ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નારીવાદી વિવેચન
નારીવાદી વિવેચન (Feminist Criticism) : નારીવાદીઓ માને છે કે મૂળભૂત રીતે પુરુષશાસિત ભાષાથી નારીઓનું શોષણ થતું આવ્યું છે. એરિસ્ટોટલથી ચાલી આવેલા બુદ્ધિના પુરુષસિદ્ધાન્તે માતૃસત્તા પર પિતૃસત્તાને સ્થાપેલી છે. નારીવાદી વિવેચન મોટે ભાગે આ પિતૃસત્તાત્મક સંસ્કૃતિની સંતુષ્ટ સ્થિરતાઓને સંક્ષુબ્ધ કરવા માગે છે અને નારીલેખકો તેમજ વાચકો માટે ઓછી શોષિત પરિસ્થિતિ જન્માવવા ઇચ્છે છે. કેટલાકનું માનવું છે કે ઋતુધર્મ, ગર્ભાધાન પ્રસૂતિ જેવા નારીજીવનના વિશિષ્ટ અનુભવો નારી જ કરી શકે. વળી, નારીઅનુભવ સાથે જુદા જ પ્રકારનું સંવેદનનું અને લાગણીનું જગત સંકળાયેલું છે. નારીલેખનમાં સાહિત્યિક પ્રતિનિધાનના આ જુદાપણાનો અભ્યાસ નારીમીમાંસા (gynocritics) તરીકે ઓળખાય છે. રાજકીય નારીવાદ, ફ્રેન્ચ નારીવાદી વિવેચન જેવા નારીવાદી વિવેચનના પ્રવાહો જોવા મળે છે. ટૂંકમાં, સંરચનાવાદ, મનોવિશ્લેષણ, માક્સવાદ જેવા જ્ઞાનાનુશાસનો સાથે આપ-લે કરી અત્યારે આ વિકસતો વિષય છે. સિમોં દ બુવા, કેત મિલે, ડેય્લ સ્પેન્ડર, જુલ્ય ક્રિસ્તેવા, ઝાક લકાં, વર્જિનિયા વુલ્ફ વગેરે આ શાખાના મુખ્ય પ્રવર્તકો છે.
હ.ત્રિ.