ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘનવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘનવાદ (Cubism): યુરોપીય ચિત્રકળામાં પ્રચલિત બનેલો વાદ. ૧૯૦૮માં ફ્રાન્સમાં બે ચિત્રકારો પાબ્લો પિકાસો અને ઝોર્ઝ બ્રાકની ચિત્રશૈલીને એન્રી માતીસે મજાકમાં આ સંજ્ઞાથી પહેલી વખત ઓળખાવી અને પછી કાયમ માટે એ રૂઢ થઈ ગઈ. પૉલ સેઝાનથી કંઈક અંશે પ્રભાવિત આ ચિત્રકારોએ વસ્તુજગતના પદાર્થોનો આભાસ જાળવી, ઘણા અવળસવળ કર્યા અને પદાર્થના એક પ્રત્યક્ષ આકારને બદલે અનેક અમૂર્ત ભૌમિતિક આકાર જન્માવ્યા. એ દ્વારા પદાર્થની બાહ્ય નહીં, પણ નિહિત વાસ્તવિકતાને પ્રગટ કરવાની એમની નેમ હતી. પિકાસોનું ‘લે દેમ્વાઝેલ એવીનીએ’ (Les Demoiselles Avignon) કે બ્રાકનું ‘મેન વિથ ગિટાર’ ઘનવાદી શૈલીનાં ઉત્તમ ચિત્રો ગણાય છે. વસ્તુનું અમૂર્તીકરણ (abstraction) કરવાની જે પ્રક્રિયા આધુનિકતાવાદી કળાઓમાં વીસમી સદીના પ્રારંભે શરૂ થઈ તેને વેગ આપવામાં ઘનવાદનું પ્રદાન મહત્ત્વનું છે. પાછળથી ઘણા ઘનવાદી ચિત્રકારોએ વસ્તુજગતના પદાર્થનો સહેજ પણ આભાસ ન હોય એવાં વિવિધ ભૌમિતિક આકારોવાળાં ચિત્રો પણ દોર્યાં, પરંતુ પિકાસોએ આવાં ચિત્રોનો વિરોધ કર્યો હતો. વીસમી સદીના ઘણા ફ્રેન્ચ અને યુરોપીય કવિઓએ ઘનવાદનો પ્રભાવ ઝીલ્યો છે. ગુજરાતી કવિતામાં મહેશ દવેએ પોતાનાં ‘બીજો સૂર્ય’નાં કાવ્યોમાં આ અસર ઝીલવાનો પ્રયત્ન કર્યો છે. જ.ગા.