ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલચંદ્ર ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સકલચંદ્ર(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ-વિજ્યદાનસૂરિના શિષ્ય. સંસ્કૃતનાં વિદ્વાન તથા સંગીતના જ્ઞાતા. દુહા, ચોપાઈ અને ભિન્નભિન્ન દેશઓના ઢાળની ૭૨૫ જેટલી કડીઓમાં રચાયેલ ‘મૃગાવતી-આખ્યાન/રાસ’ (ર.ઈ.૧૫૮૭) કવિની મોટામાં મોટી કૃતિ છે. આ ઉપરાંત ‘એકવીસ પ્રકારી-પૂજા’(મુ.), ‘સત્તરભેદી-પૂજા’(મુ.), ૧૨ કડીની ‘દેવાનંદાની સઝાય’(મુ.), ૨૦ કડીની ‘શાંતિ સુધારસની સઝાય/સાધુ મુનિરાજને શિખામણ’(મુ.), ૧૪ ઢાળની ‘બાર ભાવનાની સઝાય’(મુ.), ૬૪/૬૬ કડીની ‘વર્ધમાન જિનગુણસૂરવેલી’(મુ.), ૬ કડીની બે, ૧૦ અને ૯ કડીની એક-એક એમ કુલ ૪ ‘આત્મિક-સઝાય’(મુ.), ૧૪ કડીની ‘શ્રી કૃષ્ણને વિનતિ રૂપ સઝાય’, (મુ.), ૭ કડીની ‘ક્ષુધાનિવારણ-સઝાય’(મુ.), ૫ કડીની ‘ચેતનને શિખામણની સઝાય’(મુ.) અને અન્ય કેટલીક સઝાયો(મુ.) તેમની પાસેથી મળી છે. તેમ જ ૪૫/૪૮ કડીનું ‘ગણધરવાદ પ્રબોધ-સ્તવન’, ૭૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’, ‘ગૌતમ દીપાલિકા-સ્તવન/રાસ’, ‘વાસુપૂજ્ય-જિનપુણ્યપ્રકાશ-રાસ’, ૧૧૫/૧૨૧ કડીની ‘હીરવિજ્ય-સૂરિ-દેશના-સૂરવેલી’, ૩૧ કડીનું ‘ઋષભસમતાસરલતા-સ્તવન’, ‘કુમતિદોષ-વિજ્ઞપ્તિકા’, ‘સીમંધર-સ્તવન’, ૩૬ કડીનું ‘જિનઆજ્ઞાવાણી-સ્તવન’, ‘સાધુકલ્પલતા’ અને અન્ય કેટલાંક સ્તવનો-સઝાયો તેમણે રચ્યાં છે. એ ઉપરાંત અપભ્રંશ ભાષામાં ૨૦ કડીનું ‘મહાપ્રભાવમયપાર્શ્વનાથ-સ્તવન’, પ્રાકૃત ભાષામાં ‘ધર્મશિક્ષા’ (ર.ઈ.૧૫૭૪) તથા સંસ્કૃતમાં ‘શ્રુતાસ્વાદશિક્ષાદ્વાર’, ‘ધ્યાનદીપિકા’ (ર.ઈ.૧૫૬૫), ‘પ્રતિષ્ઠા-કલ્પ’ (ર.ઈ.૧૬૦૪) જેવી કૃતિઓ તેમણે રચી છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ચિત્રમય શ્રીપાલ રાસ, સં. સારાભાઈ મ. નવાબ, ઈ.૧૯૬૧; ૩. જિભપ્રકાશ; ૪. જૈસમાલા(શા) : ૨, ૩; ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. જૈસસંગ્રહ(ન); ૭. મોસસંગ્રહ; ૮. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૯. વિસ્નાપૂજાસંગ્રહ; ૧૦. સઝાયમાળા(પં); ૧૧. સસન્મિત્ર; ૧૨. સસન્મિત્ર(ઝ);  ૧૩. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૪-‘શ્રી વર્ધમાન જિનગુણસૂરવેલી’, સં. સારાભાઈ નવાબ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકારૂપરંપરા; ૭. મરાસસાહિત્ય;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાહસૂચી : ૧; ૧૪. લીંહસૂચી; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]