ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગાંધીસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગાંધીસાહિત્ય : ‘ગાંધીસાહિત્ય’ સંજ્ઞા વડે ત્રણ પ્રકારનાં સાહિત્ય નિર્દેશાય છે : ગાંધીજીએ લખેલું સાહિત્ય, ગાંધીજી વિશે લખાયેલું સાહિત્ય અને ગાંધીવિચારનું વિમર્શન કરતું સાહિત્ય. ગાંધીજીએ એમના જીવનમાં કરેલા નાનાવિધ પ્રયોગોની ફળશ્રુતિ રૂપ તત્ત્વવિચારણા ભારતીય પ્રજા સમક્ષ મૂકવાના સદાશયથી જે તે પ્રયોગનો સંકલ્પ, તેની પ્રક્રિયા અને તેની સફળતા-નિષ્ફળતાને નિખાલસતાપૂર્વક ‘નવજીવન’ પત્રોના માધ્યમથી જે તે સમયે પ્રકાશિત કર્યાં છે. સૂચિત સામયિકોમાં લેખ-લેખમાળા રૂપે પ્રગટ થયેલી એ સામગ્રી પછીથી ગ્રન્થસ્થ પણ થઈ છે. આ ઉપરાંત ગાંધીજીએ એમના અંગ્રેજી-વાચનમાંથી લોકોપયોગી જણાયેલી સામગ્રીના સારાનુવાદ પણ આપેલા છે. વળી, એમના લેખો પૈકી એમને હાથે ગ્રન્થસ્થ નહીં થયેલી એવી ઉપયોગી સામગ્રી પછીથી એમના સહયોગીઅંતેવાસીઓ દ્વારા સંપાદિત-સંકલિત થઈ છે. આમ મૌલિક, અનૂદિત અને અન્ય-સંપાદિત ગાંધીલિખિત સાહિત્યમાં ‘મારો જેલનો અનુભવ’(૧૯૦૮), ‘હિન્દ સ્વરાજ’(૧૯૦૯), ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’(૧૯૨૫), ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’(૧૯૨૭), ‘ગીતાબોધ’(૧૯૩૦), ‘મંગળપ્રભાત’(૧૯૩૦), ‘અનાસક્તિયોગ’(૧૯૩૦), ‘રચનાત્મક કાર્યક્રમ’(૧૯૪૧), ‘આરોગ્યની ચાવી’(૧૯૩૨) અને ‘સત્યાગ્રહાશ્રમનો ઇતિહાસ’(૧૯૪૮) જેવાં નાનાં-મોટાં પુસ્તક ઉલ્લેખનીય છે. ગાંધીજીએ વિવિધ વિષયો પર લખેલા લેખોમાંથી પસંદગીના લેખોના તરેહવારનાં સંપાદનો-સંકલનો એમના સાથીઓએ કર્યાં છે. એમાંનાં ‘ખરી કેળવણી’(૧૯૩૮), ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સર્વોદય-દર્શન’(૧૯૬૪), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘મારા સ્વપ્નનું ભારત’, ‘સત્ય એ જ પરમેશ્વર છે’, અને ‘ગામડાંની પુનર્રચના’ નોંધપાત્ર છે. ગાંધી-અનૂદિતસાહિત્યમાં, સોક્રેટીસે મૃત્યુપૂર્વે મિત્રો-શિષ્યો સમક્ષ કરેલા ઐતિહાસિક સંબોધનની પ્લેટોએ કરેલી રજૂઆતનો અનુવાદ ‘એક સત્યવીરની કથા’(૧૯૦૮), ગાંધીજીને જેના વાચનથી જીવનલક્ષ્ય લાધ્યું એ, જ્હોન રસ્કિનકૃત ‘અન્ટૂ ધિસ લાસ્ટ’નો અનુવાદ ‘સર્વોદય’ તથા તોલ્સ્તોયકૃત ‘ઈવાન ધ ફૂલ’નો સારાનુવાદ ‘મૂરખરાજ અને તેના બે ભાઈઓ’ વિશિષ્ટ છે. ગાંધીજીના સાથીઓ અને અંતેવાસીઓએ તેમને વિશે તેમજ તેમના દ્વારા ચરિતાર્થ થયેલી જીવનદૃષ્ટિ વિશે વિપુલ સાહિત્ય લખ્યું છે. એ સાહિત્યમાં એક તરફ ગાંધીજી માટેનો અનહદ પ્રેમાદર નિરૂપાયો છે તો, બીજી બાજુ, ગાંધી અને ગાંધીવિચારની સમ્યક મીમાંસા પણ થઈ છે. વળી, ગાંધીજીના અંગત સચિવ મહાદેવ દેસાઈએ તેમની જીવનચર્યાની રાખેલી નોંધો જેમાં જળવાઈ છે એ ‘મહાદેવભાઈની ડાયરી’ના વીસ ખંડોમાં ગાંધીજીના મહત્ત્વપૂર્ણ જીવનકાળનું તટસ્થ દસ્તાવેજીકરણ તો થયું જ છે, સાથોસાથે તેમાં, સ્વાતંત્ર્યસંગ્રામના સર્વમાન્ય નેતા તરીકે તત્કાલીન દેશકાળ સંદર્ભે વ્યક્ત કરેલી ક્રિયા-પ્રતિક્રિયા વિશેનું સમુચિત ભાષ્ય પણ મળે છે. ડાયરી ઉપરાંતના આવા ગ્રન્થોમાં પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’, જીવતરામ કૃપાલાનીકૃત ‘ગાંધીજી. જીવન અને વિચાર’, પ્રફુલ્લચન્દ્ર ઘોષકૃત ‘મહાત્મા ગાંધી’, જૈની કુદસિયાકૃત ‘ગાંધીબાપુ’, પ્યારેલાલ નૈયરકૃત ‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ ખંડ : ૧, ૨, ૩, ૪, તથા ગાંધીજીએ લખેલા સમગ્ર સાહિત્યને આવરી લેતી ગ્રન્થમાળા ‘ગાંધીજીનો અક્ષરદેહ’ ખંડ : ૧-૮૧’ ઉલ્લેખનીય છે. ગાંધીવિચાર તરીકે પ્રસ્થાપિત થયેલાં જીવનમૂલ્યોની મીમાંસા-પર્યેષણા કરતાં વિવિધ દેશી-વિદેશી ભાષાઓનાં પુસ્તકોની સંખ્યા પણ અપાર છે. એમાં કિશોરલાલ મશરૂવાળાકૃત ‘ગાંધી વિચારદોહન’, ‘ગાંધીજી અને સામ્યવાદ’, નરહરિ પરીખકૃત ‘માનવઅર્થશાસ્ત્ર’ ‘સામ્યવાદ અને સર્વોદય તથા બીજા લેખો’, ‘સર્વોદય’ સમાજની ઝાંખી’ કૃપાલાનીકૃત ‘સર્વોદયની કેળવણી’, ‘ગાંધી, માર્ક્સ અને ક્રાંતિનું વિજ્ઞાન’, ‘ગાંધીવિચારવિમર્શ’, મગનભાઈ દેસાઈકૃત ‘ગાંધીજીનો જીવનમાર્ગ’, મનુભાઈ પંચોલીકૃત ‘બે વિચારધારા’, શ્રીમન્નારાયણ અગ્રવાલકૃત ‘ગાંધીવાદી અર્થશાસ્ત્રની સંગતતા’ વગેરે નોંધનીય છે. ગાંધીસાહિત્યના પઠન-પાઠનથી કેળવાયેલી ચિંતનપ્રણાલિના રચનાત્મક પ્રભાવ વડે એક તરફ, છેવાડેના માણસના કુશળક્ષેમની ખેવના, તો બીજે છેડે સાહિત્યસર્જનમાં પ્રયુક્ત કૃતક ભાષાશૈલીના વિકલ્પે, ગાંધીઅપેક્ષિત, ‘કોસ હાંકતો કોસિયો પણ સમજી શકે’ તેવી સાદગીપૂર્ણ પણ મર્મસ્પર્શી ભાષાશૈલીના સ્વીકારને ગુજરાતી સાહિત્ય પર ગાંધીસાહિત્ય તેમજ ગાંધી વિચારનું પ્રવર્તન ઝીલનારા ‘ગાંધીયુગ’નો પ્રભાવ ગણી શકાય. મ.પ.