ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતીમાં મહાકાવ્યના છંદની શોધ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતીમાં મહાકાવ્યના છંદની શોધ: ગુજરાતીમાં મહાકાવ્ય સરજાયું નથી પરંતુ મહાકાવ્યલેખનના કેટલાક પ્રયત્નો થયા છે. નર્મદનું ‘વીરસિંહ, ‘કલાપી’નું અધૂરું રહેલું ‘હમીરજી ગોહિલ’, ‘દોલતરામનું ‘ઇન્દ્રજિતવધ’, ભીમરાવનું ‘પૃથુરાજરાસા’, ‘ન્હાનાલાલનું ‘કુરુક્ષેત્ર’ વગેરે રચનાઓને આ યાદીમાં મૂકી શકાય. દોલતરામ અને ભીમરાવે મુખ્યત્વે સંસ્કૃત પ્રણાલીને અનુસરીને સંસ્કૃત વૃત્તોમાં એવાં કાવ્યો રચવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મહાકાવ્યને અનુરૂપ મહાછંદની શોધ માટે આપણા કેટલાક કવિઓએ પ્રયત્નો કર્યા છે. નર્મદને સૌપ્રથમ વીરસપ્રધાન મહાકાવ્યલેખનના કોડ જાગ્યા હતા અને એ માટે છંદની શોધ આદરી હતી. રોળાવૃત્તમાં એને અપેક્ષિત પ્રૌઢિ ન અનુભવાઈ તેથી અંગ્રેજી બ્લેન્કવર્સ જેવો છંદ ગુજરાતીમાં ઉમેરવાની સભાનતા સાથે દક્ષિણી લાવણીના વિસ્તાર જેવા ‘વીરવૃત્ત’માં એણે ‘વીરસિંહ’ મહાકાવ્ય આરંભ્યું. જે ત્રીજા સર્ગ પછી અધૂરું રહ્યું. નર્મદની આ છંદોરચના મહાકાવ્યની પ્રૌઢિને બહુ અનુકૂળ આવે એવી નથી. એ સમયે માત્રામેળ છંદોને પરંપરિત બનાવી એમને પ્રવાહીરૂપ આપવાની દિશા ઊઘડી નહોતી. મનહરામે ‘રામ છંદ’ આગળ ધર્યો. આ છંદમાં ઝૂલણાની દાલદા સંધિનો પ્રવાહ વહે છે. જો કે આ છંદને અગેયરૂપ આપી શકાયું નહોતું નહિતર આ છંદમાં સામર્થ્ય ઘણું છે. એમ તો નવલરામે પણ સવૈયા અને લાવણીના નવીન સંયોજનરૂપ ‘મેઘ છંદ’માં ‘મેઘદૂત’નું ભાષાન્તર કર્યું હતું પરંતુ મંદાક્રાન્તાની પ્રૌઢિને આ છંદમાં ઉતારવામાં એમને ઝાઝી સફળતા મળી નહોતી. ખબરદારે ‘મહાછંદ’ આપ્યો. હકીકતે એ ભ્રમરાવલી છંદમાં થોડોક ફેરફાર કરીને નીપજાવેલો છંદ છે. એમાં લલગાનાં પાંચ આવર્તન આવે છે. અને પ્રત્યેક ગુરુ પર તાલ આવે છે. અંગ્રેજી બ્લેન્કવર્સ પંચાવર્તની હોવાને કારણે ખબરદારે લલગાનાં પાંચ આવર્તનો લઈને એમાં યથેચ્છ સ્થાને લઘુને વિકલ્પે ગુરુ મૂકી શકાય એમ કહ્યું છે. એને કારણે આ છંદ ગેયતામાં સરી પડે છે અને એકવિધતાનો અનુભવ કરાવે છે. દીર્ઘ રચનાઓમાં કટાવ છંદનો પ્રયોગ થયેલો છે. કટાવ એ સવૈયાના દાદા બીજનો વિસ્તાર (દંડક) છે. નર્મદે, મણિલાલે અને પછી ગોવર્ધનરામે એનો આવો પ્રયોગ કુશળતાથી કર્યો છે. એ બે ચતુષ્કલોની અષ્ટકલ રચના છે. પ્રત્યેક પંક્તિમાં સંધિઓ સરખી નથી એટલે એ સળંગ રચના છે પણ બળવાન તાલને કારણે આઠ માત્રાના ટુકડાઓ પડતાં નાનો સરખો વિરામ લેવો પડે છે. ‘પડી રહ્યો એ મેઘ એટલે શાં ખેચરનાં / ટોળે ટોળાં સ્વતંત્ર થાતાં, સ્વસૂખ કેરા/એક વિશે ફરિ કલોલથી કોલાહલ કરતાં/ આવે પાછાં...’ આની ચાલ ઘણી ટૂંકી છે તેમ છતાં વેગભર્યાં વર્ણનચિત્રોમાં એ સારું કામ આપે. પદ્યનાટક માટે વનવેલી છંદનો પ્રયોગ ગુજરાતીમાં સફળ રીતે થયો છે. એમાં વાક્ય ગમે ત્યાંથી શરૂ કરી ગમે ત્યાં પૂરું કરી શકવાની સગવડ છે. ચતુરક્ષર સંધિનાં આવર્તનો એમાં આવ્યા કરે છે. કેશવ હર્ષદ ધ્રુવ, રા. વિ. પાઠક, ઉમાશંકર જોશી વગેરેએ એનો અગેય સુપાઠ્ય રચના તરીકે પ્રયોગ કર્યો છે. એમાં પંક્તિઓ યથેચ્છ લંબાવી ટૂંકાવી શકાય છે અને સંવાદ જળવાય છે. મનહરધનાક્ષરીની આ ચતુરાક્ષર સંધિઓમાં લઘુગુરુનો કોઈ નિયતક્રમ નથી અને ગદ્ય સમીપની લઢણો તેમાં નીપજી શકે છે એટલે નાટક માટે એ સવિશેષ અનુકૂળ આવે છે. ન્હાનાલાલે ‘અપદ્યાગદ્ય’ અથવા ‘ડોલનશૈલી’ પોતાનાં કાવ્યો અને નાટકોમાં તેમજ ‘કુરુક્ષેત્ર’ નામક તેમના મહાકાવ્યપ્રયોગમાં યોજી. એમણે વાણીના ડોલનને-લયને કાવ્યમાં અનિવાર્ય ગણીને અણસરખાં ચરણોવાળી અર્થવિરામ પ્રમાણે ધ્વનિના આરોહઅવરોહ-ચડઊતર પઠનમાં પ્રતીત થાય એવી, પદોનો વ્યુત્ક્રમ કરતી અને વાક્યમાં અર્થનું સમતોલપણું જાળવતી નાની-મોટી ત્રણ/ચારપાંચથી ઓગણીશ/એકવીસ અક્ષરની પંક્તિઓવાળી ડોલનશૈલી નીપજાવી. જોકે પછીથી એમણે ડોલનશૈલી મહાછંદ નથી એવો એકરાર કર્યો. ડોલનશૈલીને રાગયુક્તગદ્ય, સાંદોલગદ્ય કે અછાંદસ રચના કહેવામાં આવી છે. આ શૈલીમાં કેટલીકવાર છંદની પંક્તિઓ પણ સહજતાથી ઊતરી આવી છે. એમાં ક્રિયાપદ વગરનાં વાક્યો, સમાંતરિત અને વિરોધવાળી ઉક્તિઓ, શબ્દોની પુનરુક્તિઓ અને અનુપ્રાસો આવે છે. અર્થાલંકારો અને વાગ્મિતાભર્યાં વાક્યો સાથે સમાસયુક્ત શબ્દો એમાં ઘણા આવે છે, લાડ, લઘુતા, ગૌરવ સૂચવતા પ્રત્યયો શબ્દોને લગાડેલા છે, એમાં સૂત્રાત્મક વાક્યો અને વ્યાખ્યાઓથી સ્મૃતિમાં જડાય એવી ઉક્તિઓ પણ રચાય છે. કથન અને વર્ણનમાં આ શૈલીએ ઠીકઠીક આકર્ષણ જમાવેલું પરંતુ સમગ્રપણે એ ખીલી શકી નહીં અને કવિ તેને સૂઝપૂર્વક વિકસાવી શક્યા નહીં. બળવંતરાયે બ્લેન્કવર્સને અનુરૂપ પ્રવાહી અગેય પદ્યરચનાની શોધ કરતાં પૃથ્વી છંદમાં એની ક્ષમતા નિહાળી હતી અને એના આંતરિક માળખામાં યતિ, શ્લોક, અને શ્રુતિભંગ દ્વારા પરિવર્તન લાવી એને અગેય અને સળંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાંક સંસ્કૃત વૃત્તોમાં એકસાથે ચાર/પાંચ ગુરુ કે પાંચ-છ લઘુ આવે છે. ગુરુનું વિરામવાળું કે લઘુનું વિરામ વગરનું વાક્ય લાંબું ચાલી શકે નહીં. એટલે જેમાં એકસામટા લઘુ-ગુરુ ન આવતા હોય એવા પૃથ્વી છંદ ઉપર બળવંતરાયે પસંદગી ઉતારી. એમાં વૈવિધ્ય લાવવા પૃથ્વીને દોઢાવ્યો પણ છે. વાક્યોના અર્થવિરામો તેમજ ઉચ્ચારમાં ધ્વનિના અર્થને અનુકૂળ આરોહઅવરોહથી પૃથ્વી છંદ લાંબો ટકી શકે છે. એની રૂઢ ગતિ શિથિલ બની, અર્થને અનુસરતી યતિને એમાં સ્થાન મળ્યું, પંક્તિના અંતનો પ્રાસ જતાં અને શ્લોક તૂટતાં ભાવાનુસારી પરિચ્છેદોને કારણે અગેયતાનું તત્ત્વ ઊપસી આવ્યું. પ્રવાહી અને પાઠ્ય બનેલો પૃથ્વી દીર્ઘકાવ્યોમાં સબળતાથી પ્રયોજાયો પણ નાટ્યરચના માટે લઘુગુરુની નિશ્ચિત સ્થાન–વ્યવસ્થાને લીધે એ પદ્યની સમીપ પહોંચી શકે એવું લાગતું નથી. ગુજરાતીમાં હમણાં પ્રગટ થયેલા ‘ડિવાઈન કૉમિડી’, ‘ઇલિયડ’ અને ‘પેરેડાઈઝ લોસ્ટ’ના અનુવાદોમાં વસંતતિલકા અને અનુષ્ટુપનો પ્રયોગ થયો છે. ચિ.ત્રિ.