ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાવ્યાદર્શ
કાવ્યાદર્શ : સાતમી સદી ઉત્તરાર્ધ અને આઠમી સદી પૂર્વાર્ધ દરમ્યાન રચાયેલો દંડીનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રન્થ. આખો ગ્રન્થ ત્રણ પરિચ્છેદોમાં વહેંચાયેલો છે. પહેલા પરિચ્છેદમાં કાવ્યલક્ષણ; ગદ્ય, પદ્ય અને મિશ્ર એવા કાવ્યભેદ; મહાકાવ્યનું સ્વરૂપ; કથા અને આખ્યાયિકા તત્ત્વત : એક જ છે એની ચર્ચા; વૈદર્ભ અને ગૌડ એમ બે કાવ્યમાર્ગ; દસ કાવ્યગુણ; પ્રતિભા, શ્રુતિ અને અભિયોગ – એ ત્રણ કવિગુણની ચર્ચા છે. બીજા પરિચ્છેદમાં સ્વભાવોક્તિ, ઉપમા, રૂપક ઇત્યાદિ ૩૫ અલંકારોની ઉદાહરણ સહિત ચર્ચા છે. ત્રીજા પરિચ્છેદમાં યમક અલંકાર અને તેના ૩૧૫ પ્રકારો, ચિત્રાલંકાર, ૧૬ પ્રકારની પ્રહેલિકાઓ તથા દસ કાવ્યદોષની ચર્ચા છે. ગ્રન્થમાંનાં દૃષ્ટાંતો અધિકાંશ દંડીરચિત છે. ભામહના ‘કાવ્યાલંકાર’ પછી સંસ્કૃત કાવ્યમીમાંસાનો આ મહત્ત્વનો ગ્રન્થ છે. દંડીએ ‘અલંકાર’ શબ્દને ‘કાવ્યના શોભાકરધર્મો’ એવા વ્યાપક અર્થમાં પ્રયોજી કાવ્યગુણોને અલંકાર ગણ્યા છે. કાવ્યરીતિને ‘માર્ગ’ સંજ્ઞાથી ઓળખાવી થયેલા રીતિવિચાર ને કાવ્યમાર્ગને ગુણ સાથે સાંકળવાનું વલણ સૌપ્રથમ દંડીમાં મળે છે. ગુણ અને ઉપમાદિ અલંકાર વચ્ચેનો ભેદ જો કે સ્પષ્ટ રીતે તેમણે બતાવ્યો નથી પરંતુ ગુણઆધારિત માર્ગ અને વૈદર્ભી માર્ગમાં દસે ગુણની આવશ્યકતાની વાત જ્યારે તેઓ કરે છે ત્યારે તેમના મનમાં અલંકાર કરતાં ગુણનું કાવ્યમાં વિશેષ મહત્ત્વ પડેલું દેખાય છે. રસ વિષે દંડી કંઇક સંદિગ્ધ લાગે છે. રસ વિશે એમણે કોઈ સ્વતંત્ર ચર્ચા નથી કરી. રસવદ્ અલંકારમાં એ વિશેની વાત સમાવી લીધી છે. પરંતુ બીજી તરફ અલંકારોને તેઓ રસનું સિંચન કરનારા કહે છે. જોકે સમગ્રતયા એમના ગ્રન્થનિરૂપણને લક્ષમાં લઈએ તો લાગે કે કાવ્યાંગોની ચર્ચાને એમણે પ્રાધાન્ય આપ્યું છે. એટલે અલંકાર અને રીતિની પરંપરાનો પુરસ્કાર કરતો આ ગ્રન્થ છે. દંડી દક્ષિણના કાંચીવરમ્ના વતની હતા. તેમના પિતાનું નામ વીરદત્ત અને માતાનું નામ ગૌરી હતું. ‘દશકુમારચરિત’ અને ‘અવંતીસુંદરીકથા’ એ બે ગદ્યકાવ્યોની રચના પણ તેમણે કરી હતી. જ.ગા.