ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવલકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નવલકથા : મનુષ્યે એની રઝળપાટભરી શિકારી જિન્દગી છોડીને જીવનયાપન માટે ખેતીવાડી અને પશુપાલન તથા સ્થાયી વસવાટની જીવનશૈલી અપનાવીને એની અન્ન, વસ્ત્ર અને આવાસની પ્રાથમિક જીવનજરૂરિયાતોનો પ્રશ્ન હલ કર્યો ત્યારથી તેનો કથાકથન અને શ્રવણનો શોખ કેળવાયો છે. સવારથી સાંજ સુધીની જીવન-મથામણોથી પરવારીને રાતે ફુરસદના સમયે મનગમંત અને-ગઢંત વાતો કરીને એ માનવસમૂહ પારસ્પરિક મનોરંજન પામતો રહ્યો છે. કાળક્રમે, સંસ્કૃતિના વિકાસની સાથે તેનો સૂચિત વાર્તાકથન અને શ્રવણનો શોખ પણ દાદા-દાદીની વાતોથી વિકસતો, પરિવર્તન પામતો રહીને ડાયરા, કથાપારાયણ અને આખ્યાન જેવી કથાકથન-શ્રવણની કંઠ્ય-શ્રાવ્ય પરંપરાઓથી સમૃદ્ધ થઈને મનોરંજક ઉપરાંત પ્રેરક અને બોધક નીવડતી ‘બૃહત્કથા’, ‘પંચતંત્ર’ અને બૌદ્ધ જાતકકથાઓ રૂપે લિપિનું માધ્યમ સ્વીકારી વ્યાપક તેમજ ચિરંજીવ બન્યો છે. કથા-વાર્તાનો જન્મ ભલે પ્રત્યેક માનવ-સંસ્કૃતિના હાલરડાંની સંગાથે થયો હોય. પરંતુ નવલકથા તો, અર્વાચીનયુગની નીપજ છે, એટલું જ નહીં ભારતીય સાહિત્ય જગતમાં તો તે પશ્ચિમીઆયાતી સાહિત્ય-સ્વરૂપ છે. મનુષ્યની ઉત્તરોત્તર સંકુલ થતી રહેલી જિન્દગીના કલાત્મક પરંતુ વાસ્તવલક્ષી નિરૂપણ માટે નિરંતર મથતી રહેલી નવલકથા તેના બાલ્યકાળે ‘રોમાંસ’ (રોમાંચકથા) રૂપે પ્રચલન પામી છે. પરંતુ ગદ્યપદ્યમિશ્રિત ‘રોમાંસ’માંના વીર અને અદ્ભુતરસનું પ્રાબલ્ય છાંડી-છોડીને નવલકથા પ્રતીતિકર પાત્રસૃષ્ટિ દ્વારા માનવજીવનનું કાર્યકારણબદ્ધ, કલ્પનોત્થ, ગદ્યપદ્યમય નિરૂપણ કરતી રહીને ઉત્તરોત્તર વિશેષ તાર્કિક, સુલભ અને સંભાવનાશીલ બની રહી છે. અલબત્ત, એક અધુનાતન સાહિત્યસ્વરૂપ લેખે તે એવી તો લવચિકતા ધરાવે છે કે તેની વ્યાખ્યા કરવાં જતાં ચાળણીમાં પાણી ઝીલવાની સ્થિતિ જ સર્જાય! આ ભૂમિકાએ જ નવલકથાને તેના મીમાંસકોએ શુદ્ધ સાહિત્યસ્વરૂપ તરીકે ઓળખાવવાની હિંમત દાખવી નથી. તેમ છતાં નવલકથાની લાક્ષણિકતાઓને નજર સમક્ષ રાખીને એટલું અવશ્ય કહી શકાય કે નવલકથા એ, આ સૃષ્ટિનું, કાલ્પનિક અને ક્રિયાશીલ પાત્રસૃષ્ટિ દ્વારા થતું કથનકેન્દ્રી, વાસ્તવમૂલક અને ગદ્યદેહી એવું દીર્ઘસૂત્રી પ્રતિનિધાન છે. સૂચિત વ્યાખ્યાથી એટલું આપોઆપ ફલિત થાય છે કે નવલકથા સમગ્ર માનવજીવનની પ્રતિકૃતિ નીવડવાની ક્ષમતા ધરાવે છે. પોતાના ઉદ્ભવકાળે નવલકથાએ મનુષ્યની બે પ્રમુખ મૂળભૂત વૃત્તિ : ભય અને પ્રેમનું નાનાવિધ રીતે-રૂપે નિરૂપણ કર્યું છે. પોતાને સતત સંત્રસ્ત રાખનારા વિવિધ પ્રકારના ભય પર વિજયી બનવાની મથામણ કરનારા મનુષ્યે સાહિત્યસર્જનના પ્રારંભે, સ્વાનુભૂત અને સર્વાનુભૂત સામગ્રીનો વિનિયોગ કરીને, સૂચિત બન્ને મૂળભૂત વૃત્તિઓનું પ્રધાનપણે નિરૂપણ કરતી સાહસ અને શૌર્યકથાઓ તેમજ પ્રેમકથાઓ આપી છે. શૌર્યકથામાંના વીરઅદ્ભુતરસના પ્રાધાન્યથી સર્જાતી અતાર્કિકતાએ મનુષ્યને પ્રેમકથાઓમાં પ્રતીતિકરતાના નિર્વહણ માટે સજાગ-સભાન બનાવ્યો અને એ રીતે રોમાંચકથામાંથી નવલકથાનો જન્મ થયો. શૌર્યકથાની સફળતા, વાચકને એક પણ પળ વિખૂટો પડવા દીધા વિના રોમાંચકારી ઘટનાવલીમાં રમમાણ રાખવામાં છે તો, મનુજપ્રણયની મહત્તાનું ગાન કરતી પ્રેમકથાઓનો આત્મા તેની ચરિત્રસૃષ્ટિની નિરવધિ સંકુલતામાં રહેલો છે. માનવસભ્યતાના વિકાસની સાથોસાથ વાચક પણ ‘પછી શું થયું?’ – એવા નર્યા જિજ્ઞાસામૂલક સવાલનો એવો જ સનસનાટીપૂર્ણ જવાબ આપતી રોમાંચકથાની તુલનાએ, ‘ઘટી તે ઘટના શી રીતે અને શા માટે ઘટી?’ એવા પ્રશ્નના, વિસ્મયબોધમાં પર્યવસાન પામતા ઉત્તરની શોધમાં વાસ્તવલક્ષી અને મનોવિશ્લેષણાત્મક નવલકથા તરફ અભિમુખ થતો રહ્યો છે. અલબત્ત, તેની આવી સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિની નોંધ લેવાની સાથે જ એ પણ અવશ્ય નોંધવું જોઈએ કે આજે પણ કથાપ્રિય વાચકોનો એક બહોળો વર્ગ, સ્થૂળ ઘટનાવલિથી પોષાતી જિજ્ઞાસાનો પ્રેર્યો પેલી લોકપ્રિય રોમાંચકથાને પર્યાપ્ત મુગ્ધતાથી માણે છે. નવલકથાનું સર્જન અને આસ્વાદન એક સાવયવ કલાકૃતિ રૂપે જ થતું હોય છે પરંતુ તેની પ્રભાવોત્પાદકતા સંદર્ભે પૃથક્કરણ કરતી વેળા તેનાં, વર્ણ્યવિષય-કથાનક, ઘટના, પાત્રસૃષ્ટિ, ભાષા અને શૈલી, દેશકાળજન્ય વાતાવરણ અને નિરૂપિત જીવનદર્શન જેવાં જૂજવાં નામરૂપધારી ઘટકતત્ત્વો પ્રત્યક્ષ થાય છે. કૃતિમાં આ ઘટકતત્ત્વોની ઉચ્ચાવચતા ઓગળી જાય અને કૃતિ એક પુદ્ગલ તરીકે રસાનુભૂતિ કરાવે એ સ્થિતિ આદર્શ ગણાઈ છે. પરંતુ હકીકતે એવું બહુ ઓછી રચનાઓમાં જોવા મળે છે. આ સ્થિતિમાં ઉપર્યુક્ત પૈકી કોઈ એક અથવા એકાધિક ઘટકતત્ત્વો કૃતિમાં પ્રાધાન્ય ભોગવતાં હોય છે. કથાનક એ નવલકથાની કરોડરજ્જુ છે. બીજી રીતે કહીએ તો કથાનક સિવાયનાં બીજાં ઘટકતત્ત્વો હકીકતે કથાનકનું વિસ્તૃત અને વિશદ વિભાજન છે. કથાનકમાં કૃતિની ઘટનાઓનું કાળક્રમાનુસારી તેમજ કાર્યકારણ સંબંધને સૂચવતું નિરૂપણ અપેક્ષિત છે. વાર્તાની માફક કથાનકમાં ‘શું થયું?’ – એ પ્રશ્નનો ઉત્તર તો હોય જ છે. પરંતુ એ ઉપરાંત ઘટિત ઘટના શી રીતે અને શા કારણે ઘટી-તેનું તર્કસંગત નિરૂપણે ય થતું હોય છે. ઉત્તમ કથાનક સંદર્ભે લૌકિકતા, પ્રમાણભૂતતા, રહસ્યમયતા, કુતૂહલયુક્તતા, સજીવતા, સ્વાભાવિકતા, મનોવૈજ્ઞાનિકતા, સુગઠિતતા, સુસમ્બદ્ધતા અને રોચકતા જેવી લાક્ષણિકતાઓ અનિવાર્ય ગણાઈ છે. નવલકથાના કથાનકને તેની પાત્રસૃષ્ટિ ચરિતાર્થ કરે છે. ‘સમથિંગ ડન બાય સમબડી’માંના ‘સમબડી’ અર્થાત્ ક્રિયાન્વિત ચરિત્રનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. ઉત્તમચરિત્રો પાસે એ અપેક્ષા રહે છે કે તે કથાવાચન દરમ્યાન વાચકને પ્રત્યક્ષ થઈ રહીને મનુષ્યવત્ અનુભવાય. નવલકથાનાં પાત્રોના મુખ્ય અને ગૌણ તેમજ વિકાસશીલ તથા સ્થિર-સ્થગિત જેવાં વર્ગીકરણો થયેલાં છે. ભાષા એ નવલકથા સર્જનનું માધ્યમ-સાધન માત્ર હોવા છતાં એ સાધન દ્વારા જ કૃતિમાંનો નિયમિત સમગ્ર કલાપ્રપંચ વાચક લગી સંપ્રેષિત થાય છે. આ ભૂમિકાએ નવલકથાની ભાષાએ તેની નિરૂપ્યમાન કથાસામગ્રીની પ્રકૃતિ-તાસીર અનુસાર પોતાની વ્યંજનાશક્તિ દાખવવા લવચિકતા સિદ્ધ કરવી પડે છે. ભાષાની આવી સ્થિતિસ્થાપકતા તેની ઉપયુક્તતા, સ્વાભાવિકતા, સુસમ્બદ્ધતા, અનુકૂળતા, ભાવપ્રવણતા, ઉદ્દેશલક્ષિતા અને તેના લાધવથી નિષ્પન્ન થાય છે. નવલકથાની ભાષાનો એક મોટો હિસ્સો તેનાં ચરિત્રોનાં સંવાદાદિ ભાષાપ્રયોજન રોકે છે. આ સ્થિતિમાં પાત્રગત ભાષાપ્રયોજનો, પાત્રોની માનસિકતા (mental makeup) પ્રગટ કરવામાં સીધાં સહાયક બને એ અપેક્ષા પણ રહે છે. નવલકથાની રચનાશૈલી તેના વર્ણ્યવિષયને અનુસરે તે અપેક્ષિત છે. આધુનિક મનુષ્યની સંત્રસ્ત ચેતનાનું નિરૂપણ કરનારી મનોવિશ્લેષણાત્મક નવલકથાના સર્જનમાં, ઘટનાપ્રધાન નવલકથામાં પ્રયોજાતી કથનાત્મક અને વર્ણનાત્મક નિરૂપણશૈલીના વિકલ્પે મનોવિશ્લેષણાત્મક, આત્મકથનાત્મક તેમજ પીઠ-ઝબકાર (Flash back) પદ્ધતિ દ્વારા સધાતી ચૈતસિક સમયનિરૂપણ જેવી પદ્ધતિ વિશેષ ઉપાદેય બને તે સ્વયં-સ્પષ્ટ છે. નવલકથાની ઘટના અને તેમાં સંયોજાનારી પાત્રસૃષ્ટિના અસ્તિત્વ-હયાતી માટે અનિવાર્ય નીવડતાં બે પરિબળો, દેશ અને કાળ દ્વારા રચાતો પ્રતીતિકર પરિવેશ/વાતાવરણ નવલકથાનું સહાયક પણ તેની તથાકથિત ભૌતિકતાને ઉપસાવવાનું મહત્ત્વપૂર્ણ ઘટકતત્ત્વ લેખાયું છે. કલાકૃતિમાં નિરૂપિત સ્થળ અને સમય, તેનાં ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિજગત, ખનિજસંપત્તિ તેમજ ઋતુચક્ર, પ્રજામાનસ, તેનાં તીજ-તહેવારો, રહેણીકરણી, વેશભૂષા, સામાજિક, આર્થિક, ધાર્મિક અભિગમોને પ્રગટાવતી જીવનશૈલી જેવી વીગતોથી આગવાં અને પ્રતીતિકર અનુભવાય તે આવશ્યક ગણાયું છે. કલાકૃતિ લેખે નવલકથાનો લેખક કલાનુભવની સાથે જ પોતાને અભિપ્રેત એવો જીવનસંદેશ પણ વ્યક્ત-સંક્રાન્ત થાય તેવી અપેક્ષા રાખે છે. અલબત્ત, આ મુદ્દો આજપર્યન્ત વિવાદાસ્પદ રહ્યો છે. છતાં સર્જક પોતાને લાધેલા જીવનઋતમાં વાચકને હિસ્સેદાર બનાવવાની આતુરતા-તત્પરતાનો પ્રેર્યો જ કલમ ઉપાડે છે, તેવી પરંપરિત માન્યતા પણ છે. કૃતિમાં નિરૂપિત એવું, નવલકથાકારનું સૂચિત જીવનદર્શન કૃતિનાં કલાસ્વરૂપ અને સામગ્રીનો રસાયનયોગ બની રહે તે કામ્ય છે. નવલકથાના કલાસ્વરૂપને વ્યાખ્યાયિત કરવાના નાનાવિધ પ્રયત્નોના એક અવાન્તર પરિણામ રૂપે તેમજ અભ્યાસકીય સરળતા અને સાનુકૂળતા માટે નવલકથાનાં પ્રકારાન્તર્ગત વર્ગીકરણો થતાં રહ્યાં છે. સૂચિત વર્ગીકરણોમાં પણ નવલકથાના કળાસ્વરૂપની પ્રધાન લાક્ષણિકતા લવચિકતા પ્રતિબિંબિત થાય છે. એ કારણે તેના પ્રકારો કે વર્ગીકરણો સ્થિતિચુસ્ત નીવડતાં નથી. આ પ્રકારો અને વર્ગીકરણોનો મુખ્ય આધાર બહુધા, નવલકથાનાં વિષયવસ્તુ, પાત્ર, ઘટના, દેશકાળજન્ય વાતાવરણ, નિરૂપણશૈલી અને જીવનદર્શન જેવાં ઘટકતત્ત્વો બને છે તો, ક્વચિત્ કૃતિનું કદ, તેની લેખન-પ્રકાશન પદ્ધતિ તેમજ વાચક પરના તેના પ્રભાવની માત્રા-જેવાં બાહ્ય પરિબળો પણ તેના વર્ગીકરણ-પ્રકારોનું નિમિત્ત બને છે. નવલકથામાં કશુંક બને છે અને એ બનાવ-ઘટના-ક્રિયાનો કર્તા કોઈ વ્યક્તિ અર્થાત્ પાત્ર હોય છે. નવલકથાનાં બે મહત્ત્વનાં ઘટકતત્ત્વો ઘટના અને પાત્રના આધારે તેનું પ્રારંભિક વર્ગીકરણ ઘટનાપ્રધાન નવલકથા અને પાત્રપ્રધાન નવલકથા રૂપે થયું છે. ઘટનાપ્રધાન નવલકથાના વર્ગમાં રોમાંચકથા તળે આવતી રહસ્યકથા, સાહસકથા, વિજ્ઞાનકથા, પ્રેતકથા ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ પ્રકારની કૃતિઓમાં પ્રતીતિકર ચરિત્રચિત્રણ અને સુસમ્બદ્ધ કથાનકના વિકલ્પે સઘળો મદાર રોમાંચકારી ઘટનાવલી પર રાખવામાં આવે છે. તેની આવી તાસીરને લીધે તેનો જાગૃત વાચક પ્રતીતિવિરહ જેવું રસવિઘ્ન અનુભવે છે. છતાં કાળક્ષેપ-નિર્ગમન માટે થતાં વાચનની સામગ્રી રૂપે આવી ઘટનાપ્રધાન નવલકથાઓ ખાસ્સી લોકપ્રિય નીવડે છે. વાચકોના એક જાગૃતવર્ગને, નરી ઘટનાના વિકલ્પે પાત્રોની માનસિકતા અને તેના ઘડતર માટે જવાબદાર પરિબળોની જાણકારીમાં વિશેષ રસ હોય છે. પાત્રો જેમાં સંકળાય છે, સંડોવાય છે એ ઘટનામાંનાં તેનાં વર્તન-વ્યવહારોની પૃષ્ઠભૂ લેખે પાત્રની બાહ્યાભ્યંતર પરિસ્થિતિ-મન :સ્થિતિનું તલસ્પર્શી, સૂક્ષ્મ વિશ્લેષણમૂલક નિરૂપણ કરતી કૃતિ પાત્રપ્રધાન નવલકથાના વર્ગમાં વર્ગીકૃત થાય છે. આવી કૃતિઓ પાત્રોના વિગત, સામ્પ્રત અને અનાગત સમયની સાથે કામ પાડી તેના મન, વચન અને કર્મજન્ય વ્યવહારોનું, વાચકને તર્કસંગત અને વિશ્વસનીય અનુભવાય એવું નિરૂપણ કરે છે. વીરશૌર્યમૂલક રોમાંચકથાની ધાટીથી ઉપર ઊઠીને પાત્રપ્રધાન બનીને નવલકથાએ સ્વરૂપગત વિકાસ સાધ્યો છે. પાત્રપ્રધાન નવલકથાના વર્ગીકરણ પાછળ એક ખ્યાલ એ પણ પ્રવર્તે છે કે આવી કૃતિમાં કોઈએક ચરિત્ર કેન્દ્રવર્તી પરિબળ તરીકે ક્રિયાન્વિત હોય તેમજ કથાના આરંભથી અંત લગી એ ચરિત્ર વિભિન્ન પરિસ્થિતિમાં મુકાવા છતાં પોતાની ચારિત્ર્યિક વિલક્ષણતાઓ પૂર્વવત્ ટકાવી રાખીને કૃતિના વિકાસમાં સિંહફાળો આપતું હોય. ‘ભદ્રંભદ્ર’ આ પ્રકારની કૃતિનું સચોટ દૃષ્ટાંત છે. નવલકથાના વિષયવસ્તુ આધારિત વર્ગીકરણમાં પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કથાસામગ્રી ધરાવતી નવલકથાઓ સમાવેશ પામે છે. દેખીતું છે કે આ પ્રકારની રચનાઓમાં કથાની નિરૂપિત સામગ્રી પ્રાધાન્ય ભોગવે છે. નવલકથાના વિષયવસ્તુગત વિકાસની દિશા પૌરાણિકથી આરંભાઈ મનોવૈજ્ઞાનિક વિષય વસ્તુ પરત્વેની રહી છે તે અહીં દૃષ્ટવ્ય છે. નવલકથાની ઘટના જે રીતે વ્યક્તિ-નિરપેક્ષ ન હોઈ શકે એ જ રીતે તે સ્થળકાળ નિરપેક્ષ પણ ન હોઈ શકે. જેમ જીવસૃષ્ટિમાં પર્યાવરણનું મહત્ત્વ છે એ જ રીતે નવલકથામાં તેની પૃષ્ઠભૂ લેખે દેશકાળજન્ય વાતાવરણ મહત્ત્વ ધરાવે છે. સ્થળ અને સમયનું પ્રાધાન્ય ધરાવતી કૃતિઓને કાળકથા (ક્રોનિકલ નૉવેલ) તથા પ્રદેશકથા (રિજિયોનલ નૉવેલ) જેવા વર્ગોમાં વર્ગીકૃત કરી છે. કાળકથામાં નિરૂપિત સમય-વિશેષની મહત્તા થઈ હોય છે જ્યારે, પ્રદેશકથા, જેને હિન્દી ભાષામાં આંચલિક અને ગુજરાતીમાં જાનપદી નવલકથા કહે છે, તેમાં કોઈ પ્રદેશનાં પરગણું, ઇલાકો કે ગામ કહેતાં તળપદ-જનપદ કેન્દ્રસ્થાને હોય છે. આ પ્રકારની રચનાઓમાં, તેને અભીષ્ટ દર્શન પાત્રોની તુલનાએ સ્થળ-સમયને વિશેષ મહત્ત્વ આપીને તેના દ્વારા વ્યક્ત કરાય છે. કાળકથાની પાસે એક વિશાળ સમયફલકની અપેક્ષા રહે છે. જ્યારે પ્રાદેશિકકથાની વિશેષતા, તે કોઈ સીમિત સ્થળ-વિશેષનું સઘન નિરૂપણ કરે તેમાં છે. ગુજરાતી ભાષામાં શુદ્ધ કાળકથા કે પ્રદેશકથાનું સચોટ દૃષ્ટાંત સુલભ નથી પરંતુ ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘માનવીની ભવાઈ’, ‘બાવડાના બળે’, તથા ‘ઉપરવાસ’ નવલત્રયી જેવી નોંધપાત્ર કૃતિઓમાં આ નવલકથા-પ્રકારને સિદ્ધ કરવાના સંનિષ્ઠ પ્રયાસો જરૂર થયા છે. નવલકથાની લેખનશૈલીને અનુસરીને થયેલા વર્ગીકરણમાં વર્ણનપ્રધાન, સંવાદપ્રધાન, પત્રશૈલી, ડાયરીશૈલી, પાર્શ્વપ્રકાશ-પીઠઝબકાર (ફ્લેશ બૅક), આત્મકથનાત્મક તથા ચેતનાપ્રવાહ નિરૂપણપદ્ધતિથી લખાતી કૃતિઓ આવે છે. નવલકથાલેખનના પ્રારંભકાળે બહુધા વર્ણનપ્રધાન કૃતિઓ મળી છે જ્યારે અર્વાચીન અને આધુનિકકાળમાં આત્મકથા, પત્ર તેમજ ડાયરી જેવાં સાહિત્યસ્વરૂપોની લેખનશૈલીનો વત્તોઓછો ઉપયોગ કરીને નવલકથાલેખનના પ્રયોગો થયા છે. આ પ્રકારની કૃતિઓમાં સાદૃશ્યમૂલક સાહચર્યો દ્વારા પાત્રોને પૂર્વસ્મરણને વશ કરી તેના જીવનની વિગત-પળોનું સમરૈખિકના વિકલ્પે ચૈતસિક સમયક્રમથી નિરૂપણ થાય છે. અનુઆધુનિક નવલકથાકારો પાસેથી આ પ્રકારની કૃતિઓ વિશેષ પ્રમાણમાં મળી છે. નવલકથાના ઉપર્યુક્ત મુખ્ય પ્રકારો ઉપરાંત સમસ્યાનું નિરૂપણ કરતી સમસ્યાકથા, ચિંતનાત્મક અભિગમથી લખાયેલી ચિંતન-વિચારપ્રધાન નવલકથા (Novel of Ideas), નરી રંગદર્શિતાના વિકલ્પે, યુટોપિયન ન થઈ જવાના સંકલ્પથી વાસ્તવ સાથે કામ પાડતી વાસ્તવલક્ષી નવલકથા, આધુનિક મનુષ્યની વાત, આધુનિક રચનારીતિથી કહેતી આધુનિક નવલકથા, અસ્તિત્વાદનો પ્રભાવ ઝીલી, મનુષ્યે પોતાની હયાતી વિશે, પોતાને પૂછેલા નિર્મમ સવાલોનું સમાધાન-નિરપેક્ષ નિરૂપણ કરતી અસ્તિત્વવાદી નવલકથા તો, જીવનની નિરર્થકતાને સમગ્રતયા પ્રમાણીને મનુષ્યની એકલતાને, તેની મુમૂર્ષાને આલેખતી પ્રતિ નવલ (એન્ટી નોવેલ) જેવા પ્રકારોનું ખેડાણ થયું છે, થઈ રહ્યું છે. આ સિવાય હપ્તાવાર લખાતી અને એ જ રીતે સમાચારપત્રોની સાપ્તાહિક પૂર્તિમાં છપાતી ધારાવાહી નવલકથા, વાચકની નાડ પારખી, એની રંજકતાની માંગ અનુસાર લખાતી લોકપ્રિય અર્થાત્ રંજનકથા અને પોતાના કદની માત્રાને કારણે લઘુ-દીર્ઘ ઠરતી લઘુનવલ અને બૃહન્નવલ! આમ નવલકથા એની સ્વરૂપગત લવચિકતાને કારણે નિરંતર અવનવા લક્ષણ-વિશેષો પ્રગટાવતી રહીને અવનવા પ્રકારોમાં વર્ગીકૃત થતી રહી છે. ર.ર.દ.