ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેમલક્ષણા ભક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



પ્રેમલક્ષણા ભક્તિ : ભક્તિમાં પ્રેમતત્ત્વ એ પ્રાણભૂત વસ્તુ છે. શ્રીવલ્લભાચાર્યજીએ એમના ‘ભક્તિવર્ધિની’ નામના નાના પ્રકરણગ્રન્થમાં ભક્તિ કેવી રીતે ઉત્તરોત્તર વધતી જાય એનો ક્રમ બતાવ્યો છે. એમણે ‘ત્યાગ’, ‘શ્રવણ’ અને ‘કીર્તન’(પ્રભુની બાળલીલાઓનું ગાન, ‘ભજન’ નહિ)ને આરંભનાં પ્રગથિયાં કહ્યાં છે. ભક્તિનો વાચ્યાર્થ પાણિનિના ધાતુપાઠ પ્રમાણે ‘સેવા’ છે અર્થાત્ દ્રવ્યમાં બિરાજતા પ્રભુના બાહ્યસ્વરૂપની અનેકવિધ પરિચર્યા કરવી એ ‘ભક્તિ’ છે. ‘ભક્તિ’નો વિકસિત અર્થ પ્રભુના સ્વરૂપનું ગુણગાન છે. આ સાધન ભક્તિના બળ ઉપર પ્રભુ તરફ પ્રેમભાવ જાગી વિકસિત બને છે. ‘પ્રેમ’ એ આમ ‘ભક્તિ’નું પહેલું સોપાન છે. આ પ્રેમની દૃઢતા પ્રભુમાં આપણી આસક્તિને દૃઢ કરે છે. ‘આસક્તિ’ એ બીજું સોપાન છે. એ તો જ્યારે પ્રભુ આપણા વ્યસનરૂપે બને ત્યારે આપણાં બધાં લૌકિક અને અલૌકિક બંને કાર્યોની સફળતા અનુભવાય. આમ, ‘પ્રેમ’ ‘આસક્તિ’, અને ‘વ્યસન’ એ ‘પ્રેમલક્ષણા ભક્તિ’નાં પ્રાણરૂપ સોપાનો છે. ‘પ્રેમલક્ષણા’ની ઉચ્ચ કોટિ ‘તન્મયતા’ની છે. શ્રીકૃષ્ણના વિરહમાં ગોપાંગનાઓની તન્મયતા (અ. ૩૦, ૩૧માં) પરાકોટિએ પહોંચ્યાનું ભાગવતકાર ચિત્રણ કરે છે. પ્રેમ લક્ષણાભક્તિની આ ચરમકોટિ છે. ગોપીપ્રેમને પ્રેમલક્ષણા ભક્તિનો આદર્શ માન્યો છે. એમાં શ્રીકૃષ્ણ પ્રત્યેની વ્યાકુળતા, સમર્પણભાવનો ભક્તિશૃંગાર છે. હકીકત એ છે કે ભક્તનો ભગવાન પ્રત્યે ઉત્કટ પ્રેમ અને પ્રભુનો ભક્તોને વિશે ઉત્કટ પ્રેમ એ ‘પ્રેમલક્ષણાભક્તિ’ની પારાશીશી છે. કે.શા.