ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘પંચદંડ-પ્રબંધ-ચોપાઈ’ [ર.ઈ.૧૪૫૮ કે ૧૪૮૪/સં. ૧૫૧૪ કે ૧૫૪૦, ભાદરવા વદ ૨, બુધવાર] : દુહા-ચોપાઈની આશરે ૮૫૦ કડી અને ‘વારતા’ નામક ગદ્ય-અંશો ધરાવતી ૫ આદેશમાં વહેંચાયેલી ને ‘વિક્રમાદિત્યચરિત્ર-રાસ’ જેવાં નામોથી પણ ઓળખાયેલી નરપતિકૃત આ પદ્યવાર્તા (મુ.) દેવદમની ગાંછણના ૫ આદેશ રાજા વિક્રમ પાળી બતાવે છે તેની કથા કહે છે. પહેલા આદેશમાં એની પુત્રી દમનીને દૈવી મદદથી ચોપાટમા ંહરાવી એને પરણે છે. બીજા આદેશમાં નગર સોપારાની ઉમાદે પાસેથી સિદ્ધિદંડ અને કનકનગરના રાક્ષસ પાસેથી વિજયદંડ મેળવે છે તથા બન્ને નગરની રાજપુત્રી પાસેથી સપ્તસાધુની હીરામાણેકભરી પેટી મેળવે છે ને એને પરણે છે. એ નોંધપાત્ર છે કે આ વાર્તાની પરંપરામાં અન્યત્ર અહીં પેટી સાથે અભયદંડ મેળવ્યાની વાત આવે છે તે નરપતિની કૃતિમાં નથી. ચોથા આદેશમાં ઘરડા ધનશ્રેષ્ઠીની જુવાન સ્ત્રીના જારકર્મનો અને એની સૂચનાથી કોચી કંદોયણ પાસે જતાં પોતાની રાણીના કુકર્મનો પણ સાક્ષી બને છે ને કોચી કંદોયણ પાસેથી કામિકદંડ મેળવે છે. પાંચમા આદેશમાં વિશ્વરૂપ પુરોહિતની પુત્રી ગોમતી પાસેથી તમહરદંડ અને વિષહરદંડ મેળવે છે તેમ જ એને ને એની સહિયરોને પરણે છે. નરપતિની કથારચનામાં ક્યાંક સુશ્લિષ્ટતા જણાતી નથી, પરંતુ સંવાદના આશ્રયથી વાર્તા રોચક બની છે. કવિનાં વર્ણનો નામસૂચિ જેવાં છે, પરંતુ રૌદ્ર-અદ્ભુતરસનાં ચિત્રો એમણે અસરકારક દોર્યાં છે ને હાસ્યવિનોદની તક પણ ક્વચિત લીધી છે. મુખ્યત્વે મલિન વિદ્યાઓના વાતાવરણની આ કૃતિમાં કેટલુંક વાસ્તવિક સમાજચિત્રણ પણ મળે છે. જેમ કે, નિશાળનું ચિત્ર. કવિની વાણી પ્રાસાદિક છે અને એમાં ઘણાં સુભાષિત ગૂંથાયાં છે તેમ જ સંસ્કૃત શ્લોકો પણ ઉદ્ધૃત થયાં છે. મથાળે નિર્દેશેલી તિથિ તે વાર્તારચનાના આરંભની તિથિ છે. “દશચિહું” એ શબ્દને ૧૦+૪=૧૪ અને ૧૦ x ૪ = ૪૦ એમ ૨ રીતે ઘટાવી શકાય છે તેથી ૨ રચનાસંવતનો વિકલ્પ ઊભો થાય છે.[પ્ર.શા.]