ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રબોધબત્રીશી-માંડણ બંધારાનાં ઉખાણાં’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘પ્રબોધબત્રીશી/માંડણ બંધારાનાં ઉખાણાં’ : ષટ્પદી ચોપાઈવાળી ૨૦-૨૦ કડીની ૩૨ વીશીઓમાં સંકલિત માંડણની આ કૃતિ (મુ.) ગુજરાતીની પહેલી ઉખાણાગ્રથિત રચના છે. પહેલા ૪ કે ૫ ચરણમાં કથયિતવ્ય અને પાંચમા-છઠ્ઠા ચરણમાં જનસમાજમાં પ્રચલિત કોઈ લોકોક્તિ કે ઉખાણાથી કથયિતવ્યને સમર્થન એ રીતે દરેક કડીની સંકલના થયેલી છે. ભક્તિ, માયા, કૃષ્ણ, હૃદય, રાજનીતિ, હાસ્ય વગેરે શીર્ષકો નીચે વર્ગીકૃત થયેલી આ વીશીઓમાં કવિનો આશય તો લોકોનાં દંભી ધર્માચાર તેમ જ તેમની બુદ્ધિજડતા પર કટાક્ષ કરી જ્ઞાનબોધ આપવાનો છે. જેમ કે, કવિ કહે છે કે ભૂત, પ્રેત, વૈતાલ કે પિશાચની ઉપાસના કરવાનો શું અર્થ ? જે પોતે જ ભવાટવિમાં હજી અતૃપ્ત બની ફર્યા કરતાં હોય તે આપણું દુ:ખ કેવી રીતે દૂર કરી શકે ? જે કુળદેવતાનું વજન અડધો તોલો હોય તે મણના વજનવાળા ત્રિલોકનો ભાર કેવી રીતે ઉપાડી શકે ? ‘ગુજરાત શેરી સાંકડી’ ‘પેટ ભરાયું તો પાટણ ભરાયું’ ‘નાગરીનાં ગોઠણપણાં’ ઇત્યાદિ પ્રજાજીવનમાં પ્રચલિત વિચારોનું પ્રતિબિંબ પડતાં ઉખાણાંનો આ કોશ તત્કાલીન ગુજરાતના તળપદા જીવનને જાણવા માટે પણ ઉપયોગી બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ બની રહે છે. કટાક્ષમય વાણી, જ્ઞાનબોધ ને ષટ્પદી ચોપાઈનો બંધ એ બાબતમાં આ કૃતિની અસર અખાના છપ્પાઓ પર જોઈ શકાય છે. [ર.શુ.]