ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કમ્પ્યૂટર અને સાહિત્ય
કમ્પ્યૂટર અને સાહિત્ય (Computer and Literature) : આજના માહિતીયુગમાં કમ્પ્યૂટર જેવા વીજાણુ ઉપકરણે સાહિત્ય ઉપર, સાહિત્યની સામગ્રી ઉપર અને સાહિત્યના પ્રકાશન ઉપર વિશેષ પ્રભાવ પાડ્યો છે. કમ્પ્યૂટર એ માત્ર ગણના કરી આપનારું યંત્ર જ નથી પણ એ દત્તસામગ્રી ઉપર પ્રક્રિયા કરનારું યંત્ર પણ છે. કાર્યસૂચિ આપી હોય એ પ્રમાણે સંકેતોનું ગાણિતિક અને તાકિર્ક પરિચાલન એ કરી શકે છે. કાર્યસૂચિને આધારે એ રેખાંકનો સંસજિર્ત કરી શકે છે અને સંગીતરચનાઓ તેમજ વાક્ય જેવી શબ્દશ્રેણીઓ પણ સંસજિર્ત કરી શકે છે. કમ્પ્યૂટર ભાષા સાથે ત્રણ રીતે સંકળાયેલું છે : જેના દ્વારા કાર્ય કરી શકાય એવી કૃત્રિમ ભાષાઓની એને જરૂર પડે છે; એના ઉપયોગ દ્વારા નવાં પરિણામો સાથે નૈસર્ગિક ભાષાને સાંકળી શકાય છે અને એનો ઉપયોગ કરનારાઓ એના વિશે વાતચીત થઈ શકે, એની સાથે કામ પાડી શકે તે માટે પોતાની ભાષાને વિકસાવે છે. એકબાજુ કમ્પ્યૂટર કાર્યસૂચિ પ્રમાણે ભાષાસંકેતો પર પરિચાલન કરી, નવી સંકુલ શબ્દશ્રેણીઓ સંસર્જી શકે છે અને બીજી બાજુ આધુનિક વાચક દુર્બોધતમ કવિતામાંથી પણ અર્થ તારવી લેવાનું વલણ ધરાવે છે – આ બે વાત એકઠી કરીને ભાષાકાર્યમાં અને સંકુલ શબ્દક્રીડામાં રસ લેતા ઇજનેરોએ છઠ્ઠા દાયકામાં કમ્પ્યૂટર કવિતા જન્માવી. આ નવા ઉપકરણ દ્વારા ઊભી થયેલી શક્યતાથી યંત્રનીપજ અને મનુષ્યનીપજ વચ્ચેનો ભેદ એકદમ નહિવત્ કરવા છતાં એક વાત ચોક્કસ કે કમ્પ્યુટરકવિતા મનુષ્ય દ્વારા કરાયેલા સંપાદનની અપેક્ષા રાખે છે. કમ્પ્યૂટરકવિતા બે પ્રકારે જડે છે. કાર્યસૂચિ કમ્પ્યૂટરને વાક્યવિન્યાસ આપે અને એને ભરવા માટે શબ્દભંડોળ આપે અને એમ જે નવી સંકુલ શ્રેણીઓ જન્મે તે સૂત્રાનુવર્તી (Formulatory)કવિતા અને કાર્યસૂચિ હયાત કાવ્યોની પંક્તિઓ આપે અને કમ્પ્યૂટર એને રૂપાંતરિત કરે તે ઉત્પાદ્ય (Derivatory) કવિતા. સાહિત્ય નીપજાવવા ઉપરાંત કમ્પ્યૂટરનું બીજું કાર્ય સાહિત્યસામગ્રી પર કાર્ય કરવાનું છે. કમ્પ્યૂટરનો ઉપયોગ કરી ભાષાઓનો અભ્યાસ કરતું સંગણનશીલ ભાષાવિજ્ઞાન (computational Linguistics) સંગણનશીલ શૈલીવિજ્ઞાન (computational stylistics) જેવી એની એક ઉપશાખા ધરાવે છે. અહીં કમ્પ્યૂટર શૈલીની વિવિધ સમસ્યાઓના અભ્યાસમાં વિશ્લેષણનું કાર્ય કરે છે. શબ્દલંબાઈ અને વાક્યલંબાઈને અનુસરીને તેમજ શબ્દની વારંવારતાને ખપમાં લઈને, પસંદ કરેલા વ્યાકરણવર્ગોની વસ્તુલક્ષી તપાસ દ્વારા ઘણીવાર કર્તૃત્વનો નિર્ણય પણ કરાતો હોય છે. શૈલીવિશ્લેષણ ઉપરાંત કમ્પ્યૂટર શબ્દકોશ કે જ્ઞાનકોશની રચનામાં વિપુલ સામગ્રીનું ચોક્કસાઈપૂર્વક અને ઝીણવટપૂર્વક સંચાલન કરી મહત્ત્વની કામગીરી બજાવે છે. કમ્પ્યૂટરને કારણે સાહિત્યપ્રકાશનનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. તાજેતરમાં ‘એન્સાઇકલો-પીડિયા બ્રિટનિકા’નું સીડી-રોમ પર પ્રકાશન થયું છે. આવા વીજાણુ સંસ્કરણમાં ‘ઓડિયો વિઝ્યુઅલ નિબંધો’ છે, જેમાં ફોટોગ્રાફ્સ અને નકશાઓ નહિ પણ વીડિયોક્લિપ્સ, એનિમેશન્સ, સાઉન્ડબાઈટ્સ અને સંગીતના ટુકડાઓ, ઐતિહાસિક પ્રવચનો, પ્રાણીઓના અવાજો – વગેરેનો સમાવેશ થયો છે. આવો સીડી-રોમ જ્ઞાનકોશ વીજળીક ઝડપે માત્ર પ્રતિનિર્દેશો પૂરા નથી પાડતો પણ મુદ્રિત સંસ્કરણનો વાચક ન મેળવી શકે એવી માહિતીઓ શોધીને હાજર કરે છે. ટૂંકમાં, કાગળ ઉપર છાપકામ કરતો ઉદ્યોગ પાછળ પડી જઈ, ભાવિપ્રકાશનો વીજાણુ ઉપકરણો પર થશે એવું ભવિષ્ય જોઈ શકાય છે. ચં.ટો.