ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઔચિત્યવિચારચર્ચા
ઔચિત્યવિચારચર્ચા : ક્ષેમેન્દ્રનો અગિયારમી સદીના ત્રીજા ચરણનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. અહીં કારિકા અને વૃત્તિ બંને લેખકનાં છે જ્યારે ઉદાહરણો વિવિધ ગ્રન્થોમાંથી લીધેલાં છે તેમજ લેખકે પોતાનાં ઉદાહરણોનો પણ ઉપયોગ કર્યો છે. અહીં કાવ્યનાં સમસ્ત અંગોમાં ઔચિત્યનો પ્રભાવ બતાવ્યો છે અને પદ, વાક્ય, પ્રબંધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, કારક, લિંગ, વચન, વિશેષણ, ઉપસર્ગ, નિપાત, કાલ, દેશ, કુલ, વ્રત, તત્ત્વ, સત્ત્વ, અભિપ્રાય, સ્વભાવ, સારસંગ્રહ, પ્રતિભા, અવસ્થા, વિચાર, નામ, આશીર્વાદ – એમ ૨૭ સ્થાનોમાં ઔચિત્યની ચર્ચા કરેલી છે. વળી, દરેક સ્થાનનું ઉચિત અને અનુચિત એમ બંને પ્રકારનાં ઉદાહરણોથી સમર્થન કર્યું છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ચાલી આવેલા ઔચિત્યના વિચારને અહીં સિદ્ધાન્તનું રૂપ અપાયું છે; ‘ઉચિતનો ભાવ તે ઔચિત્ય અને જે જેને અનુરૂપ છે તેને ઉચિત કહેવાય’ એવી વ્યાખ્યા પણ મળે છે. રસની સાથે થયેલા ઔચિત્યના સંયોગને કારણે જ સહૃદયને આહ્લાદ થાય છે – એવું પ્રતિપાદન કરી ક્ષેમેન્દ્ર નિષ્કર્ષ આપે છે કે કાવ્યનું સ્થિર જીવિત ઔચિત્ય છે અને ઔચિત્યને કારણે જ ગુણ અને અલંકાર સૌન્દર્ય ધારણ કરે છે. કાશ્મીરનિવાસી ક્ષેમેન્દ્રે ‘કવિકંઠાભરણ’ અને ‘સુવૃત્તતિલક’ નામે બીજા બે કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રન્થો આપ્યા છે. આ ઉપરાંત ‘ભારતમંજરી’, ‘બૃહત્કથામંજરી’ અને બીજા ચાલીસેક ગ્રન્થો એમને નામે છે. એમના પિતાનું નામ પ્રકાશેન્દ્ર અને પિતામહનું નામ સિન્ધુ મળે છે. ચં.ટો.