ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલયચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મલયચંદ્ર-૧ [ઈ.૧૪૬૩માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. રત્નસૂરિના શિષ્ય. કવિના જીવન અને સર્જન વિશે વધારે માહિતી ઉપલબ્ધ થતી નથી, પરંતુ ગોપમંડલીમાં રહી એક જ વર્ષમાં કવિએ રચેલી ૩ ધ્યાનપાત્ર કૃતિઓ મળી આવે છે. એટલે આ સિવાય પણ કવિએ બીજી કૃતિઓ રચી હોય એવું અનુમાન થઈ શકે. કવિની ૩ કૃતિઓ તે ‘સિંહાસનબત્રીસી’ પરથી ગુજરાતીમાં ઉપલબ્ધ પહેલી, ૩૭૪ કડીમાં રચાયેલી, ‘સિંહાસનબત્રીસી/સિંધાસણ બત્રીસી-ચઉપઈ’ (ર.ઈ.૧૪૬૩; મુ.), રાજપુત્ર સિંહલસિંહના પરાક્રમની અદભુત રસિક કથા કહેતી દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીની ‘સિંઘલસીચરિત્ર/ધનદત્તધનદેવચરિય/પ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩; મુ.) અને ૧૨૮ કડીની ‘દેવરાજવત્સરાજપ્રબંધ’ (ર.ઈ.૧૪૬૩). કૃતિ ૧. મલયચંદ્રકૃત સિંહાસનબત્રીસી, સં. રણજિત મો. પટેલ, ઈ.૧૯૭૦ (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૩-‘મલયચંદ્રકૃત સિંધલસીચરિત્ર’, રણજિત પટેલ (અનામી) (+સં.). સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચી; ૬. મુપુગૂહસૂચી. [ભા.વૈ.]