ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/‘ભરતબાહુબલિ-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘ભરતબાહુબલિ-રાસ’ [ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, પોષ સુદ ૧૦, ગુરુવાર] : શ્રાવક કવિ ઋષભદાસની દુહા-દેશીબદ્ધ ૮૪ ઢાળની આ મુદ્રિત કૃતિમાં હેમચંદ્રાચાર્યના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’ને આધારે ભરતેશ્વર અને બાહુબલિના પૂર્વભવોના વૃત્તાંતને, ભરતપુત્ર મરીચિના જીવનપ્રસંગોને તથા કેટલીક ઉપકથાઓને ગૂંથી લઈને કવિએ આ કૃતિમાં જે કથાવિસ્તાર સાધ્યો છે તે ધ્યાન ખેંચે છે. મધ્યકાલીન કથાપરંપરાનો પૂરો લાભ ઉઠાવીને કવિએ રાસને વીગતસભર બનાવ્યો છે. જેમ કે, ભરત અને બાહુબલિ વચ્ચેના દ્વન્દ્વયુદ્ધના વર્ણનમાં દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મલ્લયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ તેમ પાંચ પ્રકારના યુદ્ધની વીગતો કવિએ આપી છે. અયોધ્યાનગરી, કમળાપીઢ અશ્વ, ભરતને મળેલ સ્ત્રીરત્ન વગેરેનાં વર્ણનો પરંપરાગત છતાં આસ્વાદ્ય બન્યાં છે. ભરત રાજા દીક્ષા અંગિકાર કરે છે તે પ્રસંગે રાણીઓનો વિરહવિલાપ જ નહીં પણ રાજદરબારના હાથીઓ વગેરે પશુઓનો શોક પણ કવિએ વર્ણવ્યો છે. બાહુબલિ તથા ભરતને થતા કેવલજ્ઞાનના પ્રસંગે પણ કવિએ ભાવનિરૂપણની થોડી તક લીધી છે. અહીં પણ ઉપમાઓ, દૃષ્ટાંતો, કહેવતો વગેરે દ્વારા સુભાષિતો વેરવાની કવિની લાક્ષણિક શૈલી જોવા મળે છે અને ઋષભદાસની ઉપદેશક કવિ તરીકેની પ્રબળ છાપ અંકિત થયેલી રહે છે.[જ.કો.]