ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સોન કાઠિયાણી ને હલામણ જેઠવોની ગીતકથા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘સોન કાઠિયાણી ને હલામણ જેઠવોની ગીતકથા’ : સૌરાષ્ટ્રના બરડા-પ્રદેશના મોરાણું ગામધણીની પુત્રી સોન અને ધૂમલી નગરના હલામણ જેઠવાની પ્રેમકથાને નિરૂપતા આશરે ૯૫ જેટલા દુહા(મુ.) મળે છે. પોતે કરેલી સમસ્યાઓના ઉત્તર આપે એ પુરુષ સાથે લગ્ન કરવાં એવું સોને લીધેલું વચન, ધૂમલીના રાજા શિયાજીએ પોતાના ભત્રીજા હલામણની મદદથી સોનને આપેલા સાચા ઉત્તર, ધૂમલી આવેલી સોનને સાચી વાતની પડેલી ખબર, શિયાજીએ હલામણને આપેલો દેશવટો, સિંધ તરફ ગયેલા હલામણની સોને આદરેલી શોધ, બંનેનો મેળાપ થાય તે પહેલાં હલામણનું મૃત્યુ અને સોનની પણ એની પાછળ આત્મહત્યા એવો કથાતંતુ આ ગીતકથામાં વણાયો છે. સમસ્યાપૂર્તિમાંથી પ્રેમ એ આ કથાનો વિશિષ્ટ અંશ છે, જે મધ્યકાલીન પદ્યવાર્તાઓમાં જોવા મળે છે. કૉળેલા ઢળતા આંબાની નીચે નમતી ડાળ જેવું કે પાકેલી કેરી જેવા રંગવાળું સોનાના સૌંદર્યનું વર્ણન તાજગીસભર છે. કૃતિમાં મુકાયેલી પંદરેક જેટલી સમસ્યાપૂર્તિઓ મધ્યકાલીન પદ્યવાર્તાઓની યાદ અપાવે છે. ક્યાંક કથન રૂપે, ક્યાંક સોન, હલામણ કે અન્ય પાત્રોની ઉક્તિ રૂપે ચાલતા આ દુહા ભાષાના તળપદા સંસ્કારથી તાજગીવાળા બન્યા છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧-૨; કાહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.). સંદર્ભ : મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪. [જ.ગા.]