ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગરબી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગરબી : લોકગીતનો ભાતીગળ પ્રકાર એવી ગરબી એ આપણા મધ્યકાળનું ઊર્મિકાવ્ય છે. નરસિંહથી દયારામ સુધી ગરબી કહી શકાય એવાં પદો મળે છે. પદ-ગરબો-ગરબી એ પર્યાયવાચક શબ્દો તરીકે ઘણા સમય સુધી રહ્યા પછી સમય જતાં, લાંબું પદ તે ગરબો અને ટૂંકું પદ તે ગરબી એમ રૂઢ થયું હશે, નવરાત્રમાં પુરુષો અને સ્ત્રીઓનાં ગીતોનો ભેદ દર્શાવવા પણ ગરબો-ગરબી શબ્દ પ્રયોજાયા હોય. દયારામે ગરબીના સ્વરૂપને વિસ્તારીને આકારસૌષ્ઠવ, લયમાધુર્ય આપતાં પદ અને ગરબીના ભેદો સ્પષ્ટ રીતે જુદા થયેલા જોવા મળે છે. ગરબો અને ગરબી નવરાત્રના દેવીપૂજાના ઉત્સવ જોડે સંકળાયેલાં હતાં. ગરબાની માફક ગરબી પણ પાત્રપરત્વે (દીવો પ્રગટાવવાની લાકડાની ઘોડી) નામ હતું તેનું કાવ્યસ્વરૂપ વિષે સંક્રમણ થયું. જે ગરબીઓ ઉપલબ્ધ છે તેમાંનો મોટો ભાગ કૃષ્ણગોપીની શૃંગારક્રીડાવિષયક કે બાળલીલાવિષયક હોઈ ગરબીનો સંબંધ વિશેષત : કૃષ્ણભક્તિ જોડે મનાયો. એકત્રિત રસની ભાવપ્રધાન એવી દેશી સંગીતની રચના તે ગરબી. વિચાર, ભાવ અને પ્રસંગમાં સંપૂર્ણ કાવ્ય ગરબી નાજુક, સૂક્ષ્મ સ્વરૂપની, સંક્ષિપ્ત અને વિષયમાં સુશ્લિષ્ટ એકતા સાધનારી, જલદ એટલે ઉતાવળા લયવાળી હોય છે. એમાં એક જ પ્રસંગ, ઊર્મિ કે વિચારનું નિરૂપણ હોવાથી લાંબાં વર્ણનો, પ્રસ્તાવના, ફળશ્રુતિ, આલેખ્ય વસ્તુનું માહાત્મ્યકથન વગેરેને અવકાશ નથી હોતો. એથી ગરબાની જેમ કૃતિમાંથી ગરબી હોવાનું આંતરપ્રમાણ મળતું નથી. મૃદુલ સીધી ગતિવાળા આ ઊર્મિકાવ્યસ્વરૂપમાં રસની ઘનતા, એકચિત્તતા હોય છે. સંઘગાન નૃત્યનો પ્રકાર હોઈ, તાલ માટે તાળી હોય છે અને ‘બોલ’ જેવા શબ્દો ગીતપૂરક તરીકે આવે છે. ક્વચિત્ સ્તુતિનું રૂપ ધારણ કરતું આ નાટ્યાત્મક ઊર્મિકાવ્ય ગેયતાપ્રધાન હોવાથી પ્રાસાનુપ્રાસ, ટેક, વર્ણલય, લયમાધુર્ય એને ચારુતા અર્પે છે. વિષયવિકાસ કે રસની વૃદ્ધિને અવકાશ ન હોવાથી કેન્દ્રભૂત વિચાર કે લાગણીની મોહકતા દર્શાવનાર ટેક (ધ્રુવપદ) સરલ, સુંદર, હોવાની અપેક્ષા રહે. પ્રત્યેક ગરબીના ઉપાડમાં તેના ધ્રુવપદમાં કાવ્યનો મુખ્ય ભાવ, ઊર્મિ કે વિચાર હોય જેનું દૃઢીકરણ પછીની કડી વડે થતું હોય, તાલ-હીંચ-સ્વર એમાં મહત્ત્વનાં હોય છે. નાનાલાલે ગીત, વાદ્ય અને નૃત્ય ઉપરાંત અભિનયને પણ એના ચોથા રસતત્ત્વ તરીકે વર્ણવ્યું છે. ગરબીમાં શૃંગાર મુખ્ય રસ રૂપે વિસ્તરતો જોવા મળે છે. રાધા અને ગોપીઓનો ઉત્કટ કૃષ્ણપ્રેમ મુખ્યત્વે ગરબીઓનો વિષય બન્યો છે. કૃષ્ણવિરહથી ગોપી કે યશોદાની દુઃખદ સ્થિતિના ચિત્રમાં કરુણનું નિરૂપણ મળે છે. પણ કૃષ્ણજીવનના (પૂતનાવધ જેવા) અદ્ભુત પ્રસંગો આલેખાયા ન હોઈ, અદ્ભુતરસને એમાં સ્થાન નથી મળ્યું. શાંતરસ ક્વચિત્ જ અને વીરરસ લોકસાહિત્યની ગરબીમાં જડે છે. એક જ ઊર્મિ કે કથનનું આલેખન હોવાથી રસવૈવિધ્યની શક્યતા નથી. ગરબાની જેમ એમાં પણ પૌરાણિક સમાજજીવનનું દર્શન, સમકાલીન વ્યવહારચિત્ર જોવા મળે છે. સાસરિયાંનો ત્રાસ, સાસુવહુના ઝઘડા વગેરે ગોપીમુખે દર્શાવાતાં. એ રીતે ભક્તિનું મૂળ સ્વરૂપ જળવાતું. લોકસાહિત્યનાં ગરબા-ગરબીમાં પણ પૌરાણિક પાત્રો લઈને કાલ્પનિક કથા રચાયેલી દૃષ્ટિએ પડે છે (રૂડા રામની ગરબી). પૌરાણિકકથામાં લોકકથાનો ઉપયોગ થતો. લોકસાહિત્યમાં ઇષ્ટદેવસ્તુતિ કે મંગળાચરણનો શિષ્ટાચાર ન હોઈ ગરબીમાં કથાની સીધી જ શરૂઆત થાય. પુરાણનાં પાત્રોનાં નામ જ લીધાં હોય અને કૃષ્ણજીવન જોડે સંબંધ ન હોય એવી ગરબી પણ લોકસાહિત્યમાં મળે છે. સંવાદ અને સંદેશનાં તત્ત્વો ગરબીમાં વિશેષત : હોય છે. સંદેશ પત્રસ્વરૂપે પણ હોય છે. ગરબીઓ ગીત છે ખરી પણ એમની ગેયતાને મર્યાદા છે. એમાં સંગીતના તાનપલટા વગેરેને અવકાશ નથી. એમાં સ્વીકારાયેલા રાગ શુદ્ધ ન હોતાં કાંઈ ને કાંઈ મિશ્રણ પામેલા હોય છે. એક રાગના પૂરેપૂરા સૂર પણ પ્રગટ થતા નથી. પરંતુ ગરબીઓમાં જ્યારે સંગીત પ્રધાન બની જાય ત્યારે ગરબી, ગરબી મટી જઈ ઉસ્તાદી ચીજ થઈ જવાનો ભય રહે ખરો. ગરબીનો આત્મા જે તાલ છે તે ગૌણ થઈ, તેમાં સંગીત પ્રધાન બન્યું છે અને ગતિ મંદ થઈ છે. આ રીતિએ ગમે તે શુદ્ધ રાગનું ગીત ગરબે ફરતાં ગાવાનો નવો પ્રકાર પ્રચારમાં આવતો જાય છે. દે.જો.