ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ફ/ફૂલછાબ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ફૂલછાબ : અમૃતલાલ દલપતભાઈ શેઠે રાણપુરથી બીજી ઓક્ટોબર, ૧૯૨૧ના દિને ‘સૌરાષ્ટ્ર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું, અને એમાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોની પ્રજાની વેદનાને વાચા આપવા માંડી, જેને મુંબઈ કે અમદાવાદનાં અખબારો મહત્તા આપતાં નહીં. ‘ટેબ્લોઈડ’ કદના એ પત્રમાં પ્રજાના પ્રશ્નોની છણાવટ ઉપરાંત સાહિત્ય, જ્ઞાનવિજ્ઞાન વગેરેને લગતી સામગ્રી પણ છપાતી. અમૃતલાલ શેઠને ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ભીમજી પારેખ, કકલભાઈ કોઠારી જેવા સાથીદારો મળતાં એમનું પત્ર જામ્યું અને લોકપ્રિય થયું. દેશી રાજ્યોની ધાકધમકીઓની સામે એ અડગ રહ્યું. ૧૯૩૨માં અમૃતલાલભાઈ અને એમના મોટાભાઈના સાથીદારોને જેલમાં જવું પડ્યું. છ મહિનાના કારાવાસ પછી બહાર આવીને કકલભાઈ કોઠારીએ ‘સૌરાષ્ટ્ર’ નામ બદલીને પહેલાં ‘રોશની’ અને પછી ‘ફૂલછાબ’ નામે નવેસર સાપ્તાહિક શરૂ કર્યું. ૧૯૩૬માં કકલભાઈએ ‘ફૂલછાબ’ છોડી દેતાં મેઘાણીભાઈએ સુકાન સંભાળ્યું, અને ૪૫માં નિવૃત્ત થયા. ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી ‘ફૂલછાબ’ મુકામ બદલીને રાજકોટ આવ્યું અને ૧૯૫૦માં દૈનિક બન્યું. જેઠાલાલ જોશી અને એમના સાથીઓએ પ્રારંભમાં જયભારત લિમિટેડ નામની કંપની રચીને એને ચલાવ્યું, પણ ૧૯૫૪માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટે ફરીથી સંભાળી લીધું. ત્યારથી સૌરાષ્ટ્રના અગ્રણી દૈનિક તરીકે એની સેવા ચાલુ છે. યા.દ.