ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતિપ્રયુક્તિ
અતિપ્રયુક્તિ(Cliche) : વધુ પડતા ઉપયોગને કારણે અતિપરિચિત અને બિનઅસરકારક બનેલો શબ્દપ્રયોગ કે અલંકાર. આને ચવિર્તોક્તિ પણ કહે છે. કવિતામાં આ પ્રકારના શબ્દપ્રયોગો કવિના જીવન પરત્વેના મૌલિક, જીવંત પ્રતિભાવના અભાવે કવિએ અન્ય કૃતિઓમાંથી પ્રેરાઈને પ્રયોજ્યા હોય છે. સાહિત્યકૃતિઓમાં પ્રયોજાતાં કેટલાંક કલ્પનો, ઉપમાઓ, રૂપકો વગેરે પણ અતિવપરાશને કારણે તેના અર્થની ધાર ગુમાવી બેસતાં અતિપ્રયુક્ત બની જાય છે. ઉત્તમ કવિઓ, ક્યારેક આ પ્રકારના શબ્દપ્રયોગો વક્રતા સિદ્ધ કરવા માટે પણ સભાનપણે પ્રયોજે છે.
ચં.ટો.