ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિશાસ્ત્ર અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



નીતિશાસ્ત્ર અને સાહિત્ય : સાહિત્ય અને નીતિશાસ્ત્રનો સંબંધ વિચારતાં આપણને સમજાય છે કે કલા-સાહિત્ય અંગેનો નીતિલક્ષી (moralistic) અભિગમ પ્રમાણે સાહિત્ય કે અન્ય કલાઓનું મૂલ્યાંકન નૈતિક શ્રેયતત્ત્વ પ્રમાણે થવું જોઈએ. નૈતિક મૂલ્યો સાધ્ય છે અને સાહિત્ય તેનું સાધન છે. નૈતિકતા પોષનારું સાહિત્ય ઉત્તમ સાહિત્ય છે અને નૈતિકતાને વિઘાતક નીવડનારું સાહિત્ય અનિષ્ટ સાહિત્ય છે, તેવો નૈતિકતા ઉપર આધારિત સાહિત્યના મૂલ્યોનો નિકષ(criterion) નૈતિકતાવાદી અભિગમ સ્થાપે છે. દા.ત. કથાઓ કે કવિતાઓની નૈતિક રીતે અવળી અસરો પડે છે તે બાબત પ્લેટોએ ભારપૂર્વક સ્પષ્ટ કરી છે. તોલ્સ્તોય પ્લેટો જેવો અનુકરણવાદી અભિગમ નથી સ્વીકારતા પરંતુ કલા વિશે તેઓ આવિષ્કારવાદ (expressionism) સ્વીકારે છે. કયા મનોભાવો અભિવ્યક્ત કરી સંક્રમિત કરવા ઉચિત છે તે બાબતને આધારે તોલ્સ્તોય કલાના નૈતિક નિકષ (criterion) ઘડે છે. પ્લેટો અને તોલ્સ્તોયની જેમ માર્ક્સવાદીઓ પણ શુદ્ધ કલાવાદી ન હોવાથી સાહિત્ય-કલા ક્રાંતિ અને પરિવર્તનને ઉપકારક છે કે બાધક તે દૃષ્ટિએ વિચારે છે. અસ્તિત્વવાદી સાર્ત્ર મુજબ સ્વાતંત્ર્યપોષક સાહિત્ય જ ઉત્તમ હોઈ શકે. સ્વાતંત્ર્યના વિરોધમાં અને ગુલામીના પક્ષે લખાયેલું કોઈ ગદ્યસાહિત્ય ઉત્તમ ન હોઇ શકે તેમ સાર્ત્ર માને છે બીજે પક્ષે શુદ્ધકલાવાદ (Aestheticism) પ્રમાણે કલાકૃતિને અન્ય માનવસર્જિત કૃતિઓથી અલગ પાડવામાં અને નબળી કલાકૃતિનો ઉત્તમ કલાકૃતિથી ભેદ પાડવામાં કલાવિશિષ્ટ એવાં સ્વાયત્ત ધોરણો જ પ્રવર્તી શકે. નૈતિકતાવાદ કે શુદ્ધકલાવાદનો આગ્રહ ન રાખનારા કેટલાક આંતરક્રિયાવાદી ચિંતકો માને છે કે નૈતિક અને કલાત્મક મૂલ્યો જુદાં હોવાં છતાં સાહિત્ય-કલામાં બન્ને વચ્ચે વિશિષ્ટ પ્રકારની આંતરક્રિયા પ્રવર્તે છે. સાહિત્ય પ્રત્યક્ષ રીતે ઉપદેશાત્મક હોવાનું આવશ્યક નથી પરંતુ પરિસ્થિતિઓ અને પાત્રોનું યથાર્થ પ્રતિનિધાન કરીને સાહિત્ય પરોક્ષ રીતે પણ નીતિપોષક નીવડે છે. મેથ્યુ આર્નલ્ડને કલાત્મક અને નૈતિક મૂલ્યોનો સમન્વય અભિપ્રેત છે. એફ. આર લિઆવિસ પણ આર્નલ્ડની જેમ સમન્વયને સ્વીકારે છે. સદ્ગુણપોષક, સુરુચિપ્રેરક સાહિત્ય ઘણી વાર નિષ્ઠા, સચ્ચાઈ, ઊંડાણપૂર્વકની અનુભૂતિ, આત્મિક સ્વાસ્થ્ય વગેરે ઉપર ભાર મૂકે છે પણ તેથી સંઘર્ષ, અન્યાય કે જુલ્મને પડકારતું સાહિત્ય બનત નથી તેવો અભિગમ પણ ઘણા વિવેચકોમાં જોઈ શકાય છે. ખાસ તો નીતિશાસ્ત્રના સિદ્ધાન્તો સાહિત્યના સ્વરૂપ કરતાં સાહિત્યનાં સામાજિક કાર્યોની વિચારણામાં ઉપકારક નીવડી શકે છે. ઉપદેશાત્મક – નીતિશાસ્ત્રથી ભિન્ન વિશ્લેષણાત્મક નીતિશાસ્ત્રમાં શ્રેય શું, કર્તવ્ય શું વગેરે વિભાવનાઓની વિશ્લેષણાત્મક ચર્ચા થાય છે. તે ઉપરાંત એમાં નૈતિક વિધાનો, કલાલક્ષી વિધાનો અને તથ્યાત્મક વિધાનોના ભેદ અને તેના સ્વરૂપની સમીક્ષા થાય છે. આ અર્થમાં વિશ્લેષણાત્મક નીતિશાસ્ત્ર – સૌન્દર્યમીમાંસા સાથે સંકળાયેલું છે, પ્રત્યક્ષ આસ્વાદ કે વિવેચન સાથે સંકળાયેલું નથી. મ.બ.