ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘનભવિષ્યવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘનભવિષ્યવાદ (Cubo-Futurism): પ્રથમ વિશ્વયુદ્ધની સાથોસાથ અસ્તિત્વમાં આવેલી રશિયન કવિતાની એક વિચારધારા. આ વિચારધારાના અનુયાયી કવિઓએ પોતાને ભવિષ્યવાદીઓ (Futurist) તરીકે ઓળખાવ્યા. કાવ્યની ભાષા તથા તેના વસ્તુમાં પાયાના ફેરફાર કર્યા. વ્યાકરણના નિયમોથી માંડીને પ્રેમ-શૌર્ય જેવા વિષયવસ્તુનો તેમણે વિરોધ કર્યો. અને કાવ્યમાં ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ ઉપર ભાર મૂક્યો જેને લીધે અર્થને સ્થાને ‘નાદ’ એ કાવ્યનાં મુખ્ય અંગ તરીકે પ્રગટ થાય છે. ઘનવાદ તથા દાદાવાદને મળતી આવતી આ વિચારધારા છે. માયકોવ્સકી આ વિચારસરણીનો અગ્રણી અનુયાયી છે. ચં.ટો.