ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુંબઈ સમાચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુંબઈ સમાચાર : ૧-૭-૧૮૨૨ના રોજ શરૂ થયેલું ભારતનું સૌથી જૂનું વિદ્યમાન દૈનિકપત્ર. ફરદૂનજી મર્ઝબાન એના આદ્ય સ્થાપક હતા. ઐતિહાસિક ક્રમમાં રાજા રામમોહન રાય ‘સંવાદકૌમુદી’ પછી એ ભારતનું બીજું દેશી વર્તમાનપત્ર ગણાય. પ્રારંભમાં દર સોમવારે પ્રગટ થતું સાપ્તાહિક હતું. ૩-૧-૧૮૩૨થી દૈનિક બન્યું. ૧૩-૮-૩૨થી ફરદૂનજીએ સંજોગોવશાત્ એનું તંત્રીપદ છોડવું પડ્યું. એમને સ્થાને તહેમુલજી મિરઝા તંત્રી બન્યા. એ જમાનામાં દૈનિકપત્ર માટે દરરોજ નવા સમાચારો મેળવવાનું મુશ્કેલ હોવાથી ૧૮૩૩થી ‘મુંબઈ સમાચાર’ અર્ધસાપ્તાહિક બની ગયું હતું. ૧૮૫૫માં ફરીથી દૈનિક સ્વરૂપે પ્રગટ થવા માંડ્યું. પ્રારંભે પારસી સમાજના પ્રશને વિશેષત : ચર્ચતું પણ વખત જતાં સમગ્ર ગુજરાતી પ્રજાનું પત્ર બન્યું. દેશાવરમાં વસતા ગુજરાતી વેપારીવર્ગમાં આજે પણ ઐ દૈનિકની ભારે લોકપ્રિયતા છે. ગુજરાતી દૈનિકોમાં રૂઢિચુસ્ત અને પરંપરાવાદી ગણાતું આવ્યું છે. સનસનાટી કે રાજકીય ગપસપથી દૂર રહીને સમાચારો ઉપરાંત અવનવા વિભાગો એ આપે છે અને દરરોજ બે કોલમ જેટલી જગ્યા વાચકોના પત્રોને ફાળવે છે. આક્ષેપબાજી અને ચારિત્ર્યખંડનથી પર રહે છે. એના વર્તમાન તંત્રી જેહાન દારૂવાલા છે. યા.દ.