે છે. આ માલદેવ જોધપુરના સાધુચરિત રાવળ માલદેવ (રાજ્યકાળ ઈ.૧૫૩૨થી ઈ.૧૫૭૩) હોવાનું સંભવતિ છે. એ રીતે ધારુ રાજસ્થાની સંત હોવાનું નક્કી થાય છે. પરંતુ રાણી રૂપાંદે વઢવાણના રાજપૂતની પુત્રી હતાં અને પોતાની સાથે પોતાના ગુરુને જોધપુર લઈ ગયાં હતાં એવી કથા પણ મળે છે. એ રીતે ધારુ સૌરાષ્ટ્રના સંત ઠરે. પરંતુ આ કથા પ્રમાણભૂત જણાતી નથી. આ સંતનું ગામ માલજાળ હોવાનું પણ નોંધાયું છે. ‘મેઘ ધારવો’ ‘મેઘ ધારુ’ એવી નામછાપથી મળતી આ કવિની કૃતિઓમાં ૬૧ કડીનું ‘રૂપાંદેનું વાયક/રૂપાંદે-માલાજીનું ભજન (મુ.) ગુરુનો આદેશ (વાયક) આવતાં બધાં બંધનો છોડીને ચાલી નીકળતાં રૂપાંદેની તથા ક્રોધાવિષ્ટ થઈને તેમની પાછળ પડેલા અને અંતે ગુરુનો આશ્રય સ્વીકારતા માલદેવની ચમત્કારભરી કથા વર્ણવે છે. કવિની અન્ય કૃતિઓમાં પ્રહલાદ વગેરેએ કરેલા ૪ યજ્ઞનું વર્ણન કરી યુગપરિવર્તનને આલેખતા ‘આગમનું ભજન’(મુ.) તથા નિજ્યિાપંથી પરિભાષામાં અધ્યાત્મબોધ આપતા ૧ પદ(મુ.)નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ - ‘મેઘ ધારુનું આગમ’; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ. ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનસાગર : ૨. પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૯. સંદર્ભ : ૧. જેસલ તોરલ, ગોસ્વામી મોહનપુરી, ઈ.૧૯૭૭; ૨. સોરઠી સ્ત્રી સંતો, કાલિદાસ મહારાજ, સં. ૨૦૧૪. [કી.જો.]